અયોધ્યાઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં પાંચ ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે ભૂમિ પૂજન અને શિલાન્યાસને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ ગંભીર છે. લખનઉમાં આજે કોરોના વાયરસની સમીક્ષા બાદ મુખ્યમંત્રી અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચ્યા હતા. કારસેવકપુરમમાં સંતો સાથે પાર્ટી પદાધિકારીઓ અને ટ્રસ્ટના સભ્યોને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પાંચસો વર્ષોના લાંબા સંઘર્ષ અને લાખો બલિદાનો બાદ શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની દિવ્ય ક્ષણો આવી છે. આપણે આ અવસરને વૈશ્વિક ઉત્સવનું રુપ આપવું પડશે. અયોધ્યામાં એક ઓગસ્ટથી જ દિવાળી જેવું દ્રશ્ય દેખાવું જોઈએ. લોકો પોતાના ઘરોમાં અને સંત મહંત પોતાના મંદિરોમાં ઘી ના દિપક પ્રજ્વલિત કરે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ સ્થળ પર ભગવાન રામની પૂજા અને ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીને નવા આસન પર બિરાજિત કરવામાં આવ્યા.