વડોદરામાં આવેલું આ અનોખું દાંતનું મ્યુઝિમય આપે જોયું છે?

વડોદરા: દેશ-વિદેશના અવનવા વિષયોના મ્યુઝિયમ વિશે તમે સાંભળ્યું હશે. તેમાંથી કેટલાંક ખાનગી મ્યુઝિયમ પણ હોય છે. જો કે ભારતમાં હજુ પ્રાઈવેટ મ્યુઝિયમનો ટ્રેન્ડ એટલો જોવા મળતો નથી. પરંતુ વડોદરામાં એક અનોખું મ્યૂઝિયમ આવેલું છે અને તે છે દેશનું પહેલું અને એકમાત્ર ડેન્ટલ મ્યૂઝિયમ.શહેરના દાંતના ડોક્ટર યોગેશ ચંદારાણાએ આ ખાનગી મ્યુઝિયમને પોતાના પરિવાર સાથે મળીને તૈયાર કર્યું છે. ડેન્ટલ હેલ્થ એજ્યુકેશનને સમર્પિત આ મ્યુઝિયમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એક નહીં, પરંતુ બે રેકોર્ડ સાથે સ્થાન મેળવ્યું છે. ડૉ. યોગેશ ચંદારાણા ટૂથબ્રશના સૌથી મોટા સંગ્રહનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે સમગ્ર ચંદારાણા પરિવારે આ વસ્તુઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા મેળવી છે. અગાઉ, સૌથી મોટા ટૂથબ્રશ સંગ્રહનો રેકોર્ડ એક કેનેડિયન છોકરીના નામે હતો જેની પાસે 1,678 ટૂથબ્રશ હતા. ટૂથબ્રશ ઉપરાંત, આ સંગ્રહાલય દંત ચિકિત્સા અને દંત સંભાળ સંબંધિત વિવિધ ઐતિહાસિક કલાકૃતિઓનું પ્રદર્શન પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

ડૉ. યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો ઉદ્દેશ્ય લોકોને દાંતની સાચવણી વિશે જાગૃત કરવાનો છે. સાથે જ લોકો સુધી એ સંદેશ પહોંચાડવાનો છે કે જો દાંતની તંદુરસ્તી સાચવશો તો આખા શરીરની તંદુરસ્તી સચવાશે અને ક્યારેય કોઈ વ્યક્તિએ દવાખાને જવું નહીં પડે. ઉપરાંત લોકોને દાંત આજીવન સચવાય એવી કાળજી લેવાની આદત પાડી, દાંતની મોંઘી સારવારનો ખર્ચ બચાવવાનો છે. 2016થી શરૂ થયેલા આ મ્યુઝિયમની અત્યાર સુધીમાં 40 હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. જેમાં બાળ મુલાકાતીઓની સંખ્યા વધુ છે.

મ્યુઝિયમના માલિક ડૉ. યોગેશ ચંદારાણાએ જણાવ્યું કે, “અમારા આ મ્યુઝિયમનો ખ્યાલ સંપૂર્ણપણે નવો હતો. હું બરોડા આવ્યો અને SSG હોસ્પિટલમાં નોકરી મળી. તે પછી, જ્યારે હું અમેરિકા ગયો, ત્યારે ત્યાં હાઉસ ઓન રોક્સ નામનું એક મ્યુઝિયમ મેં જોયું હતું. ત્યાં ફક્ત એક જ વ્યક્તિ હતો જેણે પોતાનું મ્યુઝિયમ બનાવ્યું હતું. તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓ હતી. તેથી મેં વિચાર્યું કે જો એક વ્યક્તિ આટલી બધી વસ્તુઓનું મ્યુઝિયમ બનાવી શકે છે, તો પછી એક ડેન્ટિસ્ટ તરીકે હું પણ ડેન્ટલ ઉત્પાદનોનું મ્યુઝિયમ કેમ ન બનાવી શકું? અને તે પણ એવી રીતે કે લોકો અહીં આવે અને તેમની દાંતની સમસ્યાઓ વિશે માહિતી લે. આ વિચાર મને 2013માં આવ્યો 2016માં, મેં તેને અમલમાં મૂક્યો.”ડૉ. ચંદારાણાએ વધુમાં કહ્યું કે, “વર્ષો પહેલાં શોખ માટે મેં દાંતને લગતી ટપાલની ટિકિટોનો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે આ શોખના કારણે મારી પાસે રહેલી ટિકિટોનું એક્ઝિબિશન કરતો હતો. જો કે થોડાંક સમય પછી મને લાગ્યું કે, લોકોનો રસ અમુક મિનિટો પછી ટિકિટોમાંથી ઓછો થઈ જાય છે. આથી મેં મારા ક્લેક્શનમાં ધીમે-ધીમે ટૂથબ્રશને સામેલ કર્યા. પછી તો એક બાદ એક દાંતો સાથે જોડાયેલી અવનવી વસ્તુઓ ક્લેક્શનમાં જોડાતી ગઈ. ત્યારબાદ મને લાગ્યું કે આ દાંતને લગતી તમામ પ્રકારની માહિતી જો એક જ સ્થળે રાખવામા આવે તો લોકોને નવી માહિતી જાણવા અને તેને નજીકથી જોવા મળે અને જન્મ થયો દેશના એકમાત્ર ડેન્યલ મ્યુઝિયમનો.ડૉ. યોગેશ ચંદારણાના આ મ્યુઝિયમમાં ઋષિ-મુનીઓના સમયની ચિકિત્સા પદ્ધત્તિથી લઈને  આધુનિક પદ્ધત્તિ અને તેની સારવારના સાધનો, અત્યાર સુધીમાં ઉપયોગમાં લેવાયેલાં વિવિધ પ્રકારના ટૂથ બ્રશ અને ભારતનું સહુ પ્રથમ દાંતનું અક્ષરે મશીન પણ આ મ્યુઝિયમમાં રાખ્યું છે. સમગ્ર દુનિયામાં દાંતની સારવાર અને તેની લગતી વિગતો પર  ટપાલ ટિકિટોના ખજાનો તો ખરો જ. આ મ્યુઝિયમમાં ટીવી પ્રોજેકટર અને એક નાની રેલના ડબ્બાઓના માધ્યમથી દાંતને લગતી વિગતો રજૂ કરવામાં આવે છે. જેના કારણે લોકો અને તેમાં પણ ખાસ કરીને નાના બાળકો દાંત વિશેની કેટલીક મહત્વની માહિતી પ્રેક્ટિકલી દાંતને લગતી તમામ બાબતોને સમજી શકે છે.

