આરબીઆઈ ગવર્નરના કાંટાળા તાજની દોડમાં છે આ ચાર નામ…

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે ગઈકાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાં બાદ એ સવાલ ઉભો થયો છે કે હવે ગવર્નર પદ કોણ સંભાળશે. જ્યાં સુધી નવા ગવર્નરની નિયુક્તિ ન થઈ જાય ત્યાં સુધી સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલ કોઈ વ્યક્તિ આ સમયગાળામાં આ જવાબદારી સંભાળશે.

ત્યારબાદ ગવર્નરને સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે. સરકારે ગવર્નરની શોધ શરુ કરી દીધી છે અને આના માટે એક કમીટી પણ બનાવવામાં આવશે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર કમીટી સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

આરબીઆઈ એક્ટ 1934 અનુસાર જો કોઈ ગવર્નર અથવા ડેપ્યુટી ગવર્નર પોતાની જવાબદારી નિભાવવામાં અક્ષમ થઈ જાય છે, રજા પર જતા રહે છે અથવા પોતાનું કામ નથી કરતા તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય બોર્ડથી સલાહ લીધા બાદ અન્ય વ્યક્તિને આ પદ પર નિયુક્ત કરી શકે છે. આમાં કોઈ અધિકારી અથવા રિઝર્વ બેંકના કોઈ કર્મચારીની વચગાળાના ગવર્નર તરીકે નિમણૂંક કરી શકાય છે. ત્યાર બાદ ઔપચારિક રુપે નવા ગવર્નરની પસંદગી કરવામાં આવશે.

વર્તમાન સમયમાં રિઝર્વ બેંકના ચાર ડેપ્યુટી ગવર્નર છે. જેમાં એન.એસ. વિશ્વનાથન, વિરલ આચાર્ય, બીપી કાનૂનગો અને એમ.કે. જૈન છે. ઉપરાંત 12 એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. સરકાર દ્વારા ઉપરોક્ત આ ચાર ડેપ્યુટી ગવર્નરમાંથી કોઇ પણ એક વ્યક્તિને રિઝર્વ બેંકના નવા ગવર્નર પદ માટે પસંદ કરવામાં આવશે. ઉપરોક્ત ચારેય વ્યક્તિઓમાં એન.એસ. વિશ્વનાથન સૌથી સિનિયર ડેપ્યુટી ગવર્નર છે.