સુરત માર્કેટ યાર્ડમાંથી 10 લાખનું ચાઈનિઝ લસણ પકડાયું

સુરત: લસણ રસોઈને વધુ સ્વાદિષ્ટ અને મજેદાર બનાવે છે. પણ જરા ચેતીને એનો ઉપયોગ કરજો. કેમ કે, બજારમાં ચાઇનીઝ લસણ પણ ઘૂસ્યું છે. દેખાવમાં સામાન્ય કરતાં સારા દેખાતા આ ચાઇનીઝ લસણની મોટો જથ્થો સુરત એ.પી.એમ.સી. માર્કેટમાંથી ઝડપાયો છે અને એ લસણનો નાશ કરી દેવાયો છે.સુરત APMCમાંથી પ્રતિબંધિત 10 લાખની કિંમતનું 2,150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે 2014થી ચાઈનિઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઈનિઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. ભારતમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે નેપાળના રસ્તે ચાઇનીઝ લસણની સપ્લાય કરવામાં આવી રહી છે. ચાઇનીઝ લસણ પર હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.સુરત એ.પી.એમ.સી.નાં બોર્ડ ઓફ ડાયરેકટર બાબુભાઈ શેખ કહે છે, “લસણના ભાવ વધી રહ્યા હોવાથી ચીનથી ભારતમાં લસણ ઘુસી રહ્યું છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં દવાનો ઉપયોગ થાય છે. આપણા ખેડૂતોને ભાવ ન મળતાં આ વખતે ઓછું વાવેતર કર્યું છે. ત્યારે ચાઈનિઝ લસણની શંકાસ્પદ રીતે તપાસ કરતા જથ્થો પકડાયો હતો, જેનો નાશ કર્યો હતો.”

(અરવિંદ ગોંડલિયા – સુરત)