ગાંધીનગર: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર સવારે 6.00થી 10.00 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન કુલ 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બનાસકાંઠા, સરહદી વાવ-થરાદ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

સવારના 4 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, વાવ-થરાદના દિયોદર તાલુકામાં સૌથી વધુ 50 મિ.મી. (આશરે 2 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદ ક્ષેત્રના લાખાણીમાં 47 મિ.મી. (1.85 ઈંચ) અને રહ તાલુકામાં 45 મિ.મી. (1.77 ઈંચ) વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં 44 મિ.મી. અને ઓગડમાં 36 મિ.મી. વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 43 મિ.મી. (1.69 ઈંચ) અને કપરાડામાં 34 મિ.મી. વરસાદ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન જ સીધો 30 મિ.મી. (1.18 ઈંચ) વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના ખેરગામમાં 26 મિ.મી., ડાંગના સુબિરમાં 25 મિ.મી. અને પાટણના સાંતલપુરમાં 24 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ખેડા, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 10 થી 23 મિ.મી. સુધીનો હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.




