રહેણાંકની જમીન અને વાસ્તુ બેયની ઊર્જા બગડતી હોય તો?

“હાય હાય. કેવા લડે છે? સવાર પડે અને બંને શરુ થઇ જાય છે. કેવી બૂમો પાડે છે? લોકીતાબેનનો ઈશારો તેના ઘરની બીજી દિશામાં આવેલા સરકારી આવાસ તરફ હતો. પણ હકીકતમાં અવાજો પાછળથી નહીં પણ પોતાની જ સોસાયટીમાંથી આવતા હતાં. સવા કરોડના મકાનોમાંથી આવા અવાજો? કોઈને પણ વિચાર આવે. પણ આ વાત નવી ન હતી. બંને આવાસો વચ્ચે એક રસ્તો જ હતો. જીવનશૈલી ઘણી જુદી હતી પણ સમસ્યાઓ સરખી જ. અન્ય માટેનો ભારોભાર અવિશ્વાસ, અપારદર્શક વહીવટ, અભદ્ર વ્યવહાર, ઈર્ષા, ગંદકી, અને સ્વાર્થ. શું સાચે જ ભૌતિકતા સાથે માણસ મોટો બની શકે છે? જવાબ પ્રશ્નાર્થમાં રહી જાય છે.

જો જમીન નકારાત્મક હોય અને એક જ સરખી ઊર્જાવાળી બે બાજુબાજુની જમીન પર બાંધકામ થયું હોય તો તેમાં ઘણીબધી સમાનતા જોવા મળી શકે છે. જો એક બાજુ નાનાનાના ઓછા માળના મકાનો હોય તો બીજી બાજુ મોટામોટા ઊંચા મકાનો હોઈ શકે છે. જો એક બાજુ પુરુષો વ્યસની હોય તો બીજી બાજુ લાઈફ સ્ટાઇલના ભાગ રૂપે તે લેવાતું હોય. જો એક બાજુ વફાદારી ન હોય તો બીજી બાજુ તે પૌરુષત્વની નિશાની ગણવામાં આવતી હોય. જો એક બાજુ કંકાસ હોય તો બીજી બાજુ તેને બૌદ્ધિક ચર્ચાઓ ગણવામાં આવતી હોય. એકબાજુ જેને છેતરપિંડી કહેવામાં આવતી હોય તો બીજી બાજુ તેને બિઝનેસ સ્ટ્રેટેજી ગણવામાં આવતી હોય. દૂષણો એના એ જ હોય માત્ર નામ રૂપાળાં હોય. જો નારી બીભત્સ હોય તો બીજી બાજુ તેને બોલ્ડ ગણાતી હોય. એક બાજુ ઓછપમાં ઓછા કપડાં પહેરાતા હોય તો બીજી બાજુ ફેશનમાં. આવી જ રીતે પંચાતને ગોસીપ અને ચંચૂપાતને કાઉન્સિલિંગ પણ કહી શકાય.

હવે પેલા લડવાવાળા બંને દિશાના પાત્રો પર નજર કરીએ. સરકારી આવાસના એ દંપતિની સમસ્યા એ હતી કે પત્ની દસ ઘરના કામ કરતી, ઘરકામ કરતી, બાળકોને સંભાળતી. પતિ મજૂરીએ જતો. જવાનો સમય નક્કી, આવવાનો નહીં. દેવું હતું. સતત ભય રહેતો. ક્યારેક દારૂ પીને આવતો અને બૂમો પાડતો. પત્ની પણ થાકી હોય તેથી તે સામે જવાબો આપતી. બંને અપશબ્દોની રમઝટ બોલાવતાં. આસપાસવાળા તમાશો જોયા કરતાં. બધાંને પોતપોતાની સમસ્યાઓ રહેતી. આમનું દ્વાર અગ્નિનું નકારાત્મક દ્વાર હતું અને પશ્ચિમનો દોષ હતો. સોસાયટીનું દ્વાર પણ અગ્નિના નકારાત્મક પદમાં હતું. અહી અગ્નિ તરફના મકાનમાં તેઓ રહેતાં હતાં. નૈરુત્યમાં બેઠકરૂમ હતો અને બંને મુખ્ય અક્ષ નકારાત્મક હતાં. સોસાયટીમાં ઉત્તરમાં વજન આવતું હતું. સોસાયટીમાં પશ્ચિમ સિવાયની ત્રણેય દિશાઓમાંથી રસ્તા જતાં હતાં. પશ્ચિમમાં ખુલી જગ્યા હતી. તેથી જ આ સોસાયટીમાં મોટાભાગની સ્ત્રીઓ ઘરની આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થતી હતી અને પુરુષો કરતાં વધારે પ્રબળ પણ ગણી શકાય.

હવે અન્ય દિશામાં આવેલા યુગલનો વિચાર કરીએ. પતિ દુકાને જતો. પોતાનું કામ એટલે જવાનો સમય નક્કી પણ આવવાનો સમય નક્કી નહીં. પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરતી. ઘર, બાળકો અને નોકરી બધાંની જવાબદારીથી થાકતી પણ ખરી. ધંધાર્થે પતિ કયારેક વ્યસન કરતો. ક્યારેક વધારે થઇ જાય તો ઘેર ધમાલ થઇ જતી. મોંઢામાંથી અપશબ્દો નીકળી જતાં. પત્ની પણ મોર્ડન હતી. તે સામે જવાબ આપી દેતી. અંગ્રેજી ભણેલી પત્ની અંગ્રેજી અપશબ્દો બોલતી જે સાંભળવામાં પેલા બાજુની સોસાયટી જેવા બીભત્સ થોડા જ લાગે? તેવું લોકો માની લેતાં હતાં. ક્યારેક પત્ની પાર્ટીમાં પીને આવે તો માત્ર દિશા બદલાઈ જતી.

અહી ઘરનું દ્વાર અગ્નિનું નકારાત્મક દ્વાર હતું. લોન અને દસ્તાવેજના ફાયદા માટે બંનેના નામે ઘર હતું. લોનના હપ્તાનું પણ ટેન્શન રહેતું. અહી કોઈને એકબીજાની પડી ન હતી. તેથી આસપાસવાળા આ બધું નજર અંદાઝ કરતાં. વળી ઘેર ઘેર માટીના ચૂલા કહેવત તો ખબર જ છે ને? અહીં પણ સોસાયટીનું મુખ્ય દ્વાર અગ્નિના નકારાત્મક પદમાં હતું. પશ્ચિમ સિવાયની બધી જ દિશાઓમાંથી રોડ જતાં હતાં. ઉત્તરમાં વજન હતું. ઘરમાં પશ્ચિમનો દોષ હતો. પશ્ચિમમાં તળાવ હતું. સોસાયટીના અગ્નિમાં તેમનું ઘર હતું. ઘરમાં અગ્નિના નકારાત્મક પદનું દ્વાર તો હતું જ. પણ દક્ષિણ અને ઉત્તરને જોડતો અક્ષ નકારાત્મક હતો. નૈરુત્યમાં બેઠક રૂમ હતો. છે ને અદભૂત વાત?

શું માત્ર મકાનની કીમત સુખની વ્યાખ્યા નક્કી કરે છે? જમીનની નકારાત્મકતા અને વાસ્તુની નકારાત્મકતા સરખી હોય તો તેના પરિણામો સમાન હોઈ શકે છે. બહારથી સુંદર લાગતા મકાનો ક્યારેક અંદરથી બિહામણા હોઈ શકે છે. અને જો હકારાત્મક ઊર્જા હોય તો નાના મકાનોમાં પણ ઘરની સાચી વ્યાખ્યા મળી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]