અનેક રહસ્યોવાળો, પ્રભાવશાળી યંત્ર: પંદરીયો યંત્ર

મંત્ર, યંત્ર અને તંત્ર ત્રણેય ઊંડા અને ગહન વિષયો છે. એવું કહેવાય છે કે આ શાસ્ત્રોની શરૂઆત છે પણ તેનો અંતિમ પડાવ મળવો મુશ્કેલ છે, અને સામાન્ય મનુષ્ય માટે તો આ મહાસાગરમાં અંજલિ જેટલું પણ મળી જાય તો તેનો ભવપાર થઇ જાય. જેમ જેમ તમે તંત્રશાસ્ત્રમાં ઊંડા ઉતરતા જાઓ તેમ તેમ તમને નવીન લબ્ધિપ્રાપ્તિઓ થતી રહે છે. ક્યારેક પ્રાપ્તિ અનુભવ સ્વરૂપે હોય છે તો ક્યારેક તમારા જીવનમાં મોટા બદલાવ સ્વરૂપે પણ હોય છે. તંત્રનો શ્રેષ્ઠ ઉપયોગ પોતાના આત્માના નિર્વાણ અને અંતિમ મુક્તિ માટે છે. જીવન દરમિયાન આવતી નાનીમોટી તકલીફો માટે પણ તંત્રશાસ્ત્રમાં કેટલાય પ્રયોગ દર્શાવાયા છે. આજે આપણે તેવા જ એક અનુપમ અને રહસ્યમયી યંત્રની વાત કરીશું.

આ યંત્ર એટલે કે પંદરીયો યંત્ર, લગભગ દરેક ધર્મમાં ક્યાંક અને કયાંક ઉલ્લેખ પામ્યો છે. તેના ગુણગાન કરીએ તેટલા ઓછા છે. આ યંત્ર થકી કેટલાય કાર્યો સિધ્ધ થયાં છે, રાજાઓ લડાઈ જીત્યાં છે, રોગીઓના રોગ ગયા છે અને અનેક લોકોએ જીવનમાં સુખશાંતિનો અનુભવ કર્યો છે. કહેવાય છે કે દુનિયા જીતનાર રાજા સિકંદરના રથ પર પણ આ પંદરીયો યંત્ર દોરેલો હતો. સૂર્ય મંદિરમાં, ખજૂરાહોમાં અનેક જગ્યાઓએ આ પંદરીયો યંત્ર જોવા મળે છે.

પંદરીયો યંત્ર એટલે કે નવ ખાનાવાળો યંત્ર, જેના ઉભા આડા અને ત્રાંસા અંકોનો સરવાળો પંદર થાય છે, તેમાં એક થી લઈને નવ સુધીના તમામ અંકો હોય છે. આ અંકો કેવી રીતે લખાયેલા છે? અને કયા અંકો કઈ બાજુ છે તેનાથી યંત્રનો પ્રકાર અને કાર્ય નક્કી થાય છે.

 

ચારેય તત્વોની પૂજા પંદરીયા યંત્ર દ્વારા શક્ય છે:

જળતત્વ લાગણી, પ્રેમ અને સંબંધોને દર્શાવે છે, અગ્નિતત્વ શક્તિ, ઉત્સાહ અને સર્જનને દર્શાવે છે. પૃથ્વીતત્વ સ્થિરતા, વ્યવહારુ અભિગમ અને સંપતિને દર્શાવે છે. વાયુતત્વ બુદ્ધિ, વિચારો અને સંવાદને દર્શાવે છે. જો તમે પોતાની રાશિ મુજબ કોઈ એક તત્વની પૂજા કરવા માંગતા હોવ અથવા કોઈ એકતત્વનો વધારો કે ઘટાડો કરવા માંગતા હોવ તો પંદરીયો યંત્ર, આ બાબતે તમને ધાર્યું પરિણામ આપી શકે છે. આકૃતિમાં દર્શાવેલ યંત્રમાં એક ઉપરની બાજુએ હોઈ, જળતત્વનું યંત્ર જણાય છે.

