અમદાવાદ: AMA(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન)ના જાપાન કેન્દ્રોએ ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરીને વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરેલ છે. જાપાન અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને પોષવા માટે AMA ખાતે પાંચ સમર્પિત પ્રવૃત્તિ કેન્દ્રો છે. જેમાં જાપાનીઝ ભાષા કેન્દ્ર, જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર, જાપાનીઝ ઝેન ગાર્ડન, KHS કાયઝેન એકેડેમી અને જાપાન કલ્ચરલ સેન્ટરનો સમાવેશ થાય છે.
AMAના પાંચ જાપાન સેન્ટરોની સફળતાથી પ્રેરિત, જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સના પ્રમોશન માટે, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન સાથે ભાગીદારીમાં AMA તેના છઠ્ઠા કેન્દ્ર ‘સુઝુકી-AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ના ઉદ્ઘાટન માટે ગર્વની લાગણી અનુભવે છે!‘સુઝુકી-AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ના આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે, શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના ગવર્નર યાસુતોમો સુઝુકી, ઔદ્યોગિક વિકાસ માટે શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી ડેલિગેશનના વડા મોરિયો સુગિયામા; હામામાત્સુ સિટીના મેયર યુસુકે નાકાનો; તોશીહિરો સુઝુકી, ડિરેક્ટર અને પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન; હિદેકી ડોમિચી, ભારતમાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત, ડિરેક્ટર, સુઝુકી મોટર કોર્પોરેશનના નેતૃત્વમાં શિઝુઓકા પ્રીફેક્ચરલ અને હમામાત્સુ સિટીના ૭૬ સભ્યોના જાપાની ગુડવિલ ડેલિગેશને ગુજરાતની મુલાકાત કરી હતી. આ ગુડવિલ ડેલીગેશનમાં શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટના ૧૬ પ્રતિનિધિઓ; ૧૨ શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી સભ્યો; હામામાત્સુ સિટીના ૧૫ અધિકારીઓ; વ્યાપાર અને ઉદ્યોગના ૨૮ પ્રતિનિધિઓ; સુઝુકી મોટર કોર્પોરેશનના ૧૨ બિઝનેસ લીડર્સ અને જાપાની મીડિયા અને પ્રેસના પાંચ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે, AMAના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને અમદાવાદ, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલે મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો. ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર, અમદાવાદ અને હમામાત્સુ શહેર વચ્ચેના જોડાણનો પણ તેમણે પરિચય કરાવ્યો હતો. ગુજરાત અને શિઝુઓકા પાર્ટનરશીપ દિવસના ઐતિહાસિક પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં AMA અને સુઝુકી મોટર કોર્પોરેશન વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.AMAના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “મયુર આર. શાહ (ચેરમેન, પ્રાર્થના કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ)ના યોગદાનથી ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૨ના રોજ પ્રથમ પ્રવૃત્તિ કેન્દ્ર ‘પ્રાર્થના-AMA સેન્ટર ફોર કરિયર કાઉન્સેલિંગ એન્ડ વોકેશનલ ગાઇડન્સ’ની સ્થાપના કરવામાં આવી હતી. આટલા વર્ષોમાં, કોર્પોરેટ, સંસ્થાઓ અને વ્યક્તિઓના પરોપકારી સમર્થન અને યોગદાન સાથે AMA દ્રારા ૫૯ વિવિધ પ્રવૃત્તિ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. અમને ખૂબ આનંદ થાય છે કે સુઝુકી મોટર કોર્પોરેશન (જાપાન) સાથે ભાગીદારીમાં, AMA જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સને પ્રોત્સાહન આપવા માટે ‘સુઝુકી- AMA સેન્ટર ફોર જાપાનીઝ મેનેજમેન્ટ’ શરૂ કરી રહ્યા છીએ!”
ભારતમાં જાપાનના માનદ કોન્સલ અને આઈ.જે.એફ.એ. ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું હતું કે જાપાનીઝ ભાષા કેન્દ્ર, જાપાનીઝ સાંસ્કૃતિક કેન્દ્ર, જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર, ઝેન ગાર્ડન અને કાયઝેન એકેડેમીની જેમ છઠ્ઠું જાપાનીઝ મેનેજમેન્ટ સેન્ટર બનશે તે ખૂબ જ આનંદની વાત છે. તેમણે ઉલ્લેખ કર્યો કે AMA અને આઈ.જે.એફ.એ. ગુજરાત માટે ખૂબ જ સંતોષની વાત છે કે તેમણે છેલ્લા સાત વર્ષ દરમિયાન બે સિસ્ટર સ્ટેટ્સ રિલેશનશિપ એટલે કે હ્યોગો-ગુજરાત અને શિઝુઓકા-ગુજરાત: અને બે સિસ્ટર સિટી રિલેશનશિપ એટલે કે કોબે-અમદાવાદ અને હમામાત્સુ-અમદાવાદને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશન આવ્યું છે કે જ્યાં સુઝુકી મોટરની શરુઆત થઇ હતી અને ઔઘોગિક ઈતિહાસમાં હામામાત્સુ શહેર એક આગવી ઓળખ ધરાવે છે. સુઝુકી મોટર (જાપાન), મારુતિ સુઝુકી (ભારત), સુઝુકી મોટર ગુજરાત બિઝનેસ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ છે. તોશીહિરો સુઝુકી (ડિરેક્ટર અને પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન) આ નવા કેન્દ્રના વિઝન પર સંબોધન કર્યું હતું અને રાજદૂત હિદેકી ડોમિચી (ભારતમાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત, સુઝુકી મોટર કોર્પોરેશનના ડિરેક્ટર); તાકાશી આરિયોશી (ભારતમાં જાપાનના દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન); હિરોયુકી કિશિદા (ચેરમેન, ધ શિઝુઓકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી); કાઓરુ સાઈતો (પ્રમુખ, હમામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)એ ભારત અને જાપાન વચ્ચેના દ્રિપક્ષીય સંબંધો અને સ્થાયી મિત્રતા પર સંબોધન કર્યું હતું.
હમામાત્સુ શહેરના માનનીય મેયર યુસુકે નાકાનોએ અમદાવાદ સાથે સિસ્ટર સિટી સંબંધો પર સંબોધન કર્યું; ઔદ્યોગિક વિકાસ પર શિઝુઓકા પ્રીફેક્ચરલ એસેમ્બલી ડેલિગેશનના વડા મોરિયો સુગિયામાએ ઔદ્યોગિક વિકાસ અને દ્વિપક્ષીય વેપાર પર સંબોધન કર્યું. શિઝુઓકા પ્રીફેક્ચરલ સરકારના માનનીય ગવર્નર યાસુતોમો સુઝુકીએ ગુજરાત સાથે સિસ્ટર સ્ટેટ સંબંધો પર સંબોધન કર્યું. યતીન્દ્ર શર્મા (ચેરમેન, ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલ)એ સમાપન સંબોધન કર્યું હતું કરી અને પ્રતિનિધિમંડળનો આભાર માન્યો.