પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યાં કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે છે. શુભ મુહૂર્તમાં ખેતી કરવાથી ખેતી દ્વારા સફળતા મળવાના સંજોગ ખૂબ વધી જાય છે.
ખેતરમાં પ્રથમ પ્રવેશ:
નક્ષત્રનું મહત્વ ખૂબ વધુ છે, શુભ નક્ષત્રના દિવસે ખેતી કાર્ય શરુ કરવું, ખેતી બાબતે કાર્ય શરુ કરવા ખેડૂત પહેલીવાર ખેતરમાં પ્રવેશે તે દિવસે, ભરણી, આર્દ્રા, મઘા, પુષ્ય, ચિત્ર, ઉ. ફાલ્ગુની, સ્વાતિ, અનુરાધા, ઉ. ષાઢા, ઉ. ભાદ્રપદ નક્ષત્ર હોય તો શુભ ગણાય છે.
નોમ તિથિ સિવાય એકી સંખ્યામાં તિથિ શુભ ગણાય છે, બીજ અને દસમીને પણ શુભ કહેવાય છે. શુભ ગ્રહોના વાર, સોમવાર, ગુરુવાર અને શુક્રવાર ઉત્તમ ગણાય છે.
ખેતર ખેડવા સમયે:
ખેડ કરવા માટે રોહિણી, પુષ્ય, પુનર્વસુ, ત્રણ ઉત્તર, અનુરાધા, હસ્ત, માઘ, ચિત્રા, સ્વાતિ નક્ષત્ર શુભ કહેવાય છે. ખેડ કરવા માટે ચોથ, છઠ, આઠમ, નોમ, ચૌદશ, પૂનમ, અમાસને છોડીને બાકીની બધી તિથિમાં ખેડ કરવી શુભ ગણાય છે.
ચૌદશે ખેડ કરવાથી ખેડૂતના શરીરની તકલીફ, ચોથે ખેડ કરવાથી પાકની ચોરી કે જંતુથી નુકસાન, નોમે ખેડ કરવાથી આવનારા પાકમાં નુકસાન થવાની સંભાવના ખૂબ વધુ હોય છે તેવું આદ્યગ્રંથોમાં કહેલું છે.
ખેડ કરતા સમયે ચોખ્ખું મુહૂર્ત કાઢવું હોય તો લગ્નમાં કોઈ પાપ ગ્રહ, શનિ, રાહુ, મંગળ ના હોવા જોઈએ, તેમની દ્રષ્ટિ પણ ના હોય તો ઉત્તમ। આઠમે સ્થાને કોઈ ગ્રહ ના હોય તો શુભ કહેવાશે। પાપ ગ્રહો 3,6 અને 11મેં ભાવે હોય તો ઓછી તકલીફ થાય છે. મેષ, સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિના લગ્નમાં ખેડ કરવી શુભ નથી. વૃષભ, મિથુન, કર્ક, મકર અને મીન રાશિઓના લગ્નમાં ખેડવાથી શુભ પરિણામ મળે છે.
કઈ રાશિના લગ્નમાં ખેડવાથી શું પરિણામ મળે:
મેષ: પશુઓને નુકસાન, વૃષભ, મિથુન, કર્ક: શુભ અને આર્થિક લાભ, સિંહ: પાકને નુકસાન, કન્યા: પાકમાં વધારો,
તુલા: આર્થિક ફાયદો, વૃશ્ચિક: આગ અને ચોરીનો ભય, ધન: પાકમાં વધારો, મકર: પાકમાં વધારો અને લાભ, કુંભ: આર્થિક નુકસાન, મીન: લાભ અને પાકમાં વધારો।
વનસ્પતિના વિકાસમાં ચંદ્રનું મહત્વ:
ચંદ્રએ પૃથ્વીને પોષે છે, તેના કોમળ કિરણો અને ચાંદની દરિયામાં અને પાણીના બધા સ્ત્રોત પર સીધી અસર પેદા કરે છે. ચંદ્રને લીધે વૃક્ષો અને છોડમાં પાણી ઉપર તરફ ચઢે છે તેવું મારા ગુરુજીએ મને કહેલું। વિજ્ઞાનનો અભિપ્રાય તો કેશાકર્ષણનો છે, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ ચંદ્ર એ પોષક માતા છે. માટે ખેડવા સમયે ચંદ્રનું બળ નિરંતર વધવું જોઈએ, તે અનુસાર વધતા ચંદ્રમા એટલે કે સુદ પક્ષમાં ઉપર મુજબનો શુભ દિન લઈને ખેડવાની શરૂઆત કરવી। સુદ પક્ષમાં જેમ ચંદ્ર વધે તેમ ધરતીમાં પોષણ ક્ષમતા પણ વધે છે. વદ પક્ષમાં નિર્બળ ચંદ્રમા ખેડવું શુભ નથી.
બીજ રોપવા, પાક લણવા અને સંગ્રહ બાબતે:
બીજ રોપવા માટે ઉપર મુજબના નક્ષત્ર, તિથિ અને દિન લઇ શકાય। પાક લણવા માટે ભરણી, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુષ્ય, મઘા, ત્રણ ઉત્તર, હસ્ત, વિશાખા, શ્રવણ, અનુરાધા શુભ અને ફળદાયી નક્ષત્ર ગણાય છે. સ્થિર કરણ અને વિષ્ટિ કરણ બની શકે તો ટાળવા, વિષ્ટિએ શનિ શાસિત કરણ છે. સંધ્યા સમયે પાક લણવાનું શરુ ન કરવું જોઈએ। ચોથે ગુરુ હોય ત્યારે પાક લણવાનું શરુ કરીને શુભ શરૂઆત કરી શકાય। સ્થિર રાશિઓ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભના લગ્નમાં પાકનો સંગ્રહ કરવો। ધાન કે લણેલાં પાકને ચર રાશિઓના લગ્નમાં ભરવું ન જોઈએ। તેમનો સંગ્રહ ચર રાશિઓના લગ્નમાં કરવાથી નુકસાન થવાનો ભય રહે છે. સ્થિર રાશિઓના લગ્નમાં પાકનો સંગ્રહ કરવાથી, પાકની સુરક્ષા જળવાઈ રહે છે.