વિજ્ઞાનની ધૂન લગાડતા આ શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માટે 500 પ્રયોગની બેંક બનાવી

“મારા પરિવારમાં માતા-પિતા બન્ને સરકારી કર્મચારી. પિતા પોતે પણ શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત. મારા દાદા-દાદી પણ શિક્ષિત. એ જમાનામાં મારા દાદીએ પી.ટી.સી.નો અભ્યાસ કરીને તાલુકા શાળાના આચાર્ય રહી ચૂકેલા. આવા શિક્ષિત પરિવારના કારણે હું પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોંશિયાર. સાથે મારા સપનાં પણ એટલાં જ મોટા. મારે ક્લાસ વન અધિકારી બનવું હતું. આ માટે મેં મહેનત પણ કરી. GPSCમાં ફોરેસ્ટ અધિકારી અને મામલતદારની પરીક્ષાઓ પણ મેં પાસ કરી હતી. પરંતુ પિતાજીનું કહેવું હતું કે, મહિલાઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી ખૂબ જ સુરક્ષિત અને સન્માનિત કહેવાય. આથી તેમના કહેવાથી મેં B.S.C. અને M.S.C.નો અભ્યાસ કર્યા બાદ B.Ed. અને M.Ed.નો અભ્યાસ કર્યો. વર્ષ 2014થી હું આ ગુંદાળા (જામ) પ્રાથમિક શાળામાં બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. હવે મારું એક જ સપનું છે કે આજે હું તો ક્લાસ વન ઓફિસર બની શકી નથી. પરંતુ મારા વિદ્યાર્થીઓમાંથી કોઈ ક્લાસ વન અધિકારી બને તે માટે હું તેમને સતત પ્રેરણા આપું છું અને તેમની પાછળ મહેનત કરું છું.”

ચિત્રલેખા.કોમના ‘દીવાદાંડી’માં આજે વાત કરવી છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગુંદાળા ગામમાં આવેલી ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાના શિક્ષિકા અદિતિબેન કિશોરભાઇ દેશાણીની, જેઓ દરેક શિક્ષક માટે એક અનોખું ઉદાહરણ છે.

અમદાવાદસ્થિત વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને We are all Humen (WAAH) ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવીન સંશોધનોને લોકો સુધી પહોંચાડવા માટે દર વર્ષે WAAH સાયન્સ લોરિએટ એવોર્ડ્સ એનાયત કરે છે. વર્ષ 2024ના એવોર્ડ માટે પસંદગી પામેલા લોકોમાંથી એક અદિતિબેન દેશાણી પણ છે. ગ્રાસ રૂટ લેવલ પર શાળાના બાળકો સાથે કામ કરવા માટે તેમજ ઈઝી ઈકો ટૂલ્સ બનાવવા માટે એમને સિનિયર લોરિએટ એવોર્ડ, એક લાખ રૂપિયાની સ્કોલરશીપ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

અદિતિબેન છેલ્લા 12 વર્ષથી ગુંદાળા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. ગામ ખૂબ જ નાનું છે. ધોરણ-1 થી 8માં માત્ર 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમ છતાં આ શાળાની કૃતિ દર વર્ષે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે. અત્યાર સુધીમાં તેમની કૃતિઓ 12 વખત જિલ્લા કક્ષાએ પહોંચી છે. 9 વખત રાજ્ય કક્ષાએ પહોંચી, 3 વખત નેશનલ કક્ષાએ પહોંચી અને એક વખત ઈન્ટરનેશનલ કક્ષાએ પહોંચી છે.

