બદમાશીના એક કિસ્સામાં વાસ્તુના નિયમોનો ગજબ પ્રભાવ…

રામલાલ સવારથી એપ પર પ્લમ્બરને બૂક કરવા પ્રયત્ન કરતાં હતાં પણ એ શક્ય ન હતું. છેલ્લી સર્વિસ વખતે એક છોકરીનો ફોન આવ્યો હતો કે તમે મેમ્બર બની જાઓ તો તમને વધારે ડિસ્કાઉન્ટ મળશે. મેમ્બર બન્યાં બાદ તેમનું એકાઉન્ટ બ્લોક થઇ ગયું. તેમને શંકા જતાં તપાસ કરી તો ઘરમાંથી વસ્તુઓ ઓછી થઇ ગઈ હતી. એપના પૈસા પણ ગયાં અને વસ્તુઓ ચોરાઈ તે લટકામાં. એપમાં ફોન કરતા જાણવા મળ્યું કે છેલ્લે આવેલા પ્લમ્બરે વધારે કામ કરાવી પૈસા નથી આપ્યાં તેવી ફરિયાદ કરી છે.

હકીકતમાં એ માણસે આવતાંની સાથે જ પોતાની તબિયત નથી સારી તેવું જણાવ્યું. રામલાલે આપેલો કોડ નાખવાથી સમય શરુ થઇ ગયો હતો. ભલા માણસે દવા આપી, ખાવાનું આપ્યું અને પેલાએ વધારે સમયમાં કામ કર્યું તો વધારે પૈસા પણ આપ્યાં. ખૂબ પ્રયત્ન કર્યા બાદ પેલો માણસ ઘરે આવીને ધમકી આપી ગયો કે ખબરદાર મારું નામ લીધું છે તો. હવે અજાણ્યાં માણસને ઘરમાં લાવવાનો અફસોસ થતો હતો.

આખી પરિસ્થિતિમાં સહુથી પહેલાં પેલા પ્લમ્બરનું ઘર વિચારીએ. ઉત્તર અને દક્ષીણ બંનેના અક્ષ નકારાત્મક અને બ્રહ્મમાં ખાડો. માણસ વધારે પડતો ભૌતિક્તાવાદી હતો. તેના વિચારો પણ નકારાત્મક હોય. ઘરનો મુખ્ય પુરુષ આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થતો ન હોય. આ ઘરમાં બાવીસ વરસનો આ છોકરો એક માત્ર કમાનાર વ્યક્તિ હતો. પશ્ચિમથી પૂર્વમાં પણ બે ફોલ્ટ હતાં. વ્યસન હતું અને માનવતાનો અભાવ હતો. તે કોઈ પણ રીતે સહાનુભુતિ લઈ અને વધારે પૈસા લઇ લેતો. સામાન્ય રીતે લોકો આવી નાની બાબતમાં ફરિયાદ કરતા નથી. અને ક્યારેક એપ વાપરવાનું બંધ કરીને સંતોષ માની લે છે. રામલાલ પેલા છોકરા માટે દવા લેવા ગયાં ત્યારે લાગ મળતાં તેણે ચોરી કરી. જો એ પકડાઈ ગયો હોત તો? એ વિચાર પણ આવ્યો હોત તો કદાચ રામલાલ ફરિયાદ કરવા ન રહ્યાં હોત. પશ્ચિમની નકારાત્મકતા આવી વિચારધારા આપી શકે છે. રામલાલને ચોરીની જાણ ખૂબ મોડી થઇ. વળી કંપનીમાં ફરિયાદ કરતાં ધમકી પણ મળી અને કંપનીએ હાથ ઊંચા કરી દીધાં. હવે ઘરમાં ભયનો માહોલ પણ છવાયો.

