શું માત્ર આકૃતિ બદલવાથી જગ્યા વાસ્તુ પરફેક્ટ બની જાય?

કોઈ પણ વિષયને સમજ્યા વિના એના વિષે કશું પણ કહી ન શકાય. પણ આજકાલ લોકો ક્યાંકથી ઉછીનું જ્ઞાનન લઇ અને પંડિત દેખાવા પ્રત્યત્ન કરે છે. જેમને સાચી સમજણ છે એ લોકો વિસરાતા જાય છે. અને જેમને માત્ર દેખાડા કરતા આવડે છે એ પોતાનો પ્રભાવ દેખાડી શકે છે. ભારતીય શાસ્ત્રો એ માત્ર વાર્તાઓ નથી એમાં પણ ગણિત, વિજ્ઞાન જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. વળી સંસ્કૃત સમયમાં જે લખાયું છે એ બધું જ આજે સંસ્કૃતમાં વંચાય છે એ નથી. કોઈ પણ વ્યક્તિ જે સંસ્કૃત જાણતી હોય તે આજની વાત પણ સંસ્કૃતમાં લખી શકે છે. ટેકનોલોજી ના વિકાસ સાથે આવું ઘણું થવાની સંભાવના વધી રહી છે. એવા સમયમાં આપણાથી મૂળ સાચવી રાખવા અત્યંત જરૂરી છે.

મિત્રો, આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું આજે એક પ્રદર્શન જોવા ગઈ હતી. એમાં એક વ્યક્તિએ વાસ્તુ આધારિત પ્રયોગો કર્યા હતા. એમના કહેવા પ્રમાણે માત્ર છજજાની આકૃતિ બદલવાથી જગ્યા વાસ્તુ પરફેક્ટ બની જાય છે. શું આ સાચું છે?

જવાબ: તમારો સવાલ ખુબ જ માર્મિક છે. આજના સમયમાં જેને વિષય વિષે કશું પણ જ્ઞાન નથી એવી વ્યક્તિઓ પણ એ વિષયને પોતાના ફાયદા માટે રજુ કરે છે. અને સહુથી આઘાતજનક વાત એ છે કે જેમને આ વિષય નથી સમજતો એ લોકો નિષ્ણાતની માફક એના પર વિમર્શ કરે છે. અને કદાચ ભવિષ્યમાં વાસ્તુશાસ્ત્રના કોર્સમાં માત્ર છજજાનો જ ઉલ્લેખ હોય એવું પણ બને. જો માત્ર છજજાના આક્રો બદલવાથી જ સકારાત્મક ઉર્જા મળતી હોત તો હજારો વરસ સુધી કોઈ આ વિષયના નિયમો શોધવા માટે પ્રયત્ન જ ન કરત. કોઈ પણ જગ્યા વાસ્તુ આધારિત છે એનું સર્ટીફીકેટ મળવાથી એ સકારાત્મક નથી બની જતી. એના માટે નિયમોનું પાલન ખુબ જરૂરી છે. શાસ્ત્રોમાં શોર્ટ કટ થોડા જ ચાલે?

સવાલ: મારા લગ્ન મારા મમ્મીની મરજીથી થયા. મારી પત્ની અને હું બંને ખુબ જ અલગ છીએ. મારી પત્ની ગામડામાં ભણી છે અને મારો અભ્યાસ વિદેશમાં થયો છે. એને લડવા જોઈએ છે અને મને શાંતિ. એને તેલમાં તરતું ખાવાનું ભાવે છે અને મને સાત્વિક. એને વાતને છુપાવવાની ગમે છે અને હું એને બધું જ સાચું કહું છુ. એને ઝગડા કરવા અને કંકાસ ગમે છે, મને શાંતિ. એને બાળકો નથી ગમતા અને મારા બાળકો  મારાથી ખુબ નજીક છે. એને વાંધા કાઢવા ગમે છે અને મને સંતોષ. આ ઉપરાંત એ મને ગમે તેવું સંભળાવી અને પછી રાડારાડ કરે છે કે મને મારી નાખો. મારું તો નસીબ જ ખરાબ છે. સાહેબ, હું ભલો માણસ છુ તો પણ મારી પત્ની બધાને મારા વિષે ગમે તેવી વાતો કરે છે. મારે છુટા થવું છે. મારા ઘરના કહે છે કે એ ગમે તેવી હોય આપણે સંસ્કાર ન છોડાય. મારી ઉમર એકસઠની થઇ. મારા પોતાનો બીઝનેસ છે એટલે સારું કમાઉ છુ. એ બધાને એવું કહે છે કે હું કશું કમાતો નથી. હવે હદ થઇ ગઈ છે. એ દાદાગીરી કરીને મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે. ધમકીઓ આપે છે કે હું તમારા વિષે અફવાઓ ફેલાવીને સમાજમાં રહેવાનું મુશ્કેલ કરી દઈશ. એ વારંવાર ભાગી જાય અને પાછી આવી પણ જાય છે. એને કશું પૂછીએ તો જવાબ આપવાના બદલે લડ્યા કરે છે. મારી તબિયત બગડી રહી છે. ક્યારેક તો લાગે છે કે એ મારા મરવાની જ રાહ જોઈ રહી છે. શું સંસ્કાર મારે જ દેખાડવાના? મોટી ઉમરે છુટા ન થવાય?

જવાબ: તમારે લગ્ન નહોતા કરવા પણ થઇ ગયા. કોઈ કારણ હશે. પણ એ પછી તમને અત્યારે સમજાયું કે નથી ફાવતું? મોટા ભાગે આપણે સંસ્કાર શબ્દને સમજ્યા જ નથી. વળી આખી જિંદગી લડ્યા કરવા કરતા છુટા થઇ જવું વધારે સારું છે. તમારા બંનેમાં કોઈ સામ્યતા નથી. મનમાં દ્વેષ રાખીને ન જ જીવાય. કોઈ વડીલની હાજરીમાં સાથે બેસીને વિચારો. અને જો સમાધાન ન દેખાય તો છુટા પડી જ શકાય. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. રસોડાનું પ્લેટફોર્મ પશ્ચિમમાં છે. આવા સંજોગોમાં નારીને લડવું ગમે. બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવો. શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરો.

સુચન: ઉત્તર મધ્યમાં કેસરી રંગ યુગલના સંબંધ પર નકારાત્મક અસર કરી શકે છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)