અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિની સમાપ્તિ સાથે સાતમી આવૃત્તિની જાહેરાત
અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સંસ્કૃતિ મહોત્સવ “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બરે થયું. વિવિધ ક્ષેત્રના કલારસિકોએ આ કાર્યક્રમમાં કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો. આ વર્ષે રેકોર્ડબ્રેક ૩,૨૪,૩૨૫ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો. આગામી આવૃત્તિ નવેમ્બર, ૨૦૨૫માં શરૂ થશે.
આ 16 દિવસીય કલા મહોત્સવનો પ્રારંભ 21મી નવેમ્બરના રોજ થયો હતો, જેનું સમાપન 8મી ડિસેમ્બરના રોજ થયુ. જેમાં વિવિધ વય અને ક્ષેત્રના 3,24,325થી વધુ કલા રસિકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિતી રહી હતી. શહેરના લાખો કલા રસિકોએ તેનો આનંદ માળ્યો. આ ઉપરાંત અમદાવાદના સાબરમતી સ્થિત અનુસંધાન NGO દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા 20થી વધુ બાળકોને આ કલા મહોત્સવની મુલાકાત માટે લાવવામાં આવ્યા હતા. આ બાળકોએ વિવિધ કલા સ્થાપનોને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી. અમદાવાદ શહેરના આંબલી અને અડાલજ વિસ્તારમાં આવેલ બે અલગ-અલગ વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકોએ પણ વિવિધ કલાકારોની પ્રસ્તૃતિઓનો આનંદ માણ્યો હતો. આ મુલાકાત ખાસ કરીને યુ.એન.એમ ફાઉન્ડેશને વધુ એક પહેલ ‘ઉજાસ’ અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ પહેલા ગત વર્ષે પાંચમી આવૃતિને પણ 1.75 લાખ મુલાકાતીઓની રેકોર્ડ સંખ્યા સાથે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
વર્ષ 2018માં પ્રથમ આવૃત્તિથી લઈને અત્યાર સુધી આ અનોખા કલા મહોત્સવને 5,936 કલાકારોની અરજીઓ મળી છે અને અત્યાર સુધીની છઠ્ઠી આવૃત્તિમાં કુલ 1,335થી વધુ કલાકારોએ મંચ ઉપર પ્રસ્તૃતિ દ્વારા કુલ 6 લાખથી વધુ કલા રસિક દર્શકોનું મનોરંજન કર્યુ છે. કલા મહોત્સવ દરમિયાન દર્શકોને વ્યાવસાયિક કલાકારોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા સ્વરૂપો વિશે શીખવાની તક પણ મળી હતી.
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત યુ.એન.એમ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ વર્ગના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.
અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની હલ્તકલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.