હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ, હાર્દિકે આજથી પાણી પણ ન પીવાની કરી જાહેરાત

0
1277

અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલે સરકાર પર દબાણ બનાવવા માટે આજથી પાણી પણ ન લેવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અત્યાર સુધી હાર્દિક પટેલ પોતાના આમરણાંત ઉપવાસ દરમિયાન પાણી પી રહ્યો હતો. તો બીજી તરફ આજે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે ચુકાદો પણ આવશે.

મહત્વનું છે કે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરુરી સામાન આવતા અટકાવી રહી છે. હાર્દિકે પોતાની અરજીમાં એ પણ જણાવ્યું હતું કે પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે. આ સાથે જ તેના ઘરે પાણી, દૂધ વગેરે સહિતની વસ્તુઓ આવતી પણ અટકાવવામાં આવી રહી છે. હાર્દિકે જણાવ્યું કે દરરોજ અહીંયા મોટી સંખ્યામાં સમર્થકો આવતા હોવાથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે આ વસ્તુઓ જરુરી છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી આ અરજી અંગે આજે સુનાવણી યોજાશે.

તો બીજીતરફ હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં 14 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. આ માટે તમામ લોકોએ કોર્ટમાં હાજર રહેવું પડશે. જો કે આજે જ્યારે સુનાવણી કોર્ટમાં યોજાઈ ત્યારે હાર્દિક પોતાની નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટમાં હાજર રહી શક્યો નહોતો.