અમદાવાદ: વિશ્વ સ્તનપાન સપ્તાહ (૧ થી ૭ ઓગસ્ટ) નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ’ (PETA ઈન્ડિયા) અને ‘વેગન્સ ઓફ ગુજરાત’ ના સમર્થકો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
૫ મીટર ઊંચા ઈન્ફ્લેટેબલ શિશુ (બાળક)ના કોસ્ચ્યુમ પહેરીને આવેલા સમર્થકોએ લોકોને પ્લાન્ટ-બેઝ્ડ માયલ્ક (વનસ્પતિ આધારિત દૂધ)ના પેકેટો વહેંચ્યા હતા. આ પ્રસંગે તેઓએ “દૂધ માત્ર બાળકો માટે છે, ડેરી-ફ્રી બનો”ના સંદેશ સાથેના પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્લાન્ટ-બેઝ્ડ વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો અને લોકોને એ યાદ અપાવવાનો હતો કે તમામ સસ્તન પ્રાણીઓની માતાઓ – ગાય અને મનુષ્ય સહિત – માત્ર તેમના પોતાના બાળકો માટે જ દૂધ ઉત્પન્ન કરે છે.
PETA ઈન્ડિયાના કેમ્પેઈન કોઓર્ડિનેટર અપેક્ષા પ્રશાંત તમાણે જણાવ્યુ હતું કે, “માનવ માતાઓની જેમ ગાય પણ પોતાના બચ્ચાને પોષણ આપવા માટે દૂધ ઉત્પન્ન કરે છે. પરંતુ ડેરી ઉદ્યોગમાં બચ્ચાઓને તેમની માતાથી અલગ કરી દેવામાં આવે છે, જેથી તેમનું દૂધ મનુષ્યોને વેચી શકાય. PETA ઈન્ડિયા દરેક નાગરિકને અપીલ કરે છે કે તેઓ માતા અને બાળકના આ પવિત્ર સંબંધનું સન્માન કરે અને ડેરી ઉત્પાદનો છોડીને સોયા, બદામ કે અન્ય વનસ્પતિમાંથી બનતા વેગન દૂધ, દહીં અને ચીઝ જેવા પૌષ્ટિક વિકલ્પો અપનાવે.“
ભારત તેના અહિંસા અને પ્લાન્ટ-બેઝ્ડ આહારના પરંપરાગત મૂલ્યો માટે વિશ્વભરમાં જાણીતું છે. સ્ટેટિસ્ટા કન્ઝ્યુમર ઈન્સાઈટ્સના સરવે મુજબ ભારતમાં ૯% લોકો વેગન આહાર અનુસરે છે. એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિટીક્સ મુજબ વેગન આહાર અપનાવવાથી હૃદયરોગ, ટાઈપ-૨ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોનું જોખમ ઘટે છે, જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર ડેરી-ફ્રી આહારથી પર્યાવરણીય કાર્બન ફૂટપ્રિન્ટમાં ૭૩% સુધીનો ઘટાડો થઈ શકે છે.




