ઘણીવાર જ્યોતિષીના મુખેથી શનિ, મંગળ કે રાહુની મહાદશાનું નામ સાંભળીને જાતકો તકલીફમાં મૂકાઇ જતાં હોય છે. “શનિ, મંગળ કે રાહુની મહાદશા ચાલે છે”, આ સાંભળ્યાં પછી સ્વાભાવિક રીતે ભવિષ્ય જાણવા આતુર વ્યક્તિ થોડેઘણે અંશે નિરાશ થઇ જ જાય છે. ત્યાર પછીનો તરત બીજો પ્રશ્ન હોય છે કે ક્યાં સુધી શનિ, મંગળ કે રાહુની મહાદશા ચાલશે? તો જ્યોતિષી તેનો જવાબ આપતાં કહે છે કે શનિની મહાદશા ૧૯ વર્ષ, રાહુની ૧૮ વર્ષ અને મંગળની ૭ વર્ષ મહાદશા ચાલશે. શનિ અને રાહુની મહાદશાનો એકલી મહાદશાનો સમય લગભગ જીવનનો ૧/૪ ભાગ કહી શકાય. તેમાં પણ જો શનિ અને રાહુની મહાદશા જો જીવનના મધ્યભાગે આવે તો ભવિષ્ય પૂછનાર જાતકને જ્યોતિષ બાબતે શ્રદ્ધા ઓછી થઇ જાય તેવું પણ બની શકે.
શનિની મહાદશા ૧૯ વર્ષ, રાહુની ૧૮ વર્ષ ચાલે તો શું આ સમય દરમ્યાન પ્રગતિ શક્ય જ નથી? શું આટલા લાંબા સમય સુધી ભાગ્ય સાથ નહીં આપે? સુજ્ઞ વાચકોને અમે જણાવી દઈએ કે સામાન્ય રીતે જેનો સૌથી વધુ ડર બતાવાય છે તેવા રાહુ, શનિ અને મંગળ પણ યોગકારક થઈને વ્યક્તિને જીવનમાં પોતાની મહાદશાઓમાં સફળ બનાવી શકે છે. સેંકડો એવા દ્રષ્ટાંત છે કે રાહુ, શનિ કે મંગળની મહાદશામાં જાતક ખ્યાતનામ બન્યાં હોય. રાહુ, શનિ કે મંગળ મહાદશા આવી એટલે તેનો મતલબ એ નથી કે હવે માત્ર તકલીફ જ આવશે. રાહુ, શનિ કે મંગળ મહાદશા એટલે તકલીફ એમ સમજવું એ જ્યોતિષના અધૂરા જ્ઞાનની નિશાની છે. મહાદશાનો અધિપતિ એકલો ફળ આપવા સમર્થ નથી, કોઈ ગ્રહની મહાદશામાં નવે ગ્રહની અંતરદશા અને દરેક અંતરદશામાં નવે ગ્રહની પ્રત્યંતર દશાઓ પણ આવે છે.મહાદશાના ફળનો આધાર મહાદશાના અધિપતિ ગ્રહની જન્મકુંડળીમાં “સ્થિતિ” પર અવલંબે છે. શનિ, મંગળ કે રાહુ કુદરતી પાપગ્રહો છે. પરંતુ લઘુ પરાશરીના નિયમો મુજબ જે તે ગ્રહની મહાદશાના ફળનો આધાર જે તે જન્મકુંડળીમાં તેના સ્થાન આધિપત્ય ઉપર આધાર રાખે છે. શનિ, મંગળ કે રાહુ દરેક કુંડળીમાં ખરાબ ફળ જ આપશે તેમ કહેવું વાજબી નથી. ઘણા ઉદ્યોગપતિઓ અને નોકરિયાત લોકોની જન્મકુંડળીમાં શનિની મહાદશામાં જ પ્રગતિ આવી છે. તો રાહુની મહાદશામાં સિનેમા અને રમતગમતના ક્ષેત્રોમાં અનેક વ્યક્તિઓએ નામના મેળવી છે.
મહાદશાના ફળનો આધાર જન્મકુંડળીમાં મહાદશા અધિપતિ ગ્રહની સ્થિતિ પર રહેલો છે. વૈદિક જ્યોતિષ મુજબ પોતાની રાશિમાં, ઉચ્ચ રાશિમાં, મિત્ર રાશિમાં, મિત્ર ગ્રહો સાથે કે મિત્રગ્રહો દ્વારા દ્રષ્ટ ગ્રહ જો શુભ સ્થાનોમાં એટલે કે ૬, ૮ કે ૧૨માં સ્થાન સિવાયના સ્થાનોમાં રહેલો હોય તો ગ્રહ તેની મહાદશામાં સામાન્ય રીતે શુભ ફળ આપે છે. વૃષભ, તુલા અને મકર લગ્નમાં શનિ ઉત્તમ ફળ આપે છે. વળી શનિ જો શુભ સ્થાનોમાં જો સૂર્ય અને ચંદ્રના સંબંધથી મુકત હશે તો ધીરેધીરે પણ નક્કર શુભ ફળ આપે છે. શનિની મહાદશા કર્ક અને સિંહ લગ્નના જાતકોને જ તકલીફ આપે છે તેવું અનુભવે અમે જોયું છે. બાકીના જન્મલગ્નોમાં મધ્યમ કે શુભ ફળ આપે છે.
