ગાંધીનગર: એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્ય સેવામાં આ બે ખેલાડીઓને નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા પ્રજ્ઞાચક્ષુ યુવાન દર્પણ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-1 તરીકે તથા મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.