વિસરાતી હેરિટેજ આર્ટને નવી પેઢી સુધી પહોંચાડે છે આ બહેન!
અમદાવાદ: કલા એટલે શું? આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ કે ચોક્કસ વ્યાખ્યા ન મળે. પરંતુ સર્જકની અનુભૂતિ ભાવક સુધી જે માધ્યમ દ્વારા પહોંચે તેનું નામ કળા. સાચો કલાકાર એકદમ સરળ અને સહજ રીતે પોતાની કલાનું સર્જન કરે છે. પરંતુ એ સર્જનકલાને આપણે જ્યારે ચોક્કસ શબ્દોમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. આ કળા કોઈપણ સ્વરૂપે હોય શકે છે. પછી તે સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય કે ચિત્ર. આવા જ એક ઉત્તમ કોટીના કલાકાર અને સર્જક અમદાવાદ નિવાસી ક્રિનલબેન શાહની આજે વાત કરીએ. હાલમાં જ ક્રિનલબેનના સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ખાતે લિપણ આર્ટનો વર્કશોપ યોજાયો. જેમાં લગભગ 20 જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા. લિપણ આર્ટ એ ગુજરાતની પરંપરાગત હસ્તકલા છે. આ કલા આંતરિક દિવાલો સુધી મર્યાદિત નથી તે બાહ્ય દિવાલો પર પણ કરવામાં આવે છે. લિપણ આર્ટમાં માસ્ટરી ધરાવતા ક્રિનલબેન આ હેરિટેજ કલાને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. સાસણ ગીરમાં આવેલા લગભગ ત્રણેક રિસોર્ટને તેમણે મડ-મિરર આર્ટથી તૈયાર કર્યા છે. આ ઉપરાંત પ્રોફેશનલ રીતે પણ તેઓ કામ કરતાં હોય છે. જેમાં વૉલ પેઈન્ટિંગ માટે પણ તેમને ઓડર્સ મળે છે. તેઓ ઓર્ડરથી સોનના વરખથી સજ્જ પેઈન્ટિંગસ પણ તૈયાર કરે છે. હાલમાં જ ડિસેમ્બર-2023માં તેમણે રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં પોતાનું એક્ઝિબિશન યોજ્યું હતું. જેમાં 28માંથી 14 ફ્રેમનું વેચાણ થયું હતું. જે એક આર્ટિસ્ટ માટે ખુબ જ ગર્વની વાત છે. ક્રિનલબેન કેન્વાસ પેઇન્ટિંગ, બેઝિક આર્ટ, પોઇટ્રેટ આર્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, મોર્ડન આર્ટ શીખવે છે. તેમનાં ક્લાસમાં ચાર વર્ષથી લઈને સીત્તેર વર્ષ સુધીના વિદ્યાર્થીઓ છે.
ક્રિનલબેન છેલ્લાં 25 વર્ષથી આર્ટ શિક્ષક તરીકે કામ કરે છે. તેઓ કળાને પોતાના સુધી સીમિત રાખવાના બદલે તેને લોકો સુધી પહોંચાડવામાં વધારે વિશ્વાસ રાખે છે. આથી જ તેમણે પોતાનો ફાઈન આર્ટ્સનો અભ્યાસ પૂરો કર્યો કે તરત જ તેમણે પેઈન્ટિંગના ક્લાસ શરૂ કરી દીધા. અમદાવાદના સ્ટેડિયમ વિસ્તારમાં ક્રિનલબેનનું પિતૃક ઘર આવેલું છે. પિતાને કલા પ્રત્યે અનહદ પ્રેમ હતો. કોઈપણ પ્રકારની તાલીમ વગર ક્રિનલબેનના પિતા કુમારભાઈ શાહ ખુબ જ ઉમદા પેઈન્ટિંગ બનાવતા. પિતાનો આ વારસો ક્રિનલબેનને મળ્યો છે. પિતાએ દીકરીને પોતાના શોખના વિષયમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. આથી તેમણે 1997માં માંડવી ફાઈન આર્ટ્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ IITC અમદાવાદથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ કાલની ઘડી અને આજનો દિવસ, ક્રિનલબેન ઝપીને બેઠા નથી. તેમણે હજારો બાળકોને આર્ટની દુનિયામાં ડોકિયું કરાવ્યું છે. લગ્ન બાદ 2005થી સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોતાના ઘરેથી તેઓ કામ કરે છે. છેલ્લાં 25 કરતાં વધારે વર્ષોથી તેઓ આર્ટ વર્કશોપ કરાવે છે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજીસમાં પણ વર્કશોપ કરાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે એક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે. પરંતુ આજના સમયમાં દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરૂષ રહેલો છે. પોતાના પુરૂષાર્થની સાથે પરિવારનો સાથ-સહકાર મળે તે પણ એટલું જ જરૂરી છે. ક્રિનલબેનનું કહેવું છે કે લગ્ન પછી તેઓ પોતાના પેશનને ફૉલો કરી શકે, તેમાં સૌથી મહત્વનો ફાળો તેમના પતિ ગુંજનભાઈ શાહનો છે. વ્યવસાયે એક બિઝનેસ મેન ગુંજનભાઈ આજે પણ ક્રિનલબેનને એટલો જ સપોર્ટ કરે છે. બીજો સપોર્ટ ક્રિનલબેનને મળે છે નિલેશ કાતિરાનો. નિલેશ ફાઈન આર્ટસ પાસ આઉટ છે અને ક્રિનલબેન સાથે દરેક કામમાં આજે તેઓ જોડે જ છે.
ક્રિનલબેનનું માનવું છે કે આર્ટની અંદર ખુબ જ પોટેન્શિયલ હોય છે. બાળકોમાં રહેલું પોટેન્શિયલ બહાર લાવવા માટે તેઓ ખુબ જ બેઝિક અમાઉન્ટ સાથે આર્ટ ક્લાસ કરાવે છે. જેથી કરીને બાળકો આ ફિલ્ડમાં આગળ વધે. ક્લાસમાં આવતા જે બાળકમાં ક્રિનલબેનને પોટેન્શિયલ દેખાય છે તેને પ્રોત્સાહિત કરીને તેઓ આગળ વધવામાં મદદરૂપ થાય છે. આવો જ તેમનો એક વિદ્યાર્થી છે નમન શ્રીપાલ શાહ. નમનની પોઇટ્રેટમાં માસ્ટરી છે. તે જાતે બનાવતો હતો. પરંતુ ક્રિનલબેનના ક્લાસમાં આવ્યા બાદ તેના ડ્રોઇંગમાં ફિનિશિંગ આવ્યું છે. આ જ રીતે દક્ષ, નીતિ, કિઆના, જોયલ, પ્રાક્ષી, દ્વિશા, શિવાંશી આવા અનેક બાળકો હાલ ક્રિનલબેનના હાથ નીચે તૈયાર થઈ રહ્યા છે. ક્રિનલબેન ઇચ્છે કે આ બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે અને તેઓ કલાની દુનિયામાં નામના મેળવે.