રાહુ જે કુંડળીમાં ત્રીજે, છઠે, અગિયારમે બેઠેલ હશે તે જન્મકુંડળીને બળવાન કરે છે, આવા જાતકને રાહુની મહાદશા પ્રગતિ આપનાર નીવડે છે. રાહુ છાયાગ્રહ હોઈ તે પોતે ક્યારેય નિશ્ચિત ફળ આપતો નથી અર્થાત તેના ફળનો આધાર તેની રાશિના સ્વામી અને સ્થાન પર જ આધાર રાખે છે. રાહુ હંમેશા અશુભ જ છે તે માન્યતાનું અહી ખંડન થાય છે. શુભ ગ્રહ સાથે રાહુ શુભ તો અશુભ ગ્રહ સાથે અશુભ થાય છે. માટે રાહુની મહાદશામાં રાહુ કયા ભાવમાં છે? કઈ રાશિમાં છે? અને કયા ગ્રહની સાથે છે અથવા કયા ગ્રહ વડે દ્રષ્ટ છે? આ બધી બાબતો પર રાહુની મહાદશાનું ફળ આધાર રાખે છે. જો રાહુ ત્રીજે, છઠે, દસમે, અગિયારમે હશે તો શુભ ફળ આપે છે. વળી રાહુ કેન્દ્રમાં અને કોણના (૧,૫,૯) સ્થાનોમાં એકલો હોય તો સ્વગૃહી ફળની જેમ શુભ બની જાય છે અને તેની મહાદશામાં યોગકારક ગ્રહની જેમ ઉત્તમ ફળ આપે છે.
એકવાર એક ભણેલગણેલ વ્યક્તિ અમારી જ્યોતિષ બાબતે મુલાકાત કરવા આવેલા હતા, તેમણે કોઈ જ્યોતિષીના મોઢે સાંભળેલું કે તેમના દીકરાને મંગળની મહાદશા ચાલે છે, આ વાતથી તેઓમાં એક ડર પેસી ગયેલો. આ ડરને લીધે તેઓ એ સમયથી જ્યોતિષીની સલાહ લેતાં ડરતાં હતાં. જયારે તેમણે આ વાત મને કરી ત્યારે મેં તેમને કહ્યું કે ગ્રહની દશાનો આધાર ગ્રહ સાથે અન્ય ગ્રહોની સ્થિતિ, જન્મકુંડળીનું ઉદિત લગ્ન, અને ગ્રહ કઈ રાશિમાં અને કયા સ્થાનમાં રહેલો છે તેની પર રહેલું છે. મહાદશા અધિપતિ ગ્રહ ક્યારેય એકલો ફળ આપવા સમર્થ નથી તે અન્યગ્રહો સાથેના તેના સંબંધને અનુરૂપ જ ફળ આપે છે. વળી, નક્ષત્ર જ્યોતિષ તો ગ્રહની મહાદશાના ફળનો આધાર ગ્રહ પર નહીં પરંતુ તેના નક્ષત્ર પતિના ફળ ઉપર આધાર રાખે છે તેમ કહે છે. મારી સાથે આ ચર્ચા બાદ તેઓને વિશ્વાસ આવ્યો કે જ્યોતિષ એ ઘણાં બધા સિદ્ધાંતો અને અનુભવ પર રચાયેલું શાસ્ત્ર છે અને માત્ર એક જ મહાદશા ખરાબ હોવાથી આખી કુંડળી ખરાબ નથી થઇ જતી તેમ જાણતાં તેમની શંકાનું સમાધાન થયું. મંગળની મહાદશા મેષ, કર્ક, સિંહ, ધન અને મીન લગ્નની કુંડળીઓમાં અત્યંત શુભફળ આપે છે. તેમાં પણ મંગળ જો શુભ સ્થાનોમાં હોય તો જાણે સોનામાં સુગંધ ભળી. મંગળની મહાદશા છે તો તેથી કોઈ વહેમ રાખવાની જરૂર નથી.જ્યોતિષ એ સંભાવનાઓનું વિજ્ઞાન છે. જ્યોતિષી પોતાના સીમિત જ્ઞાન અને અનુભવ વડે ભવિષ્ય ભાખવા પ્રયત્ન કરે છે. આપણે હમેશાં ધ્યાનમાં લેવું જોઈએ કે ભવિષ્યવાણીએ અંતે ભવિષ્યવાણી હોય છે, ઘટના હજુ બની નથી. પુરાણોની કથા મુજબ ઘણીવાર દૈવયોગે દેવોને પણ વનમાં ભટકવું પડે છે તો અસુરોને પણ પૃથ્વીનું શાસન દૈવયોગે પ્રાપ્ત થાય છે. માટે જ્યોતિષીની સલાહ અચૂક લેવી પરંતુ પોતાના કર્મ અને મહેનત પર પણ એટલી જ શ્રદ્ધા રાખશો તો નિશ્ચિત રીતે સફળતા તમને મળશે; અને એક મહત્વની વાત જ્યોતિષના અભ્યાસની શરુઆત પણ કર્મના સિદ્ધાંતથી જ થાય છે, હમેશાં યાદ રાખવું કે જ્યોતિષની શરુઆતમાં જ જ્યોતિષનો સિદ્ધાંત પણ કર્મોની સત્તાને સ્વીકારે છે.
વિચારપુષ્પ: અનુભવ વગર જ્ઞાન અધુરું છે.