બ્લેકમેઇલનો ભોગ બનનારની આસપાસના તમામનું વાસ્તુ એવું હતું કે…

“પેલી સર્વિસવાળા તો સ્પા માટે માણસો મોકલે અને પછી ભોળવીને ફોટા પાડી બ્લેકમેઈલ કરે છે.” એક સ્ત્રી મિત્રને અન્ય સ્ત્રી મિત્રે વાત કરી ત્યારે આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પોતે નોકરિયાત. પતિ બીજે ગામ નોકરી કરે. ક્યારેક ઘરે આવે ક્યારેક બહાનું કાઢીને ન આવે. ઘર અને નોકરીના તણાવમાં હતાશા આવવા લાગી. એક દિવસ ઓનલાઈન એપ જોઈ. માલિસ કરવાવાળા બેન આવ્યાં. તેની વાકછટા અને કામથી પ્રભાવિત થઇ અને દર શનિવારે તેમને બોલાવવાનો નિર્ણય લીધો. હવે જાણે એક મિત્ર મળી ગઈ. એક વખત એક સ્ત્રીનો ફોન આવ્યો કે હું વડોદરાથી બોલું છું. તમારા પતિએ મને છેતરી છે. એ મારા પણ પતિ છે. ફરી પ્રયત્ન કરતા ફોન નંબર સેવામાં નથી સંભળાયું.

મન ખિન્ન થઇ ગયું. શનિવારે પતિ ન આવ્યાં પણ પેલા માલિસવાળા બેન આવ્યાં. રડી પડાયું. “ જુઓ તમારા પતિના નામથી રજિસ્ટર કરીને તમેય કોઈને બોલાવો. એમાં ખોટું શું છે?” ગુસ્સામાં લેવાયેલા નિર્ણય હમેશા નુકશાન જ કરે છે. અને એવું જ થયું. માલિસવાળો છોકરો. માત્ર બાવીસ વરસ. હા, શરીર થોડું વધારે હતું. પણ વાત કરવામાં એક્કો. ગુસ્સો અને દુખ, સાથે બદલાની ભાવના પણ ખરી. અને પેલા લોકો ફાવી ગયાં. હવે પૈસા પડાવવાની વાત શરુ થઇ. હવે આખી પરિસ્થિતિને વાસ્તુના પરિપેક્ષમાં વિચારીએ.

આપણા મુખ્ય પાત્રના પતિ જે જગ્યાએ રહેતાં હતાં ત્યાં ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. તેથી નીતિમત્તા ઓછી હોય તેવું બને. ઉત્તરનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હતો તેથી પત્ની પોતાના કરતાં વધારે કમાતી હતી તે સહન થતું ન હતું. પોતાનામાં આત્મવિશ્વાસ ઓછો છે તેવું દેખાડવું ગમતું ન હતું તેથી તેઓ ઘરે ઓછું જતાં. અહી વાયવ્ય પશ્ચિમના પદમાં દ્વાર હતું તેથી નોકરી માટે મુસાફરી વધી. ઈર્ષા અને આત્મવિશ્વાસના અભાવના કારણે અન્ય સ્ત્રી તરફ નજર ફરી. આ વાત યોગ્ય ન હતી. પણ ઈર્ષામાં લેવાયેલા નિર્ણયો પણ નકારાત્મક જ હોય છે. એક વખત લાંબા સમય સુધી બહાર રહેવાનું થયું. જેનો ફાયદો પેલી અન્ય સ્ત્રીએ લઇ લીધો.

