વોશિંગ્ટન- અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટ્રાવેલ પ્રતિબંધની નવી યાદી જાહેર કરી છે. આ વખતની યાદીમાં ઉત્તર કોરિયા અને વેનેઝુએલા સહિત 8 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકો પર આરોપ લગાવતા અમેરિકન સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, તેઓ સુરક્ષા તપાસમાં સહકાર આપતા નથી.

ટ્રાવેલ પ્રતિબંધની યાદીમાં 8 દેશ

આ યાદીમાં સૌ પ્રથમ ઉત્તર કોરિયા, વેનેઝુએલા, ઈરાન, લિબિયા, સીરિયા, યમન અને સોમાલિયા સહિતના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સુદાનના નાગરિકો ઉપરથી અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.

મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવા પ્રયાસ

આપને જણાવી દઈએ કે, ટ્રાવેલ પ્રતિબંધની નીતિને કારણે ટ્રમ્પ પહેલેથી જ કાનૂની દાવપેચમાં ફસાયા છે. આલોચકોએ ટ્રમ્પ ઉપર આરોપ લગાવતા કહ્યું કે, ગત જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા બાદથી જ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશ નહીં કરવા દેવાનો ટ્રમ્પ પ્રયાસ કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પેહલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો કેસ અમેરિકન કોર્ટમાં પડતર છે.

અમેરિકાની સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા

ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા એ તેમની પહેલી પ્રાથમિકતા છે. અમે એવા લોકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપીએ જેમની અમે યોગ્ય રીતે સુરક્ષા તપાસ નથી કરી શકતા. અથવા જે લોકો અમને સુરક્ષા તપાસમાં સહકાર નથી આપતા.

ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ બહુમતિ ધરાવતા સુદાન ઉપર પણ અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ મુક્યો હતો, જોકે જાહેર કરાયેલી નવી યાદીમાંથી સુદાનનું નામ બાકાત કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયા પર સંપૂર્ણ પ્રતિબંધ

ઉત્તર કોરિયા અને ચાડના નાગરિકો ઉપર ટ્રાવેલ પ્રતિબંધ અંતર્ગત સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે વેનેઝુએલા માટે તેના સરકારી અધિકારીઓ અને તેમના પરિજનનોને અમેરિકા યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

કુલદીપ યાદવઃ કોલકાતામાં કાંગારુંઓને કાંડાની કમાલ બતાવનાર આ સ્પિનર ૨૦૧૯ની વર્લ્ડ કપમાં ભારતનું મુખ્ય શસ્ત્ર બની શકે છે

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતમાં પગ મૂક્યો એ પહેલાંથી જ એમને ખબર હતી કે ભારતની ધરતી સ્પિન બોલિંગને યારી આપવા માટે જાણીતી છે અને આ વખતની ટીમમાં બે રિસ્ટ સ્પિનર – કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યા છે. વન-ડે સિરીઝ રમવાનું શરૂ કર્યું એ પહેલા ઓસ્ટ્રેલિયનોએ સ્પિન બોલિંગ સામે કેવી રીતે રમવું એની પ્રેક્ટિસ કરી હતી, પણ એમને તોય ભારે એટલા માટે પડી ગયું કે એમણે બોલના એક ઈંચ જેટલા સ્પિન સામે રમવાની પ્રેક્ટિસ કરી હતી જ્યારે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ તો બોલને આઠ-આઠ ઈંચ જેટલો સ્પિન કરે છે.

સ્ટીવ સ્મીથની ઓસ્ટ્રેલિયન ટીમે આ લખાય છે ત્યાં સુધીમાં પહેલી ત્રણેય વન-ડે મેચ હારી જઈને પાંચ મેચોની સિરીઝ 3-0થી ગુમાવી દીધી હતી. એટલું જ નહીં, આ ટીમે ભારતને-કુલદીપ યાદવને એક હેટ-ટ્રિકની સિદ્ધિની પણ ‘ભેટ’ આપી છે.

ભારતને છેક 26 વર્ષે વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક પ્રાપ્ત થઈ. આ બહુમાન મેળવ્યું છે કુલદીપ યાદવે, જેની કોલકાતા ODI એની કારકિર્દીની માત્ર 9મી જ હતી. 26 વર્ષ પહેલાં ઈડન ગાર્ડન્સમાં હેટ-ટ્રિકની સિદ્ધિ હાંસલ કરી હતી કપિલ દેવે – 1991માં શ્રીલંકા સામે. કપિલે ઈડન ગાર્ડન્સમાં જ હેટ-ટ્રિક લીધી હતી. કપિલે એ સિદ્ધિ મેળવી હતી ત્યારે કુલદીપે હજી આ જગતમાં જન્મ પણ લીધો નહોતો.

