ધારા પટેલે રશિયામાં આર્ટ ઈન્સ્ટોલેશન દ્વારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ખુબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય અને કોઈપણ સામાન્ય વ્યક્તિને ત્યારે રશિયા જવાનું થાયતો મનમાં સૌપ્રથમ વિચાર એ જ આવે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ત્યાં જવું કેટલું સુરક્ષિત છે? પરંતુ ધારા પટેલ માટે આ પ્રશ્ન અને પરિવારની ચિંતા કરતા પણ વધુ મહત્વની વાત એ હતી કે Once in a lifetime opportunity તેમની સામે આવી હતી. અમદાવાદના ધારા પટેલની રશિયાના ઉલ્યાનોસ્ક ખાતે યોજાયેલ ચોથા બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ હતી. આથી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તેઓ પહોંચી ગયા હતા રશિયા.
રશિયામાં ધારાના અનુભવની અને તેમણે કેમ્પમાં કરેલાં કામ વિશેની વાત કરીએ તે પહેલાં થોડોક અંગત પરિચય મેળવી લઈએ. ધારા અમદાવાદના મણિનગર વિસ્તારના રહેવાસી છે. તેમણે અમદાવાદમાંથી જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. પિતા વ્યાવસાયે યોગ ટ્રેનર છે, જ્યારે માતા ગૃહિણી. ચિત્રલેખા.કોમએ ધારાને પૂછ્યું કે, તો પછી કલા અને આર્ટનો વારસો તેમનામાં કેવી રીતે ઉતર્યો? ધારાનું કહેવું છે, “માતા ગૃહિણી ખરા, પરંતુ તેમનામાં આર્ટની ખુબ જ સારી સમજ છે. બત્રીસ ટાંકા અને એમ્બ્રોડરી જેવાં આર્ટ વર્ક તેઓ ખુબ જ સરસ રીતે કરે. નાનપણથી તેમને વિવિધ જાતના ભરત-ગૂંથણ કરતા જોયા છે. શાળામાં હતી ત્યારથી જ ડ્રોઈંગનો ખુબ જ શોખ. કોઈપણ પ્રકારની તાલીમ લીધા વગર કે ક્લાસિસ કર્યા વગર બધાં પ્રકારના ચિત્રો જાતે જ શીખીને તૈયાર કર્યા. માતા-પિતાએ મારા ટેલેન્ટને પારખીને આર્ટની દિશામાં જ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું.”
ધારાએ અમદાવાદની સી.એન.ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો અને વર્ષ 2019માં ફાઈનલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યા હતા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ધારાએ ફેકલ્ટી તરીકે નોકરી પણ કરી. 2021માં તેમણે પોતાનું આર્ટ હાઉસ ઓપન કર્યું છે. જ્યાં તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ માટે ગ્રાફિક્સ બનાવવાનું અને સાથે જ ઇન્ટિરિયર ડેકોરેશન માટે પેઈન્ટિંગસ તેમજ આર્ટ પીસ તૈયાર કરે છે. ધારાના અનુભવ તેમજ કામને જોઈને તેમની પસંદગી બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે થઈ હતી. આ કેમ્પમાં ધારાએ બીજા દેશના આર્ટિસ્ટ સાથે મળીને ઉલ્યાનોસ્કના પથ્થરો, નદી તથા લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ પરથી પ્રેરણા લઈને ખાસ આર્ટ ઈન્સ્ટોલેશન તૈયાર કર્યું હતું. આ યુથ કેમ્પમાં 10 દેશના 25 યુવાનોએ ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી.
કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા ધારા પટેલ અને ભોપાલની અન્ય એક યુવતીનું સમગ્ર દેશમાંથી રશિયાના બ્રિક્સ ઈન્ટરનેશનલ યુથ કેમ્પ માટે પસંદગી થઈ હતી. જેને એક ગૌરવની ક્ષણ ગણાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારા રશિયા જાય તે પહેલાં તેમને એક અભિનંદન પત્ર પણ મોકલાવ્યો હતો. ભારત ઉપરાંત બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજિપ્ત, યુ.એ.ઈ., ઈથોપિયામાંથી પણ યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. રશિયામાં કાર્યક્રમની થીમ અનુસાર યુવાનોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. ઉલ્યાનોસ્ક પ્રદેશને સમજીને તેને રજૂ કરતું આર્ટ ઈન્સ્ટોલેશન બનાવવાનું ટાસ્ક આ અલગ-અલગ જૂથોને આપવામાં આવ્યું હતું.
ધારા અને તેમની ટીમે ત્રણ દિવસ દરમિયાન વિવિધ વર્કશોપ, સેમિનારમાં ભાગ લઈ તેમજ ઉલ્યાનોસ્કના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ પોતાના આર્ટ માટે પ્રેરણા લીધી હતી. એમોનિટ નામના લુપ્ત થઈ ગયેલા પ્રાણી, ત્યાંની નદી, પથ્થરોના રંગો વગેરે પ્રાકૃતિક વસ્તુઓ પરથી પ્રેરણા લઈને લાકડાં, મિરર શીટ્સ, રંગો અને દોરી જેવા મટિરિયલ્સમાંથી ‘રિવાઈવિંગ ધ પાસ્ટ’ નામનું ઈન્સ્ટોલેશન ધારા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
ધારાના કામને જોઈને તેમને મળેલી તકના કારણે હાલ તો ચોતરફથી તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. આ સફળતાને તેઓ પરિવાર સાથે મળીને સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારબાદ નજીકના ભવિષ્યમાં તેમની પાસે સારા પ્રોજેક્ટ્સ પણ છે તેના પર કામ કરવા માટે પણ ધારા એટલાં જ ઉત્સાહિત છે.