વિજય-ધવન-રાહુલ પાણીમાં બેસી ગયા; ફરી કોહલી જ લડવૈયો

0
1042

બર્મિંઘમ – અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી પહેલી ટેસ્ટ મેચમાં મુરલી વિજય અને શિખર ધવનની ઓપનિંગ જોડી બીજા દાવમાં પણ ટીમ માટે ઉપયોગી ન થતાં 194 રનના ટાર્ગેટને ચેઝ કરવાનું ભારત માટે કઠિન બની ગયું છે. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ ફરી મોરચો માંડી દીધો છે. ઈંગ્લેન્ડના બોલરો સામે એ પહેલા દાવની માફક જોરદાર રીતે ઝઝૂમી રહ્યો છે. ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજા દાવમાં પાંચ વિકેટના ભોગે 110 રન કર્યા હતા. જીત માટે હજી બીજા 84 રનની જરૂર છે. કોહલી 76 બોલમાં 43 રન અને વિકેટકીપર દિનેશ કાર્તિક 44 બોલમાં 18 રન સાથે દાવમાં હતો. કોહલીએ પહેલા દાવમાં 22મી સદીના રૂપે 149 રન કર્યા હતા.

મુરલી વિજય 6, ધવન 13, લોકેશ રાહુલ 13, અજિંક્ય રહાણે 2, નાઈટ વોચમેન તરીકે આવેલો રવિચંદ્રન અશ્વિન 13 રન કરીને આઉટ થયો હતો. વિજયે પહેલા દાવમાં 20, ધવને 26 અને રાહુલે 4 રન કર્યા હતા.

બીજા દાવમાં ભારતને પરેશાન કરનાર ચાર બોલર છે. આમાં, સ્ટુઅર્ટ બ્રોડે બે વિકેટ ઝડપી છે તો બેન સ્ટોક્સ, જેમ્સ એન્ડરસન અને સેમ કરને એક-એક બેટ્સમેનને આઉટ કર્યો છે.

એ પહેલાં ટી-બ્રેક પૂર્વેના સત્રમાં, ઈંગ્લેન્ડનો બીજો દાવ 180 રનમાં પૂરો કરાવી દેવામાં ભારતના બોલરો સફળ થયા હતા. પહેલા દાવમાં 13 રન પાછળ રહેલા ભારતને મેચ જીતવા માટે 194 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડે 87 રનમાં જ 7 વિકટે ખોઈ દીધી હતી, પણ 20 વર્ષના સેમ કરને ભારતના બોલરોને જોરદાર લડત આપી હતી અને 63 રન કરીને સૌથી છેલ્લો આઉટ થયો હતો. કરને 65 બોલનો સામનો કર્યો હતો અને 9 ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા હતા. એને આદિલ રશીદ (16) અને સ્ટુઅર્ટ બ્રોડ (11)નો ટેકો મળ્યો હતો. રશીદ 40 બોલ અને બ્રોડ 28 બોલ રમ્યો હતો.

ઈશાંત શર્મા પાંચ વિકેટ ઝડપીને ભારતનો બેસ્ટ બોલર રહ્યો છે. એણે 13 ઓવરમાં 51 રન આપીને ઈંગ્લેન્ડના પાંચ બેટ્સમેનોને પેવિલિયન ભેગા કર્યા હતા.

અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 20 રનમાં બે અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 59 રનમાં 3 વિકેટ ઝડપી હતી. કેપ્ટન જો રૂટની કિંમતી વિકેટ અશ્વિને મેળવી હતી.

ઈંગ્લેન્ડે 1 વિકેટે 9 રનના તેના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. એનો બીજો દાવ 180 રનમાં સમાપ્ત થયા બાદ ટી-બ્રેક લેવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડના પહેલા દાવના 287 રનના જવાબમાં ભારતનો પહેલો દાવ કેપ્ટન વિરાટ કોહલીના 149 રનની મદદથી 274 રનમાં પૂરો થયો હતો.