હવે વિચાર કરીએ કંપનીનો. એક સ્ટાર્ટ અપ. ઓછાં માણસો, મોટું સપનું. માત્ર પૈસા કમાવાનું. અહી ઓફિસમાં વાયવ્યના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. પુરુષો નૈરુત્ય તરફ મુખ રાખીને બેસતાં.નારીને બેસવાની દિશા પૂર્વાભિમુખ હતી. તેથી સ્ત્રી કાર્યકરો સારી હતી પણ પુરુષ કાર્યકરો તુમાખી રાખતાં. ઉત્તરમાં દાદરો બ્રહ્મ સુધી લંબાયેલો હતો. તેથી ભૌતિક્તાવાદી વિચારો સર્વોપરી રહેતાં. સવાસો કરોડની વસ્તીમાંથી એક કરોડ તો મળી રહેશેને? આ વિચારે તેમને ખોટો આત્મવિશ્વાસ આપ્યો હતો. વિચાર સારો હતો પણ તેની પાછળનો આશય સારો ન હોવાથી અસંતોષ વધી રહ્યો હતો. ચોરી માટે પોતે જવાબદારી લેવાના બદલે પ્લમ્બરને પોતાની રીતે ફોડી લેવાનું કહેવામાં આવ્યું. જીવનમાં પહેલી વાર રામલાલને સારા હોવા માટે અફસોસ થયો.જો પ્લમ્બરના બદલે કોઈ અન્ય સર્વિસ લીધી હોત તો? તો કદાચ જીવ પણ ગયો હોત. આવા વિચારોએ મનમાં માળો કર્યો. અંતે કોઈ પણ અજાણ્યાં માણસને પોતાના ઘરમાં ન આવવા દેવો, તેવા નિર્ણય સાથે ઘર બદલવું પડ્યું.

હવે ત્રીજા પાત્ર એવા રામલાલના ઘરનો વિચાર કરીએ. ઉત્તરના અક્ષની હકારાત્મકતા અને હકારાત્મક દ્વાર તેમને સંસ્કારી વ્યવહાર સાથે જોડતાં હતાં. આમાં ઈશાનમાં થતી પૂજાનો પણ ફાળો ગણી શકાય. પૂર્વમાં સંડાસ અને અગ્નિનો દોષ હોવાના કારણે તેમના માટે આવી પરિસ્થતિ ઉદભવે તે શક્ય હતું. નૈરુત્યમાં ખાંચો હતો તેથી ભયની સ્થિતિ ઉદભવે. રામલાલને ત્યાં વરસોથી એક જ પ્લમ્બર આવતો હતો. એકવાર તે દેશમાં ગયો. બસ વાત માત્ર એટલી જ હતી. પૂર્વના દોષના કારણે તેમને ખોટી જગ્યાએ વિશ્વાસ કરવાની ઈચ્છા થઇ. અગ્નિનો મોટો દોષ હોય તો ચોરી થવાની શકતા વધે છે. એક એવી વાત મારા ધ્યાનમાં આવી છે કે માણસ જે ઊર્જામાં રહેતો હોય તેનાથી તે ટેવાવા લાગે છે. તેથી ક્યારેક તે જૂના ઘરની ઊર્જાથી સમાન ઊર્જાવાળું નવું ઘર પસંદ કરે છે. અહી પણ એવું જ થયું. પૂર્વ અને અગ્નિના સમાન દોષ નવા ઘરમાં પણ હતાં.

હવે આખી પરિસ્થિતિને અલગ રીતે વિચારીએ. જો રામલાલના ઘરમાં પૂર્વ અને અગ્નિનો દોષ ન હોત તો તેઓ પ્લમ્બર દેશમાંથી પાછો આવે તેની રાહ જોઈ શક્યાં હોત. જેના કારણે તેમને કોઈ અજાણ્યા માણસને અજાણી એપ પરથી ઘરમાં બોલાવવો ન પડ્યો હોત. ઘરમાંથી ચોરી ન થઇ હોત અને ભય પણ ન ઉદભવ્યો હોત. જો પેલા પ્લમ્બરના ઘરમાં ઉત્તરનો અક્ષ હકારાત્મક હોત તો તે નિષ્ઠાથી કામ કરતો હોત અને ઘરમાં વ્યસન ન ઘૂસી ગયું હોત. તેના મનમાં કોઈને મારી નાખવાના કે ચોરી કરવાના વિચારો ન આવતાં હોત. એકંદરે એક સારી વ્યવસ્થા ઉદભવી હોત. ભારતીય વાસ્તુના નિયમોથી બનેલા મકાનમાં હકારાત્મક ઊર્જા હોવાથી જીવન સુખમય બને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]