અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આવતીકાલથી અહીંના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમેચમાં ટકરાશે. આ મેચ ડે-નાઈટ હશે અને ગુલાબી બોલથી રમાશે. ચાર-મેચની સિરીઝમાં બંને ટીમ 1-1 મેચ જીતીને બરાબરી પર છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે 2012માં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચ મુકાબલો થયો હતો જેમાં ભારતે 9-વિકેટથી વિજય હાંસલ કર્યો હતો. એ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 206 નોટઆઉટ સ્કોર કર્યો હતો.
કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મોટેરાસ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટમેચમાં રમતી વખતે અમને એડીલેડની ડે-નાઈટ ટેસ્ટમાં 36-રનમાં ઓલઆઉટવાળો સ્કોર અને કારમી હારની યાદ ડરાવશે નહીં. એમ તો, ઈંગ્લેન્ડની ટીમ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની ડે-નાઈટ ટેસ્ટમેચના દાવમાં 58-રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાદમાં એણે સારું પણ રમી બતાવ્યું. અમુક ચોક્કસ દિવસે અમુક મુશ્કેલી દરેકને નડી જતી હોય છે. એ વખતે તમે ગમે તે કરો, તમને સફળતા મળે જ નહીં.