અવકાશી સંશોધનમાં ઐતિહાસિક સફળતાઃ બ્લેકહોલની પ્રથમ તસવીર પ્રાપ્ત થઈ

ફ્રેન્કફર્ટ (જર્મની) – નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) તરફથી આજે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. એના ખગોળશાસ્ત્રીઓએ પહેલી જ વાર બ્લેકહોલની એક તસવીર ઝડપી છે.

ઉલ્લેખનીય છે કે બ્લેકહોલ થિયરી વિશે દુનિયાભરનાં લોકોમાં ઘણા વખતથી એક ઉત્સૂકતા જોવા મળી છે. એ ઉત્સૂકતાનો આખરે બુધવારે સાંજે અંત આવી ગયો છે.

NSFના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ રહસ્યમય બની ગયેલા બ્લેકહોલની પહેલી તસવીર ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે રિલીઝ કરી હતી.

આ તસવીર રિલીઝ કરતી વખતે ગોથ યુનિવર્સિટી-ફ્રેન્કફર્ટનાં લુસિઆનો રેઝોલાએ કહ્યું કે સાવ સાધારણ ભાષામાં કહીએ તો બ્લેકહોલ એક એવો ખાડો છે જે ભરી શકાય એવો નથી.

ખગોળશાસ્ત્રમાં દિલચસ્પી ધરાવતા લોકો માટે બ્લેકહોલની આ પ્રથમ તસવીર બહાર આવવી એક મોટી ઘટના છે, કારણ કે આ વિશે અત્યાર સુધી જાતજાતનાં તર્ક-વિતર્કો થતા રહ્યા છે.

ખગોળશાસ્ત્રીઓ દુનિયાના છ સ્થળે પત્રકાર પરિષદ બોલાવીને બ્લેકહોલની અસલી તસવીર રિલીઝ કરશે.

બ્લેકહોલની તસવીર પાડવા માટે દુનિયામાં છ સ્થળે Event Horizon Telescope મૂકવામાં આવ્યા હતા. આ છ સ્થળ છેઃ હવાઈ, એરિઝોના, સ્પેન, મેક્સિકો, ચિલી અને દક્ષિણ ધ્રુવ.

બ્લેકહોલ આશરે 40 અબજ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને આકારમાં પૃથ્વી કરતાં 30 લાખ ગણો મોટો છે. આ બ્લેકહોલને આકાશગંગામાં મોન્સ્ટર ઉપનામ આપવામાં આવ્યું છે. એ પૃથ્વીથી લગભગ 50 કરોડ અબજ કિલોમીટર દૂર સ્થિત છે.

Event Horizon Telescope પ્રોજેક્ટના ડાયરેક્ટર અને હાર્વર્ડ યુનિવર્સિટીના સિનિયર ફેલો રિસર્ચર શેફર્ડ ડોલમનનું કહેવું છે કે બ્લેકહોલ એ બ્રહ્માંડની સૌથી રહસ્યમય ચીજોમાંની એક છે. અમે એને જોયો છે, જે અત્યાર સુધી અદ્રશ્ય હોવાનું મનાતું હતું.