જો એકનો અંક ઉપરની બાજુએ અને નવનો અંક નીચેની બાજુએ હોય તો તે જળતત્વનું યંત્ર થયું. જો એકનો અંક નીચેની બાજુએ અને નવનો અંક ઉપરની બાજુએ હોય તો તે અગ્નિતત્વનું યંત્ર થયું. જો એકનો અંક જમણી બાજુએ અને નવનો અંક ડાબી બાજુએ હોય તો તે વાયુ તત્વનું યંત્ર થયું. જો એકનો અંક ડાબી બાજુએ અને નવનો અંક જમણી બાજુએ હોય તો તેપૃથ્વી તત્વનું યંત્ર થયું. તમે જે તત્વની સ્થિરતા કે ઉપાસના ઈચ્છો છો, તે યંત્રની તમે સ્થાપના કરીને જરૂરી તત્વ મેળવી શકો છો.

મેષ, સિંહ, ધન: અગ્નિતત્વ; વૃષભ, કન્યા અને મકર: પૃથ્વી તત્વ; મિથુન, તુલા, કુંભ: વાયુ તત્વ; કર્ક, વૃશ્ચિક અને મીન: જળ તત્વ.

કયા વારે કયું કાર્ય સિધ્ધ થઇ શકે?

આમ તો પંદરીયો યંત્ર રવિવારે લખવાની માન્યતા છે પણ આ પંદરીયો યંત્ર દરેક વારે પ્રભાવી છે જ, તેની સાથે તેના જાણે કેટલાય રહસ્યો હજુ અકબંધ પડ્યા છે. જેમ કે વિક્ષેપનના કાર્ય માટે રવિવારે આકડાના દૂધથી આ યંત્ર લખવું જોઈએ. ઉચાટનના કાર્ય માટે સોમવારે કાળી અને પીળી બંને હળદર લઈને કાગડાના પીછાથી લખવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય છે. મોહન કાર્ય કે મોહ ઉપજાવવા બુધવારે ચાંદીની કલમે ગોરોચનથી આ યંત્ર લખવું જોઈએ, ગુરુવારે હળદરથી પણ આજ રીતે યંત્ર લખી શકાય, તેનાથી પણ આકર્ષણનું કાર્ય સિદ્ધ થાય છે. કપૂર, ઘી વડે અને દાડમની કલમે લખાયેલું યંત્ર શુક્રવારે શત્રુ અને પ્રેયસીને પણ વશ કરનારું હોય છે. મારણ કાર્ય માટે શનિવારે તેનો ગુપ્ત પ્રયોગ થાય છે, જે અત્યંત ગોપનીય છે.

કયા અંકથી યંત્રલેખનની શરૂઆત કરીએ તો શું મળે?

૧ના અંકથી શરૂઆત કરીએ તો સંતાન મળે, દેવ મળે. ૨ના અંકથી શરૂઆત કરીએ તો વશીકરણ થાય. ૩ના અંકથી શરૂઆત કરીએ તો ધન મળે. ૪ના અંકથી શરૂઆત કરીએ તો શત્રુનો નાશ થાય. ૫નાઅંકથી શરૂઆત કરીએ તો પ્રસિદ્ધિ મળે. ૬નો અંક મારણનો પ્રયોગ છે, સાથે ઈચ્છિત કન્યાપ્રાપ્તિ કરાવે છે. ૭ના અંકથી શરૂઆત કરીએ તો અન્યને વશ કરી શકો. ૮ના અંકથી શરૂઆત કરીએ તો તત્કાળ શત્રુનો નાશ થાય છે. ૯ના અંકથી શરૂઆત કરીએ તો સર્વ સિદ્ધ થાય છે.આકર્ષણમાં ह्रीं, વશીકરણમાં कलीं, ધનમાં श्रीं અને રોગમાંથી મુક્તિ માટે कलां બીજોથી યંત્રને આવૃત્ત કરીને સિદ્ધ કરવું. યંત્ર સાથે વશીકરણના મંત્ર અને સૂર્યના મંત્ર દ્વારા યંત્રને બળવાન કરીને ધાર્યા પરિણામ મળે છે. દિન અને મુહૂર્ત પણ પોતાના આશય મુજબ નક્કી કરી લેવા, યંત્રને અત્તર અને કુમકુમ વડે પૂજન કરવું. ધૂપ અને દીપ દરરોજ કરવા. ઇતિ શુભમ.

અહેવાલઃ નીરવ રંજન