અમદાવાદ: ‘વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા’ વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો આરંભ થયો હતો. 9 અને 10 જાન્યુઆરી, 2025 દરમિયાન ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સ્વામીનારાયણ રિસર્ચ સેન્ટર-વડતાલ ધામ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સ પ્રત્યક્ષ(ઓફલાઈન) અને ઓનલાઈન એમ બંને પ્રકારે યોજાશે.આ પ્રસંગે લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિવેક મહેશ્વરીએ જણાવ્યું હતુ કે, આધુનિક સમયમાં યોગનો પ્રચાર-પ્રસાર વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. ત્યારે સમાજમાં વ્યાપક સ્તરે અને ખાસ યોગના અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા રસ ધરાવનારા સૌ કોઈને પાયાનુ જ્ઞાન મળે, આ દિશા તરફ પણ તેમની દૃષ્ટિ કેળવાય તે હેતુથી આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.