એક નાના ગામમાં રહીને બાળકોને વિજ્ઞાન અને ગણિતમાં કઈ રીતે રૂચિ વધારી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ અદિતિબેન છે. અદિતિબેન જે શાળામાં ભણાવે છે, તે ખૂબ જ નાની છે. ગામ પણ ખૂબ નાનું છે. શાળામાં 100 બાળક અભ્યાસ કરે છે. પરંતુ શાળા પાસે પોતાની પ્રયોગ બેંક છે. જેમાં 500 કરતા વધારે પ્રયોગ રહેલા છે. જે એક નાનકડાં ગામની શાળા માટે ખૂબ જ મોટી વાત કહેવાય. શાળાના કાર્યો માટે ગામના આગેવાનોનો પણ સપોર્ટ ખૂબ સારો મળે છે. આગેવાનો બાળકો, શિક્ષકો અને શાળાને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ શાળામાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2014માં અદિતિબેનનું આ શાળામાં પ્રથમ વર્ષ હોવા છતાં ગુંદાળા (જામ) પ્રાથમિક શાળાની કૃતિ જિલ્લા કક્ષા સુધી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચી હતી. આ વિશે અદિતિબેનનું કહેવું છે કે, “શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆતથી જ મને એવું હતું કે ભલે હું શિક્ષણના ક્ષેત્રમાં આવી છું. પરંતુ મારે આ ક્ષેત્રમાં પણ કંઈક અલગ જ કરી બતાવું છે. આથી જ્યારે એક નાના ગામની શાળામાં પહોંચી, તો ત્યાં પણ બાળકોમાં વિષય પ્રત્યે રૂચિ જગાડવા માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે. જો બાળક આર્થિક રીતે સક્ષમ ન હોય તો પોતાના નાણા ખર્ચીને પણ મેં બાળકોને ભણવામાં અને વિજ્ઞાન મેળામાં આગળ વધવામાં મદદ કરી છે. આ સાથે જ મને મારી શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકોનો તેમજ પરિવારનો પણ એટલો જ સહયોગ મળ્યો છે.”

અદિતિબેન બાળકોને ભણતરની સાથે જીવનના ગણતરના પાઠ પણ શીખવે છે. તેઓ કારકિર્દીના પ્રથમ વર્ષથી બાળકો સાથે શાળામાં વિવેકાનંદ બચત બેંક ચલાવે છે. જેમાં દરેક બાળક પોતાની યથાશક્તિ બચત કરેલા રૂપિયા જમા કરાવે. ત્યારબાદ શિક્ષક પણ એમાં પોતાની બચત જમા કરાવે છે. આ બચત બેંકના ભંડોળમાંથી બાળક આઠમું ધોરણ પાસ કરીને માધ્યમિક શાળામાં જાય, વિદાય લે ત્યારે તેમને શૈક્ષણિક કિટ આપવામાં આવે છે. આ સિવાય, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પણ આ ભંડોળના નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી સંવેદના કેળવાય તે હેતુથી શાળામાં રોટલા બેંક પણ ચલાવવામાં આવે છે.

વિક્રમ એ. સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્પર્ધા વિશે અદિતિબેનને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી. સેન્ટર અને તેના કાર્યો વિશે તો અદિતિબેન પહેલેથી જ જાણતા હતા. તેમણે એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. અદિતિબેન અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા આ એગ્રીકલ્ચર વેસ્ટમાંથી વાટકા તૈયાર કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની નોંધપાત્ર પ્રગતિની ઉજવણી માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેરનું આયોજન IIT ગુવાહાટી, આસામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અદિતિબેનના આ ઇકોફ્રેન્ડલી ઈનોવેશનને દર્શાવવામાં આવ્યું હતું.

અદિતિબેનના હાથ નીચે ભણેલા બાળકો આજે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે ત્યારે તેમનું મન ખૂબ જ પ્રફૂલિત થઈ જાય છે. આજે કોઈક દીકરી એમ. ફાર્મ કરે છે. કોઈ દીકરી હોમિયોપેથીનો અભ્યાસ કરી રહી છે. કેટલાંક દીકરા એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. અદિતિબેનની ઈચ્છા છે કે તેમણે ભણાવેલ દરેક બાળક બીજા 10 બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવે. અદિતિબેન આ સ્કોલરશીપમાંથી અમુક રકમ વિજ્ઞાન ક્ષેત્રે વાપરવાનું વિચારે છે. જેથી કરીને તેમના વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોઈ પણ વૈજ્ઞાનિક કોયડાનો જવાબ મિનિટોમાં મેળવી શકે. ભલે અદિતિબેન પાસે 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય પરંતુ તેમની ઈચ્છે છે કે તેમની શાળાના વિદ્યાર્થિઓ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન કક્ષાનું જ્ઞાન મેળવે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)