કાન્સ, ફ્રાન્સ: ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી અમૂલના મેનેજિંગ ડિરિક્ટર ડૉ. જયેન મહેતાએ ૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું. શ્યામ બેનેગલની ૧૯૭૬માં બનેલી ફિલ્મ “મંથન”નું કાન્સ ક્લાસિક્લ ફિલ્મ ૨૦૨૪માં વર્લ્ડ પ્રિમિયર યોજાયું હતું.જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મંથન’માં સ્વર્ગસ્થ ગિરીશ કર્નાડ, દિવંગત પ્રતિષ્ઠિત અભિનેત્રી સ્મિતા પાટીલ અને નસીરૂદ્દીન શાહ સહિતના શ્રેષ્ઠ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શ્વેતક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા પ્રેરિત અદ્ભૂત સહકારી ડેરી ચળવળની શરૂઆતને દર્શાવવામાં આવી છે. જેના થકી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં પરિવર્તિત થયો.“મંથન” ફિલ્મ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ડેરી ખેડૂતોના ક્રાઉડ ફંડથી નિર્મિત વિશ્વની પ્રથમ ફિલ્મ છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ બે રૂપિયાનું યોગદાન આપ્યું હતું. વિશ્વની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા GCMMF કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે આ ફિલ્મને ફરી એકવાર લોકોની વચ્ચે લાવવામાં આવી છે. આ ફિલ્મને ૧લી જૂન ૨૦૨૪ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સમગ્ર ભારતના સિનેમા ઘરોમાં રિલીઝ કરાશે.
રેડ કાર્પેટ પર અમૂલના એમ.ડી. ડૉ. જયેન મહેતા સાથે મંથન ફિલ્મના કલાકારો નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલના પુત્ર પ્રતિક બબ્બર, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન અને સ્મિતા પાટીલની બહેનો ડૉ અનીતા પાટીલ દેશમુખ અને માન્યા પાટીલ સેઠ હાજર રહ્યા હતા.