ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ પર રૂ. 300 કરોડ ખર્ચ કરશે AAP: સંદીપ દીક્ષિત

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેથી દિલ્હીમાં ભરશિયાળે રાજકીય ગરમાવો આવ્યો છે. નવી દિલ્હી સીટથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દાવો કર્યો છે કે આપ પાર્ટી દિલ્હીમાં બૂથોના મેનેજમેન્ટમાં રૂ. 300 કરોડની રોકડ રકમ ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. કોંગ્રેસ આની ફરિયાદ ચૂંટણી પંચથી કરશે. કૌભાંડોના પૈસા ક્યાં ગયા એ બતાવવાની જરૂર નથી, એમ દીક્ષિતે કહ્યું હતું.

આપ પાર્ટીને લાગે છે કે વહીવટી રૂપે જો કોઈ ખોટું કામ કરવામાં આવી રહ્યું છે તો એની ફરિયાદ તેઓ કરી શકે છે. મતદાતા યાદીમાં નામ જો ખોટું છે કે નામ કાપવામાં આવી રહ્યાં છે તો એમાં સુધારવા કે નામ જોડવાની એક વ્યવસ્થા છે. વાત એમ છે કે આપ પાર્ટીના કાર્યકર્તા વાસ્તવિક રીતે કામ નથી કરી રહ્યા. પાર્ટીના 90 ટકા લોકો પૈસા લઈને કામ કરે છે.પૈસા લઈને કોઈ મનથી કામ થોડું કરશે. મેં ઘણી જગ્યાએ આપ પાર્ટીના લોકોને ફરતા જોયા છે. જ્યારે તેમને પૂછો તો એ કહે છે કે તેમને એક દિવસના રૂ. 600 મળે છે.

તેમણે કહ્યું હતું કે માત્ર નવી દિલ્હી સીટ પર આ લોકો ચૂંટણીમાં રૂ. પાંચ કરોડથી વધુનો રોકડ ખર્ચ કરશે. મને માલૂમ છે કે દિલ્હીમાં રૂ. 300 કરોડ ખર્ચ કરવાના છે. દરેક બૂથ પર પાર્ટીએ 12 લોકો તહેનાત કરશે. 40થી 45  દિવસ તેમને કામ કરવાનું છે અને પ્રત્યેક કાર્યકરને પ્રતિદિન રૂ. 600 મળશે. અમે એની ફરિયાદ ચૂંટણી પંચને કરીશું.