હવે તે સ્ત્રીનો વિચાર કરીએ. ઉત્તરનો અક્ષ નકારાત્મક અને નૈરુત્યમાં રસોઈઘર. ભારોભાર ભૌતિક્તાવાદી વ્યક્તિત્વ. નોકરીના કામ અંગે આવેલા પેલા ભાઈએ કોઈ રહેવાની સારી વ્યવસ્થા માટે પૂછ્યું અને પોતાના લાભ માટે પોતાના ઘરે જ વ્યવસ્થા કરી અને ભાડું લઇ લીધું. પોતે વાયવ્યમાં રહેતાં. તેથી સ્વભાવ રોમાન્ટિક અને જીદ્દી પણ ખરો. વાત વાતમાં ખબર પડી કે આમને પોતાની પત્નીથી ઈર્ષા છે.પેલા ભાઈ બે મહિના બહાર જવાના છે ખબર પડી કે કહી દીધુ.” હું તમારા ઘરે વાત કરી દઈશ.” પછી એમના ઘરે કૈંક બીજી જ વાત કરી. અહી પૂર્વમાં સંડાસ હતું તેથી મૂલ્યો ઓછા હોય તેવું બને. થોડા સમય પછી પેલા ભાઈએ ઘરે ફોન કર્યો ત્યારે પત્નીએ ન કહેવાનું કહ્યું. તેના જીવનમાં પણ બદલાવ આવ્યો હતો ને? હવે બંને વચ્ચે દીવાલ હતી.

હવે ત્રીજું પાત્ર. પેલા માલિસવાળા બહેન. લગ્ન પછી ખબર પડી કે સાસરીમાં તો માંસ ખવાય છે. પણ હવે શું? પિતાજીનો બંગલો છોડીને નાના ઘરમાં આવવાનો નિર્ણય પોતાનો જ હતો. વર પૈસા પૈસા કરતો. અહી વાયવ્યના અક્ષથી બનતો તીર આકાર નકારાત્મક હતો. વ્યસની પતિ માંલિસનું કામ કરતો. અંતે પોતે પણ શીખી લીધું. સતત દબાણની સ્થિતિમાં પેલા બેન મળી ગયાં. ઘરે વાત કરી અને એના દિયરે વાતનો મર્મ કાઢી લીધો. માત્ર એક જ ખોટો નિર્ણય અને ઘરેણાં વેચવાનો વારો આવ્યો. આપણાં મુખ્ય પાત્રને પોતાની જાત પર અને વર પર ગુસ્સો પણ આવતો. પણ હવે શું? જયારે દરવાજાની સામે થાંભલો આવતો હોય ત્યારે નારીનો સ્વભાવ ચંચળ બને છે. અહી ઘરનું મુખ્ય દ્વાર અગ્નિના પદનું હતું અને ઉત્તરનો દોષ હતો. તેથી નારીપ્રધાન ઘર હતું પણ નારીને સંતોષ ન હતો. પુરુષનો આત્મવિશ્વાસ ઓછો હતો તેથી વાતેવાતે ધમકીઓ આપતો. ઘરમાં મદદ પણ કરતો નહીં. લોકોના પૈસા પડાવી લેવામાં જીવ રહેતો. પશ્ચિમ તથા  ઉત્તરના અક્ષ નકારાત્મક હોવાથી ભ્રમર વૃત્તિ પણ આવી.

એકલતા ખાળવા પેલા બહેને અગ્નિમાં હિંચકો લગાવ્યો. હવે વિચારો પણ ચગડોળે ચડ્યાં. જાતજાતના વિચારો આવવા લાગ્યાં. આર્થિક નુકશાન થયું, અને ડર ઘૂસી ગયો. અંતે જીદ કરીને નવું ઘર લઇ લીધું. નંબર બદલી લીધો. જો એ ઘરમાં પશ્ચિમ અને ઉત્તરના અક્ષ હકારાત્મક હોત તો? તો પતિપત્ની વચ્ચે સુમેળ બનત. હિંચકો મૂકવાની જરુર જ ન પડી હોત કારણ કે પતિનો સહવાસ હોત. તણાવ ખાળવા કોઈ માલિસવાળી કે વાળો ઘરમાં ન આવ્યો હોત. પતિને પણ ઘરે રહેવાનું ગમતું હોત. આમ એક જ ઘરમાં સુવ્યવસ્થા હોય તો સુખની અનુભૂતિ શક્ય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]