મ્યુઝિયમમાં 26 દેશોના 2,371 ટૂથબ્રશનો સંગ્રહ છે. કુલ 7,000 થી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાણીઓનાં હાડકાં અને પ્રાણીઓના વાળમાંથી બનેલા 19મી સદીના ટૂથબ્રશથી લઈને ઇલેક્ટ્રિક ટૂથ બ્રશ, સોલર ટૂથબ્રશ, ટૂથ ટ્યુન, મેગ્નેટિક ટૂથબ્રશ, નેનો કોટેડ ગોલ્ડ બ્રિસલ્સ બ્રશ, દુનિયાનું પ્રથમ ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો પણ મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. નાના બાળકોથી માંડીને દરેક ઉંમરના, દરેક પ્રોફેશનને ગમે તેવા ટૂથબ્રશનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી લઈ આધુનિક ટેકનોલોજીના યુગ સુધીના ટૂથબ્રશ મ્યુઝિયમમાં મૂક્યા છે. આ મ્યુઝિયમમાં વિવિધ પ્રકારના ટૂથ પેસ્ટ, ટૂથ પાઉડર, કરન્સી, કોઇન્સ, દાંતને લગતી ટપાલ ટિકિટો, મેચ બોક્સ લેબલ, ટેલિફોન કોલિંગ કાર્ડસ, જૂના જમાનાના ટ્રેડ કાર્ડનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. પેઇન્ટિંગ્સ, જૂની જાહેરાતો, દુનિયાની જાત-જાતની ડેન્ટલ ફિગરાઇન્સ, ડેન્ટલ કાર્ટૂન, મિલિટ્રી એરફોર્સના ચેલેન્જ કોઇન્સનો પણ સંગ્રહ કર્યો છે. જુદા-જુદા પ્રાચીન સમયના દાંતના સાધનો, પ્રાચીન સમયથી અત્યાર સુધીના દાંતની ખુરશીઓના મોડલ્સ, દાંતની બીમારીને લગતા મોડલ્સ પણ મૂક્યા છે. દાંતને લગતો મ્યુઝિયમનો આ ખજાનો ‘ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ’ હોવાનું માનવામાં આવે છે.મ્યુઝિયમમાં બ્રશિંગ ટેકનોલોજી પર એઆર આધારિત એપ્લિકેશન પણ છે. આ ભારતની પ્રથમ AR આધારિત એપ્લિકેશન છે જે લોકોને ઇન્ટરેક્ટિવ રીતે બ્રશ કરવાનું શીખવે છે. આ 15 મિનિટના AR આધારિત શોમાં 13 પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે. શોની મદદથી મુલાકાતીઓ પ્રાણીઓના દાંત વિશે માહિતી મેળવી શકે છે, અને તે પણ જાણી શકે છે કે તેઓ કેવી રીતે તેમના દાંત સાફ કરે છે. અંતમાં બ્રશ કરવાની સાચી ટેકનિક બતાવવામાં આવી છે, જે લોકોને સંદેશ આપે છે કે, જેમ પ્રાણીઓ તેમના દાંત સાફ કરે છે, તેમ આપણે પણ દરરોજ દાંત સાફ કરીને સ્વસ્થ રહેવું જોઈએ. એક શોમાં એક સમયે 150 લોકો બેસી શકે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)