જન્મકુંડળીમાં છઠ્ઠું સ્થાન ખાડાનું સ્થાન કહેવાય છે, આ સ્થાન અશુભ સ્થાન છે. તેનો માલિક ગ્રહ પણ શત્રુ ગ્રહની જેમ વર્તે છે. છઠ્ઠાં ભાવે બેઠેલ ગ્રહ કાયમ અશુભ ફળ જ આપે તેવું બનતું નથી પણ આ ગ્રહ કઈ રીતે વર્તે તે ઘણો અટપટો વિષય ચોક્કસ છે. છઠ્ઠાં ભાવે બેઠેલ ગ્રહનો ઉપાય કરવો જરૂરી છે. છઠું, આઠમું અને બારમું સ્થાન ત્રણેય અશુભ ગણ્યાં છે, માટે આ ત્રણેય સ્થાનોમાં બેઠેલ ગ્રહોનો ઉપાય જાતકને તત્કાળ મદદરૂપ થાય છે.
સૂર્ય:છઠા ભાવે બેઠેલ ગ્રહ જો સૂર્ય હોય તો અગર તે કેન્દ્રનો માલિક હશે તો અશુભ ફળ આપી શકે, અશુભ સ્થાનોના માલિક તરીકે જો છઠા ભાવે બેસેતો આવક આપી શકે પણ સાથે શારીરિક વ્યાધિ આપશે.છઠા ભાવે બેઠેલ ગ્રહ જો સૂર્ય હોય તો મામા પક્ષે સારા સંબંધ જળવાતા નથી, જો કોઈ સરકારી કેસ આવે તો તેમાં માનહાનિ અને આર્થિક નુકસાની મળે છે. ઉપાય માટે ચાંદીની ડબ્બીમાં દરિયાનું પાણી ઘરના કબાટમાં મૂકી રાખવું.
ચંદ્ર: છઠા ભાવે બેઠેલ ગ્રહ જો ચંદ્ર હોય તો માતાનું સુખ અલ્પ જાણવું, જીવનભર મુસાફરી કરતા રહેવું પડે છે. છઠો ચંદ્ર જીવનનુંચોવીસમું વર્ષ દુઃખદાયી બનાવે છે. પગના ભાગે તકલીફ અને પાણીજન્ય રોગ થાય છે. ઉપાય માટે સ્મશાન કે હોસ્પિટલમાંલોકો માટે પાણીની વ્યવસ્થા કરાવવી. ચોખા, દૂધ અને ચાંદીનું દાન ક્યારેય ના કરવું. ઘર પાસે જો ખુલ્લું મેદાન હોય તો સસલું પાળીને ચંદ્રને અનુકુળ બનાવી શકાય છે.કેતુ: છઠે કેતુ જો એકલો બેઠેલ હશે તો ફળ સાધારણ સારું હોય છે. અહી કેતુ અલ્પ શત્રુઓ આપે છે, જે એક વરદાનરૂપ કહી શકાય.જાતકને નોકરીમાં એકલતા અને નીરસતા મળે છે.આ સ્થિતિમાં જાતકને વિદેશ પ્રવાસ કે વિદેશ રહેવું ફળતું નથી.છઠે કેતુ જાતકને નહિ પણ તેના સંતાન પર કષ્ટદાયી સાબિત થાય છે. સંતાનપ્રાપ્તિ બાદ, જો સંતાનની તબિયત સારી ના રહેતી હોય તો શ્વાન પાળવું તમને મદદરૂપ થઇ શકે. હાથમાં સોનું પહેરવું.
રાહુ: છઠે રાહુવળી વ્યક્તિ શુરવીર અને બુદ્ધિમાન હોય છે. તેના જન્મસમયે માતા અને મામા પક્ષે કષ્ટ હોય છે. છઠે રાહુ માણસને કાર્યદક્ષ બનાવે છે, તેનો બૌદ્ધિક વિકાસ ખુબ ઝડપથી થાય છે. ખરાબ સંગત તેનું ભાગ્યબગાડે છે, માટે મિત્રોની પસંદ મહત્વની બની રહે છે. ઘરમાં સરસ્વતીજીની પ્રતિમા કે છબી તેનું નસીબ વેગવંતુ કરી શકે છે.
