સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 20,21 અને 22મી ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝિબિશન–2024નું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક જ્વેલરી વપરાશમાં ભારતનું યોગદાન લગભગ 29 ટકા છે. એક રિપોર્ટ અનુસાર, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં દર વર્ષે 14ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. ટાયર–1 શહેરોમાં અમદાવાદમાં 34 ટકા, હૈદરાબાદ 32 ટકા અને ચેન્નાઇમાં 34 ટકાની વૃદ્ધિ સાથે દેશમાં જ્વેલરીની માંગમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે ટાયર–2 શહેરોમાં રાજકોટમાં જ્વેલરીની માંગમાં 72 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે સુરતમાં 43 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્પાર્કલ પ્રદર્શનમાં નવા ટ્રેન્ડમાં તમામ પ્રકારની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને, પોલ્કી કોમ્બિનેશન જ્વેલરી, હેરિટેજ અને એન્ટિક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, હાથી અને મોરની ડિઝાઇન સાથેની જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી છે. આ જ્વેલરીની પચાસ ટકા માગ લગ્નોમાંથી આવે છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ક્રિસમસ પણ આવવાની છે. તેથી સ્પાર્કલમાં ભાગ લેનારા તમામ જ્વેલર્સને તેનો ઘણો લાભ થશે.
ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેર અને નાગપુરના 30થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સાથેનું સિલેકશન આ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું પાડવામાં આવી રહ્યું છે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલે પ્રદર્શનમાં જ્વેલર્સ દ્વારા મૂકવામાં આવેલા આભૂષણોને ‘માસ્ટરપીસ’ કહીને બિરદાવ્યા હતા. આભૂષણોનો શોખ રાખતા લોકોએ અવશ્ય આ પ્રદર્શનની મુલાકાત લેવી જોઈએ તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો. તેમણે કહયું હતું કે, વિશ્વમાં અનેક સ્થળોએ રાખવામાં આવેલા જ્વેલરી એકઝિબિશનની મુલાકાત લીધી છે. પરંતુ સ્પાર્કલ એકઝિબિશન પોતાનામાં જ એક સ્પાર્કનું નિર્માણ કરે છે.