રોગના પરિણામમાં ગ્રહો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આયુષ્યનો વિચાર પર ગ્રહો દ્વારા થઇ શકે છે. સમય જતાં આજે પ્રદૂષણને લીધે મનુષ્યને દરેક ઋતુમાં રોગોથી બચવું પડે, તેવી સ્થિતિ થઇ ગઈ છે. તેમ છતાં જન્મસમયના ગ્રહો અને પ્રશ્નકુંડળી મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય પર સચોટ નિર્દેશ કરી શકે છે.
રોગનો નિર્ણય:
રોગોને મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય, નિમિત્તજન્ય અને અદ્રષ્ટ નિમિત્તજન્ય રોગ; નિમિત્તથી થતાં રોગમાં મનુષ્ય પોતાના આચાર અને વિચાર વડે રોગી બને છે. અનિમિત્ત જન્ય રોગ, પૂર્વભવના કર્મ અને જન્મજાત ઉપસ્થિત રહે છે પરંતુ મનુષ્યને સરળતાથી સમજાતાં નથી. જન્મકુંડળીમાં છઠ્ઠોભાવએ રોગ સૂચક ભાવ છે, તેને શત્રુ ભાવ પણ કહે છે. રોગ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. રોગભાવમાં રહેલ રાશિ અને તેનો સ્વામી રોગસૂચક બને છે. આ સિવાય અષ્ટમ અને વ્યય ભાવ પણ રોગના નિમિત્ત બને છે. અષ્ટમભાવ અને વ્યય ભાવના સ્વામીની દશાઓ પણ ષષ્ટેશ ગ્રહ સાથે સંબંધ કરતી હોય તો તે પણ રોગસૂચક બને છે. અશુભ ગ્રહ, નબળા ગ્રહ બનીને છઠે, બારમે કે આઠમે હોય તો તેમની દશાઓમાં રોગ આવી પડે છે. મારક ગ્રહો અને બાધક ગ્રહો પણ રોગ આપી શકે છે. પરંતુ સૌથી મહત્વનું છે કે ગ્રહ જયારે નબળો હોય અને રોગ નિર્દેશક બને ત્યારે ચોક્કસ રોગ આવી પડે છે. વરાહમિહિર અનુસાર ગ્રહોનું બળાબળ અને નૈસિર્ગક ગુણ જ નિર્ણાયક કહેવાશે।
ગ્રહો અને તેમના દ્વારા નિર્દેશિત રોગ:
જન્મકુંડળી દ્વારા શારીરિક સ્વાસ્થ્યને સમજવા માટે રાશિઓનો ઊંડો અભ્યાસ અને ગ્રહોના ગુણદોષ ધ્યાને લઈને, અનુભવથી જ સમજી શકાય છે. ગ્રહો દ્વારા ક્યાં રોગ સૂચિત થઇ શકે તેની અનુભવ આધારે અને શાસ્ત્રોક્ત માહિતી નીચે આપેલ છે:
સૂર્ય જો રોગસૂચક ગ્રહ બને રોગનિર્દેશ પિત્ત, શિર, નેત્ર, હ્રદય, જ્વર દ્વારા થઇ શકે. ચંદ્ર રોગસૂચક બને તો રોગ માનસિક, રક્ત જન્ય, કફજન્ય થઇ શકે. મંગળ નિર્દેશિત રોગ અસ્થિ ભંગ, રક્ત જન્ય અને પિત્ત જન્ય હશે. બુધ દ્વારા મગજ, ચામડી, વાયુ વિકારનો નિર્દેશ થઇ શકે. ગુરુ દ્વારા મેદ જન્ય, લીવર અને પેટના રોગોનો નિર્દેશ થાય છે. શુક્ર દ્વારા પ્રમેહ, નેત્ર રોગ, દુર્બળતા અને ઓજનો નાશ થવો વગેરે નિર્દેશિત થાય છે. વાત રોગ, સાંધાની તકલીફ, અસાધ્ય રોગ વગેરે શનિ દ્વારા નિર્દેશિત થાય છે. વિષાણુ દ્વારા થતા રોગ, ઉન્માદ, થાઇરોઇડ અને અંતઃસ્ત્રાવની બિમારીઓ રાહુ દ્વારા નિર્દેશિત છે. કેતુ દ્વારા ગર્ભાશય, નાસિકા અને કાનના રોગોના નિર્દેશ થાય છે.
ભાવ અને તેના દ્વારા નિર્દેશિત રોગ:
છઠા ભાવમાં અથવા રોગ ભાવમાં રહેલ રાશિ તથા રોગેશ ગ્રહ જે રાશિમાં હોય તે રાશિ દ્વારા પણ રોગનું જ્ઞાન થઇ શકે છે, જે રાશિના ગુણદોષ પર આધારિત છે. પરંતુ રોગેશ ગ્રહ જે ભાવમાં હોય તે ભાવ ખૂબ મહત્વનો નિર્દેશ કરે છે, રોગેશ ગ્રહ જો પ્રથમ ભાવે હોય તો માથાના ભાગે પીડા, દ્વિતીય ભાવે હોય તો આંખ, મુખ અને ગાળાના ભાગે પીડા, તૃતીય ભાવે હોય તો ગળા અને હાથના ભાગે તકલીફ, ચતુર્થ ભાવે હોય તો ફેફસા અને હૃદયની તકલીફ, પંચમ ભાવે હોય તો પાચન સંબંધી તકલીફ કે રોગ, ષષ્ઠ ભાવે હોય અને સ્વરાશિમાં કે બળવાન ન હોય તો આંતરડામાં રોગ, સપ્તમ ભાવે મૂત્રાશયમાં તકલીફ, અષ્ટમ ભાવે મોટા આંતરડા, ગર્ભાશયની તકલીફ, નવમ અને દસમ ભાવે પગમાં પીડા, લાભ ભાવે કે બારમે હોય તો અનુક્રમે પગની પિંડી અને પગના તળિયામાં તકલીફ આપે છે.
રોગદિન નક્ષત્ર અને પ્રશ્નકુંડળી દ્વારા રોગનું અનુમાન:
જયારે પણ રોગનો પ્રશ્ન આવે ત્યારે તે જાતકની જન્મકુંડળી અને તે સમયની પ્રશ્નકુંડળી ખુબ મહત્વની હોય છે. જન્મના દશા અધિપતિ પણ ધ્યાનમાં લેવા પડે છે. આશ્લેષા, આર્દ્રા, જ્યેષ્ઠા, શતભિષા વગેરે જેવા ક્રૂર કે અશુભ નક્ષત્રમાં રોગ આવે તો મોટી તકલીફ પડે છે. અશુભ નક્ષત્રમાં અશુભ વાર અને રિક્ત તિથિ હોય અને રોગ આવે તો રોગ ખૂબ લાંબો ચાલે છે. પ્રશ્નકુંડળીમાં લગ્નેશ અને ચંદ્રમા અશુભ ગ્રહો વડે દ્રષ્ટ અને બળહીન હોય તો રોગી મનુષ્યના આયુષ્ય પર પ્રશ્નાર્થ લાગી જાય છે.
જન્મ નક્ષત્રથી જયારે રોગ થયો હોય તે દિવસનું નક્ષત્ર ગણવું, તેને 3 વડે ગુણીને 4 વડે ભાગવું, જો શેષ 1 આવે તો રોગ મૃત્યુતુલ્ય, 2 આવે તો મોડેથી સાજો થાય, 3 આવે તો જલદી સાજો થાય અને શેષ 4 આવે તો રોગ તરત મટી શકે છે।