ગાંધીનગર: જિલ્લા કોર્ટમાં આજે ફરીથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. ફરીવાર આ પ્રકારની ધમકી આપવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે કોર્ટમાં પ્રોટોકોલ પ્રમાણે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં કશું જ શંકાસ્પદ નહીં મળતા રાહતનો શ્વાસ લીધો હતો. બોમ્બ હોવાની અફવા સાબિત થઈ હતી. 
10ડિસેમ્બરના રોજ પણ ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી આપનારા આરોપીઓને પકડી પાડવામાં પણ આવ્યા છે. ‘ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખીને બપોરે 2 વાગ્યાને 11 મિનિટે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસે બિહારના ભાગલપુર અને ઝારખંડના દેવઘરથી બે યુવકોની ધરપકડ કરી છે. ભાગલપુરમાં રહેતા રોશન નામના યુવકે દેવઘરમાં રહેતા ગુલશન નામના વ્યક્તિ પાસેથી ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મેળવ્યો હતો. આ ઈ-મેઈલ કરવાના બદલામાં બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનના આતંકી સંગઠન દ્વારા ટેરર ફંડ પૂરું પાડવામાં આવતું હતું. ગુલશન પાસેથી પોલીસને પાંચ લાખથી વધારે ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ મળી આવ્યા. ફરી એકવખત બોમ્બની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ છે.




