MSME કોન્ક્લેવ : સ્માર્ટ ઉત્પાદન અને માનસિકતા બદલવા પર ભાર

અમદાવાદ : AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) દ્વારા ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (OIA)ના સહયોગથી ‘MSME કોન્ક્લેવ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉદ્યોગ સાહસિકો, આગેવાનો અને નિષ્ણાતો હાજર  રહ્યા. ત્રણ મુખ્ય વિષયો — ઇનોવેટ (નવીનતા), ઇન્ટિગ્રેટ (એકીકરણ), અને ઇન્ટરનેશનલાઇઝ (વૈશ્વિકીકરણ) પર ચર્ચા કરી. આ અડધા દિવસની કોન્ક્લેવ દરમિયાન AMA-OIAના ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચેના ૨ વર્ષના સહયોગી કાર્યને રજૂ કરતા ‘AMA-OIA ન્યૂઝલેટર ૨૦૨૫-૨૬’નું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન આપતા OIAના પ્રમુખ અને જેકટેક હાઇડ્રોલિક્સના ડિરેક્ટર મુકેશ વેકરિયાએ આ કોન્ક્લેવને “માત્ર એક સેમિનાર નહીં, પરંતુ વિઝન અને વૃદ્ધિનો સંગમ” ગણાવ્યો હતો. તેમણે MSME ઉદ્યોગોને AI, ઓટોમેશન અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ અપનાવીને ઓઢવને ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. AMA-MSME ડેવલપમેન્ટ સેન્ટરના પ્રમોટર અને AMA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. જેમીન વસાએ થીમ એડ્રેસ આપતા જણાવ્યું હતું કે AI અને ઇન્ડસ્ટ્રી 4.0ની મદદથી આપણો ધ્યેય “વધુ ઉત્પાદન કરવાનો નથી, પરંતુ સ્માર્ટ રીતે ઉત્પાદન કરવાનો” હોવો જોઈએ.

કોન્ક્લેવમાં યોજાયેલી પ્રથમ પેનલ ચર્ચાનું સંચાલન AMA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પદ્મિન બુચ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધિ એન્જિનિયર્સના સહ-સ્થાપક પ્રશાંત ગાંધીએ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો પક્ષ લીધો હતો. જ્યારે digiXLT કન્સલ્ટિંગ LLPના મેનેજિંગ પાર્ટનર અમિત સાલુજાએ જણાવ્યું હતું કે MSME ની ક્ષમતાનો ઉપયોગ હાલમાં માત્ર ૫૦-૬૦% જ થઈ રહ્યો છે. તેમણે આંધળા ઓટોમેશન કરવા કરતાં ડિજિટલાઇઝેશન અને પ્રક્રિયા-આધારિત વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો.

સહયોગી ઇકોસિસ્ટમ્સ પરની બીજી પેનલમાં OIAના વાઇસ પ્રેસિડેન્ટ અને ગાત્રાડ એવિએશન ટેકનોલોજીસના ચેરમેન ડૉ. દિવ્યેશ લાડવાએ જોખમ-આધારિત વિશ્લેષણ અને ડેટા-આધારિત નિરીક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે શ્રી નવકાર મેટલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તારાચંદ જૈને શૈક્ષણિક સંસ્થાઓ અને એકેડેમિયા સાથેના સહયોગ પર ભાર મૂક્યો હતો.

ભારતની વૈશ્વિક પહોંચ વિસ્તારવાના મુદ્દે પરફેક્ટ ઇક્વિપમેન્ટ્સના ડિરેક્ટર જયેશ મિસ્ત્રીએ સંચાર, બેન્ચમાર્કિંગ અને સાતત્યતાને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા, જ્યારે કાઇઝેન ઇન્સ્ટિટ્યૂટના સાઉથ એશિયા અને આફ્રિકાના જોઇન્ટ એમડી જયંત મૂર્તિએ લક્ષિત બજારો, ગ્રાહકની ઊંડી સમજણ અને લાંબા ગાળાના વિઝનની ભલામણ કરી હતી. સમાપન સત્રમાં AMA એક્સ્ટેન્શન સર્વિસિસ કમિટીના ચેરમેન ડૉ. શૈલેશ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે વિકસિત ભારત ૨૦૪૭ની સફરમાં MSMEની વૃદ્ધિ માટે મૂડી કે મશીનરી નહીં, પરંતુ પરંપરાગત માનસિકતા (માઇન્ડસેટ) જ વાસ્તવિક અવરોધ છે.