‘નાસા’ના ઈનસાઈટ અવકાશયાને મંગળ ગ્રહ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું

પાસાડેના (કેલિફોર્નિયા) – અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAના ‘ઈનસાઈટ’ અવકાશયાને મંગળના ગ્રહ પર ગઈ કાલે સલામત રીતે ઉતરાણ કર્યું છે. હવે આ અવકાશયાન આ લાલ માટીવાળા ગ્રહની જમીનમાં ઊંડે સુધી તપાસ કરશે. આ મિશન બે વર્ષનું છે.

NASAના ઓનલાઈન લાઈવ બ્રોડકાસ્ટમાં જાણી શકાયું હતું કે ‘ઈનસાઈટ’ અવકાશયાને સોમવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2.54 વાગ્યે મંગળ પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું. છ મહિનાના સમય અને 30 કરોડ માઈલ (48 કરોડ કિલોમીટર)ની સફર કર્યા બાદ આ અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું છે.

આ સ્પેસક્રાફ્ટ મંગળની જમીનની નીચે ઊંડાણમાંના ભૌગોલિક સિગ્નલ્સની તપાસ કરશે. જેમ કે મંગળ પર ધરતીકંપ આવતા હોય છે કે નહીં તેમજ ગરમીનું પ્રમાણ કેટલું રહે છે વગેરે.

મંગળ પર સ્થિર થયેલા અવકાશયાનમાંથી પૃથ્વી પરના NASA વિજ્ઞાનીઓ રેડિયો સિગ્નલ્સ મેળવશે અને એના આધારે અભ્યાસ કરશે.

ઈનસાઈટ અવકાશયાનની પાછળ નાસા સંસ્થાના મિની અવકાશયાન ગયા છે. જેમાંનું એક છે માર્સ ક્યૂબ વન (MarCO).

મંગળની ધરતી પર ઈનસાઈટ અને MarCOના સફળ ઉતરાણને પગલે પાસાડેનાસથિત નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી ખાતેના મિશન કન્ટ્રોલમાં રહેલા વિજ્ઞાનીઓએ હર્ષનાદોથી વધાવી લીધું હતું. ઈનસાઈટ અવકાશયાને મંગળની ધરતી પર એલીઝીયમ પ્લેનિશીયા તરીકે નામ અપાયેલી સમતલ જગ્યા પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું.

ઈનસાઈટને ગઈ 5 મેએ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2012માં નાસાએ ક્યૂરીયોસિટી રોવરને મંગળ પર લોન્ચ કર્યું હતું.

ઈનસાઈટ અવકાશયાન 6,200 માઈલ પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે મંગળ પર પહોંચ્યું હતું.

નાસાના સાયન્સ મિશન ડાયરેક્ટોરેટના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના કાર્યવાહક ડાયરેક્ટર લોરી ગ્લેઝે કહ્યું કે અમારી સંસ્થા 1965ની સાલથી ભ્રમણકક્ષામાંથી તેમજ મંગળની ધરતી ઉપરથી એ ગ્રહ પરની આબોહવા, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ તથા જમીન પરના રસાયણો વિશે અભ્યાસ કરી રહી છે. હવે અમે મંગળની ધરતીના ઊંડાણમાં શું છે એનો અભ્યાસ કરીશું.

httpss://twitter.com/KeikoGoblyn/status/1067237408955985920