અમદાવાદ: ફરી એક વખત શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સાથે જ ગુજરાત વિધાનસભા અને ગાંધીનગર કોર્ટને પણ 10 સપ્ટેમ્બરે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ‘ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખીને બપોરે 1 વાગ્યાને 11 મિનિટે સ્કૂલમાં અને 2 વાગ્યાને 11 મિનિટે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. જોકે સુરક્ષાને લઈ ડોગ સ્ક્વોર્ડ અને પોલીસની તપાસ દરમિયાન વિધાનસભામાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ અને સમયસર શરૂ થઈ હતી.
અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. જે બાદ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. જો કે ત્યાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ થ્રેટ મેઇલની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે ઝાયડસ સહિતની શાળાઓ સત્વરે ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાતાં ગભરાયેલા વાલીઓ દોડતા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં શાળાઓ ખાતે 108 એમ્બ્યુલન્સ અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરીને ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગર SP રવિ તેજાએ જણાવ્યું હતું કે, સવારે આશરે 8 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. પોલીસ દ્વારા દરરોજ વિધાનસભા અંગે રિપોર્ટ આપવામાં આવે છે અને આજે સવારે 9 વાગ્યા પહેલાં વિધાનસભા પરિસરમાં ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને વિધાનસભાનું સત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. ગાંધીનગર વિધાનસભા ઉપરાંત કોર્ટને પણ ધમકી મળી હતી, જેને પગલે ગાંધીનગર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પ્રાથમિક તપાસમાં ધમકીભર્યો મેઈલ દેશની બહારથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આશરે છ મહિના પહેલાં જે પ્રકારની ધમકી મળી હતી, તે જ પ્રકારની ધમકી ફરી મળી હોવાનું SPએ જણાવ્યું હતું.