ઈડન ગાર્ડન્સમાં 22 વર્ષીય કુલદીપ યાદવ 21 સપ્ટેંબરે કાંગારુઓ પર ત્રાટક્યો એ પહેલાં આ ઐતિહાસિક મેદાન પર હેટ-ટ્રિક સિદ્ધિ હાંસલ કરનાર સ્પિનર હતો હરભજન સિંહ, જેણે સ્ટીવ વોની ટીમના ત્રણ બેટ્સમેનને લગાતાર બોલમાં આઉટ કર્યા હતા. પરંતુ એ ટેસ્ટ મેચ હતી. એ યાદગાર ઘટના 16 વર્ષ પહેલાં બની હતી. ત્યારે કુલદીપ માંડ 6 વર્ષનો હતો.

વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના ત્રણ બોલર છે – ચેતન શર્મા (1987માં નાગપુરમાં ન્યુ ઝીલેન્ડ સામે) અને કપિલ દેવ (1991માં ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે). શર્મા અને કપિલ બંને ફાસ્ટ બોલર હતા જ્યારે કુલદીપ વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતનો પહેલો જ સ્પિનર બન્યો છે.

ચેતન શર્માની હેટ-ટ્રિક વિશેષ એ રીતે છે કે એણે ન્યુ ઝીલેન્ડના ત્રણેય બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.

બીજી એક રસપ્રદ બાબત એ છે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં માત્ર બે જ રિસ્ટ સ્પિનર્સે હેટ-ટ્રિક લીધી છે. કુલદીપ પહેલાં હેટ-ટ્રિક લેનાર હતો શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા.

(કુલદીપ યાદવની હેટ-ટ્રિક)

બોલ જ્યારે આટલો બધો ટર્ન થતો હોય ત્યારે અમુક બોલ જો ઓછો ટર્નવાળો કે સીધો સટ આવી પડે તો બેટ્સમેન મુંઝાઈ જાય. કોલકાતા વન-ડેમાં એવું જ થયું હતું. વિકેટકીપર મેથ્યૂ વેડ બોલ્ડ થયો હતો, ત્યારબાદ આવેલો એશ્ટન એગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્રીજો પેટ કમિન્સે જે બોલનો સામનો કર્યો હતો એ ટર્ન થયો નહોતો અને સીધો એના બેટ પર ગયો હતો અને બોલ બેટની ધારને અડીને કીપર ધોનીના ગ્લોવ્ઝમાં પડ્યો હતો.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો વન-ડે ક્રિકેટમાં કુલદીપે લીધેલી હેટ-ટ્રિક 43મી હતી. આ યાદીમાં સૌથી પહેલું નામ છે પાકિસ્તાનના જલાલુદ્દીનનું, જેણે 1982માં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટની પહેલી હેટ-ટ્રિક લીધી હતી.

શ્રીલંકાના લસીથ મલિંગાએ કુલ 3 વાર હેટ-ટ્રિક લીધી છે તો બે-વાર હેટ-ટ્રિક લેવાની સિદ્ધિ મેળવનાર છે – વસીમ અકરમ, સકલૈન મુશ્તાક (બંને પાકિસ્તાન), ચામિન્ડા વાસ (શ્રીલંકા).

કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ ઝડપથી અનુભવ મેળવી રહ્યા છે અને પાકટ બની રહ્યા છે. કુલદીપની હેટ-ટ્રિક બાદ તો કહી શકાય કે 2019ની વર્લ્ડ કપ સ્પર્ધામાં એ ભારતનું મુખ્ય હથિયાર બની શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના પાંચ બોલરોઃ

1. ચેતન શર્મા (ફાસ્ટ બોલર) – 1987 (ન્યુ ઝીલેન્ડ સામે નાગપુરમાં વન-ડે મેચ, 1987 રિલાયન્સ વર્લ્ડ કપ)

2. કપિલ દેવ (ફાસ્ટ બોલર) – 1991 (શ્રીલંકા સામે કોલકાતામાં વન-ડે મેચ, એશિયા કપ ફાઈનલ)

3. હરભજન સિંહ (ઓફ્ફ સ્પિનર) – 2001 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં ટેસ્ટ મેચ)

4. ઈરફાન પઠાણ (ડાબોડી ફાસ્ટ બોલર) – 2006 (પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટ મેચ)

5. કુલદીપ યાદવ (ડાબોડી ચાઈનામેન બોલર) – 2017 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં વન-ડે મેચ)

 

ઈડન ગાર્ડન્સમાં ભારતીય હેટ-ટ્રિક બોલરો અને એમના 3 શિકાર…

કપિલ દેવ : 1991 (એશિયા કપ ફાઈનલ, વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

શ્રીલંકાના 3 બેટ્સમેનો – રોશન મહાનામા, સનત જયસૂર્યા અને ચંપક રમાનાયકે.

હરભજન સિંહ : 2001 (ટેસ્ટ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન.

કુલદીપ યાદવ : 2017 (વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – મેથ્યૂ વેડ, એશ્ટન એગર અને પેટ કમિન્સ.

 

શું કહે છે, હેડ સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી?

ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે સિરીઝમાં અત્યાર સુધી યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે મેળવેલી સફળતા માટેનો શ્રેય ઘણે અંશે ભૂતપૂર્વ લેગસ્પિનર નરેન્દ્ર હિરવાણીને જાય છે, જેઓ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ સ્પિન કોચ છે. એમણે જ ભારતીય ટીમમાં સ્પિનરોની સંખ્યા વધારી આપી છે. આ ટૂકડીમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી છે તો ચહલ, યાદવ અને અક્ષર પટેલ જેવા પ્રમાણમાં ફ્રેશ બોલરો છે.

હિરવાણીનું માનવું છે કે હાલના ભારતના તમામ સ્પિનરો ટર્નવાળા બોલ સામે રમવાની બેટ્સમેનોની ખામીઓને બરાબર પારખી શકે છે.

હિરવાણીની ઓળખ એ છે કે એમણે 1972માં એમની ડેબ્યૂ ટેસ્ટમેચમાં કુલ 136 રનમાં 16 વિકેટ ઝડપી હતી. મદ્રાસમાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બંને દાવમાં 8-8 વિકેટ ઝડપીને એમણે એક વિશ્વવિક્રમ કર્યો હતો. હિરવાણીએ બોબ મેસ્સીનો 137 રનમાં 16 વિકેટનો રેકોર્ડ માત્ર 1 રનથી તોડ્યો હતો. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. એણે 24 સપ્ટેંબર, રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ-વિકેટથી હરાવીને પાંચ-મેચોની સિરીઝ પોતાના કબજામાં લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 293 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 47.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 294 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ઓપનર આરોન ફિન્ચે 124 રન કર્યા હતા. ભારતના દાવમાં ત્રણ હાફ સેન્ચૂરી થઈ હતી – રોહિત શર્માના 71 રન, અજિંક્ય રહાણેના 70 અને હાર્દિક પંડ્યાના આક્રમક 78 રન. મનીષ પાંડે 36 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તો કોહલીએ 28 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

[gallery_bank type=”images” format=”thumbnail” title=”true” desc=”true” responsive=”true” display=”all” sort_by=”random” animation_effect=”bounce” album_title=”false” album_id=”2638″]


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.

અમદાવાદ – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં રાજકીય રીતે મહત્વ ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ માટે આજે આવ્યા છે. તેઓ આજે દ્વારકાથી આ પ્રવાસ શરૂ કરવાના છે. રાહુલ ગાંધી જગપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં દર્શન કર્યા હતા, ત્યાર બાદ રોડ શો શરૂ કર્યો હતો.

ત્રણ દિવસના રોકાણ દરમિયાન રાહુલ સૌરાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ યોજશે, રોડશો કરશે અને ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે વિચારવિમર્શ કરશે.

રાહુલ આજે સવારે 11.30 વાગ્યે દ્વારકા નજીકના મીઠાપુર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ દ્વારકાધિશ મંદિર ગયા હતા. અને દ્વારકાધિશજીના દર્શન કર્યા હતા. ત્યાંથી તેઓ રોડમાર્ગે ખંભાળીયાથી આશરે 45 કિ.મી. દૂર આવેલા ભાટિયા ગામ જશે અને ત્યાં એક રેલીમાં પક્ષના કાર્યકર્તાઓ, સમર્થકોને સંબોધિત કરશે.

ખંભાળીયા તાલુકાના ગામોમાં તેઓ રહેવાસીઓને પણ મળવાના છે અને એમની સમસ્યાઓ સાંભળશે.

બપોરે રાહુલ જામનગર જિલ્લાના ખંભાળીયામાં કિસાનો અને માછીમારોને મળશે.

રાહુલ જામનગર શહેરમાં ચાંદી બજાર ખાતે વેપારીઓને મળવાના છે અને જામનગરમાં જ રાત્રિરોકાણ કરશે.

મંગળવારે તેઓ જામનગર જિલ્લાના ધ્રોલ જશે અને મોરબી જિલ્લાના વાંકાનેર જશે.

મંગળવારે સાંજે રાજકોટમાં તેઓ વેપારીઓને મળશે.

ત્રીજા દિવસે, રાહુલ ચોટિલા જશે અને ત્યાં ચામુંડા માતાનાં મંદિરે દર્શન કરવા જશે અને રાજકોટ જિલ્લાના જસદણમાં પણ જશે. રાજકોટ જિલ્લાના જેતપુર નજીકના કાગવાડ ગામમાં તેઓ કડવા પટેલ સમુદાયના લોકોને મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે. વિધાનસભામાં સૌરાષ્ટ્રના કૃષિસંપન્ન ભાગની 58 બેઠકો ઘણું મહત્વ ધરાવે છે. 2015માં આ વિસ્તારમાં યોજાઈ ગયેલી જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. તે આ વિસ્તારમાં 11 જિલ્લા પંચાયતમાંથી આઠમાં અંકુશ ધરાવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.