મંગળ:છઠે મંગળ જો એકલો હશે તો ફાયદાકારક છે, આ પ્રકારે ગ્રહસ્થિતિમાં જાતકનેશત્રુઓ પર વિજય મળે છે. રાજનીતિ અને કાયદાક્ષેત્રે આ મંગળ અનેકગણો લાભ આપી શકે છે. પરંતુ તેની નકારાત્મક બાજુ જોઈએ તો લગ્નજીવનમાં વિખવાદ થાય તો તેનું પરિણામ આ મંગળને લીધે ઘણું અશુભ આવી શકે છે. ચંદ્રની વસ્તુઓનું દાન આ મંગળની તકલીફો દુર કરી શકે.
બુધ: બુધગ્રહ જો છઠે હોય તો અનેકગણો લાભ અને વ્યવસાયમાં પ્રગતિ આપે છે. આગ્રહસ્થિતિમાં જાતક પાસે ઘણું ધન આવે છે. જીવન દરમ્યાન ૩૪મુ વર્ષ તકલીફ આપે છે. છઠે બુધગ્રહ હોય તો જાતકને ઉત્તર દિશા ફળતી નથી અને ચંદ્રની ચીજો નુકસાન આપે છે. ઉત્તર સિવાયની દિશાવાળા મકાનો આ જાતકનેફળે છે. ઘરમાં ફૂલછોડ વાવવાથી લાભ થાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં ફૂલનો ઉપયોગ મુસિબત ટાળે છે.ગુરુ: છઠાભાવે રહેલો ગુરુ જાતકને જીવનની શરૂઆતમાં જ પારિવારિક તકલીફોથી ત્રસ્ત કરી દે છે. છઠે રહેલા ગુરુનો ઉપાય ખુબ જરૂરી છે. નોકરી ધંધો મધ્યમ મળે છે, પરંતુ નોકરીમાં ભાગ્યેજ પ્રગતિ થાય છે. આ સ્થિતિમાં ગુરુના ઉપાય તરીકે પીપળાના વૃક્ષ પાસે દીવો કરવો, પીપળાની પ્રદક્ષિણા કરવી મદદરૂપ સાબિત થઇ શકે. જાતકને જીવન દરમ્યાન ૧૬મુ વર્ષ કષ્ટદાયી રહે છે. રોગ,અકસ્માત કે પિતા પક્ષે કષ્ટ આવે છે.
શુક્ર:શુક્ર છઠે એકથી વધુ ગ્રહો સાથે હશે તો ખુબ ધન આપી શકે. વધુ તકલીફદાયી નહિ કહેવાય. પરંતુ એકલો શુક્ર છઠે સ્ત્રી સુખમાં અલ્પતા લાવી દે છે, માટે તેનો ઉપાય જરૂરી રહે છે. આ ગ્રહસ્થિતિમાં જાતકની વાણીની કોઈ કિમત રહેતી નથી. તેને પોતાની વાત મનાવવા માટે લોકોને વારંવાર આજીજી કરવી પડે છે. વિવાહ જલ્દી કરી લેવા હિતાવહ રહેશે. આ શુક્રનો કોઈ ઉપાય જલ્દી કારગર સાબિત થતો નથી છતાં ઉપાય માટે આર્થિક પ્રગતિ માટે પોતાના ભણતર કરતા ગણતર પર આધાર રાખવો. સ્ત્રીઓને મદદરૂપ થવું.શનિ: શનિ મહારાજ જો છઠા ભાવમાં હશે તો દારૂ, માંસ અને ચામડાની વસ્તુનો ઉપયોગ તમને ઘણાં કષ્ટ આપી શકે છે. સતત કામનો બોજ અને નોકરીમાં દિશાવિહીન જીવનનો અનુભવ પણ થઇ શકે. છઠે પાપગ્રહ સારા એવું કહેવાય છે, પણ છઠે શનિ મહારાજનું ફળ તો હજુ સુધી ખરાબ જ જોયું છે. ઉપાય માટે પોતાનું પ્રતિબિંબ જોયા બાદ તેલને એક શીશામાં ભરીને પાણીમાં વહેતું કરવું. નોકરવર્ગને મદદરૂપ થવું, ગરીબ અને ઘરડાંને મદદરૂપ થવાથી શનિની આ સ્થિતિને અનુકુળ કરી શકાય છે.