ક્લેશની ચાર અવસ્થા છે…

अविधा क्षेत्रमें रुतबेदार प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ।

‘એમાં અવિદ્યા એ જ બાકીના ચાર ક્લેશોને પેદા કરનારું ક્ષેત્ર છે .એ ક્લેશની ચાર અવસ્થા છે .પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર.’

ઋષિ પતંજલીએ ખૂબ સુંદર વિવરણ કર્યું છે, અવિદ્યામાંથી જ અહંકાર, રાગ, દ્વેષ તથા અભિનિવેશ જન્મ પામે છે. આ ક્લેશો  જુદા જુદા માણસોમાં થોડા અથવા વધારે પ્રમાણમાં અને જુદા જુદા સ્વરૂપમાં રહેલા હોય છે.

અમુક માણસો નાના બાળક જેવા નિર્દોષ હોય છે. ખડખડાટ હસી શકે છે. એમને સારામાં સારી ઊંઘ આવે છે. અને ઊંઘ ક્યારે આવે? જ્યારે મન પર ભાર ન હોય ત્યારે. જીવનની વિટંબણાઓમાં આખો વખત મન પર ભાર લઈને ફરવાની જરૂર નથી, નહીંતર રોગના મૂળ રોપાઈ જશે. અમુક ગુણ અમુક સંસ્કાર દબાઈને અંદર પડેલા હોય છે અમુક સમયે બહાર આવે છે. શાસ્ત્રમાં લખ્યું છે – કે યોગીના પૂર્વના કર્મો વડે બંધાયેલા સંસ્કારો ઘણા ક્ષીણ અવસ્થામાં પડી રહેલા હોય છે.

તેમને યોગી પુરુષાર્થ વડે દબાવી રાખે છે અને પ્રકટ થવા દેતો નથી . વિચ્છિન્ન અવસ્થાનો અર્થ એ છે કે અમુક સંસ્કાર અમુક સમય સુધી બીજા તેમના કરતાં વધારે બળવાન સંસ્કાર વડે દબાઈ રહેલો હોય છે . પણ તેમને દબાવી રાખનાર સંસ્કારોનું બળ ઘટતા જ તેઓ પાછા સતેજ થઇ જાય છે. સંસ્કારની આ છેલ્લી અવસ્થાને ઉદાર એવું નામ આપેલું છે.

दु:खानुशयी द्वेष: ।।

દુઃખના અનુભવ પછી તેની સ્મૃતિ દ્વારા દુઃખ તથા દુઃખના સાધનો પ્રત્યે અંતઃકરણમાં ઉદભવતી ક્રોધરૂપ વૃત્તિને દ્વેષ કહે છે.

સુખ અને દુઃખનું ચક્ર ચાલ્યા જ કરશે. દુઃખ આવી પડે તો દુઃખના ડુંગર નીચે દબાઈ જવાની જરૂર નથી. દુઃખ આવી પડે એટલે હતાશ-નિરાશ થવાની જરૂર નથી. યોગમાં તો એવું કહ્યું છે કે દુઃખ આવી પડે અને રડવું આવે તો રડી લેવાનું. થોડીક ક્ષણો દુઃખ લાગ, પરંતુ હવે આભ તૂટી પડ્યું છે, હવે કશું નહીં થાય, મારી સાથે જ આવું કેમ બને છે? આમાં જ બીજાઓ પ્રત્યે દ્વેષ ઊભો થાય છે. થોડીક મિનિટો દુઃખને પણ અનુભવવું અને પછી વિચારવું કે, ‘What Next?’… એટલે કે આમાંથી બહાર નીકળવા હું શું કરી શકું? આ વિચારસરણી નિયમિત યોગ કરવાથી મળે છે.

सुखानुशयी राग: ।।

સુખ ભોગવ્યા પછી તે સુખમાં અને તેના સાધનોમાં જે આસક્તિ બંધાય તેને રાગ કહે છેઃ સુખના દિવસો – આહ… આપણે જાણે આસમાનમાં છીએ… આપણા જેવું નસીબદાર તો બીજું કોઈ છે જ નહીં, અને આ સુખની ઘડીઓ આવી એનો બધો યશ પોતાના લીધે જ છે એવું માનવા લાગીએ છીએ – એ ખોટું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સુખ-દુઃખને સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ગીતાજીનું દિવ્યજ્ઞાન આપી રહ્યા હતા ત્યારે અર્જુને પૂછ્યું કે, ‘હે કેશવ, દરેક પ્રાણી સુખની ઈચ્છા રાખે છે અને દુઃખની ઈચ્છા તો કોઈ કરતું નથી. એ ક્યારેય દુઃખી થવાની માગણી કરતું નથી, પછી એ રાજા હોય કે રંક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય.’ ત્યારે ભગવાને એને જવાબ આપ્યો, અર્જુન તું સાચું કહે છે, બધા સુખની જ ઈચ્છા કરે છે, પરંતુ સુખની પરિભાષા દરેકને પ્રવૃત્તિ અને રુચિને અનુસાર બદલાય છે. કોઈ સાધુપુરુષને બીજાને મદદરૂપ થઈને સુખ પ્રાપ્ત થાય છે. તો નીચ પ્રવૃત્તિવાળા મનુષ્ય બીજાને દુઃખ આપીને સુખી થાય છે. બીજાને સુખી જોઈને એ દુઃખી થાય છે. એટલે સુખ અને દુઃખની પરિભાષા પોતાની પ્રવૃત્તિ અને રુચિ અનુસાર અલગ અલગ હોય છે. પરંતુ હે અર્જુન, નથી સુખ સ્થાયી કે નથી દુઃખ સ્થાયી. બંને હંમેશાં પરિવર્તનશીલ રહે છે. સુખ અને દુઃખનું કાળચક્ર ચાલ્યા જ કરે છે.

શ્રીમદ્દ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં 32મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને સુખમાં અને દુઃખમાં સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)