મનથી બાંધેલી સાંકળ જાતે કેવી રીતે તોડાય?  

                  “માત્ર સ્વસ્થ થવા નહીં, સુખી થવા યોગ કરો”

યોગ કરવાથી શીખી શકાય કે પોતે બાંધેલી સાકળ કે પોતે બંધ કરેલું તાળું પોતે જ ખોલવું પડે. બીજા શું કરવા આપણા માટે તાળું ખોલે? બીજાને શું રસ હોય? એ આશા, અપેક્ષા રાખવી એ જ ભૂલ ભર્યું કહેવાય, દુઃખને આમંત્રણ આપ્યું કહેવાય. કંઈક વાગ્યું હોય અને એ ઘા સાથે જાતે જ ચેડાં કરીએ તો પીડા થવાની, લોહી નીકળવાનું. એમાં બીજી વ્યક્તિ શું કરી શકે?

આના પરથી એક વાર્તા કહું. 

રોમમાં એક પ્રસિદ્ધ લુહાર હતો. એની બનાવેલી લોખંડની વસ્તુઓ આખી દુનિયામાં વખણાય અને વેચાય. એની બનાવેલી સાંકળ કે તલવાર બીજે જોવા ન મળે એવી બેજોડ હોય. એક વખત રોમ પર હુમલો થયો અને એમાં જે પ્રસિદ્ધ હતા, જેના વેપાર-ધંધા ખૂબ મોટા હતા એવી 30 વ્યક્તિને બંદી બનાવીને બાંધી દેવામાં આવ્યા. આ લોકોને જંગલમાં પહાડની નીચે ધકેલી દેવામાં આવ્યા. બધા નિઃસહાય અને લાચાર થઈ ગયા. આ ત્રીસમાંથી 29 લોકો તો રડવા લાગ્યા કે આ જંગલી જાનવરો આપણને ખાઈ જશે અને આપણે મરી જઈશું.

પણ આમાંનો એક વ્યક્તિ એ લુહાર હતો, જે નહોતો ડર્યો કે નહોતો રડ્યો. બધાને નવાઈ લાગી. લુહારને પૂછ્યું કે ભાઈ, તને ડર નથી લાગતો? કેમ શાંત બેઠો છે? લુહારે ધીમે રહીને કહયું કે, આ સિપાઈઓને જવા દો. હું લુહાર છું. મને સાંકળ ખોલતા આવડે છે. આપણે બધા મુક્ત થઈ જઈશું અને બચી જઈશું. આ સાંભળી બધા ખુશ થઈ ગયા અને શાંત થઇ ગયા.

બધાં ચૂપચાપ બેઠાં હતા. અમુક લોકોને ઊંઘ પણ આવી ગઈ. આમ કરતાં થોડો સમય પસાર થઈ ગયો ને બધાની આંખો ખુલી ત્યારે જોયું તો લુહાર હવે રડતો હતો. નિરાશ દેખાતો હતો. બધાને  નવાઈ લાગી. કારણ પૂછ્યું તો લુહાર કહે કે, મેં ત્યાંથી સાંકળ જોઈ  આમાં મારું નામ છે. આ મારી બનાવેલી સાંકળ છે. અને મારી બનાવેલી વસ્તુ તો બેજોડ હોય છે. આ સાકળ તો હું પોતે પણ ન ખોલી શકું!!!!!! 

તો આ વાત આપણને લાગુ પડે છે. દરેક સંસારીને લાગુ પડે છે. જે સાંકળ આભૂષણોની જેમ પહેરીને ગર્વ લેતા હતા એ  જ્યારે સાંકળ બની આપણને બાંધી દે ખબર નથી પડતી. જે તાળું ભલે સુરક્ષા માટે કે બીજા કોઈ વિચારથી તાળું માર્યું હોય પછી એની ચાવી આપણને જ નથી મળતી.

પરંતુ “where there is will, there is way”. “કોઈ જ વસ્તુ અશક્ય નથી”. આ કહેવત આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ.

ચાલો, હવે એને અમલમાં મૂકીએ. 

તો સૌથી પહેલાં તો એ જાણવુંશોધવું પડશે કે આપણી બાંધેલી સાંકળો કઈ કઈ છે?

દા.ત: 

1) મને વહેલા ઉઠવાનું ન ફાવે. 

2) મને ઠંડા પાણી વીના ન ફાવે. બારેમાસ ઠંડુ પાણી પીવા જોઈએ. 

3) મારી સાથે માથાકૂટ કરવી નહીં. ગુસ્સો કરીશ. 

4) મને ધીમી ગાડી ચલાવવી ન ફાવે. 

5) મને ઘરનાં કામ ન ગમે. 

6) મારાથી રાત્રે જાગીને ન ભણાય, ઊંઘ આવી જાય. 

7) મેં જે ક્યારેય કર્યું જ નથી તે મારાથી ન થાય 

8) મને આ જ રંગ પસંદ છે. 

9) મને અંગ્રેજી બોલતા ન આવડે. 

10) મારું વજન ક્યારેય ઉતારવાનું જ નથી.

11) મારા ઢીંચણ ગયા. હવે નહીં મટે. 

12) હું આ પરીક્ષા પાસ નહીં કરી શકું.

13) મારાથી યોગ ન થાય. 

14) મારાથી શીર્ષાસન ન થાય. 

15) મારાથી આંખ બંધ નથી રખાતી વગેરે વગેરે…

 

આ બધું શું છે? તમારી પોતે બાંધેલી સાંકળો છે, જેમાં તમે બંધાઈ ગયા છો. એમાંથી બહાર નીકળવું ખૂબ સહેલું છે, પણ શું ખરેખર બહાર નીકળવું છે ખરું? કે ફરિયાદ કર્યા કરવી છે? જો આ બધામાંથી બહાર નીકળવું હોય તો રોજ નિયમિત સાતત્યતા જાળવીને યોગ કરો.

આમાં યોગ કેવી રીતે કામ કરે એ સમજાવું. 

સૌથી પહેલાં મનોબળ મજબૂત થાય એના માટે આસનો કરો. આસનમાં 10 સેકન્ડ રોકાઇ શકો એવું તમને લાગે તો ખેંચીને 20  સેકન્ડ રોકાવ. આ આસનના ફાયદા મળશે. સાથે તમે મનથી નક્કી કર્યુ કે ભલે પગ ધ્રુજે પણ મારે વીરભદ્રાસનમાં 20 સેકન્ડ રોકાવું જ છે, મનને મજબૂત કર્યું.

બસ, અહીંથી જ તમારી સાંકળ તૂટવાની શરુ થઈ ગઈ. જે કયારેય નથી કર્યું એવું કરવા તમે જઈ રહ્યા છો. જો આ આસનમાં મન કેળવ્યું તો રોજબરોજની ટેવો પર પણ આ જ અપનાવો. ભલે તમે ક્યારેય રસોઈ બનાવી નથી પણ રસોઈ બનાવવાની ઈચ્છા થાય તો રાહ કોની જુઓ છો? ઝંપલાવી દો. 

મનોબળ મજબૂત કરે એવા ઘણાં આસનો છે. જેમ કે વિરભદ્રાસન 1, વિરભદ્રાસન 2, વિરભદ્રાસન 3, આયંગર યોગમાં સાથે રોપ ભુજંગાસન, રોપ સાથે અધોમુખશ્વાનાસન, લાકડી સાથે ખભા પાછળ રાખીને કરવાના આસનો વગેરે…

યોગથી મન કેળવાય છે. આસનથી નાના-નાન સંકલ્પ લઈ મનોબળ મજબૂત કરાય છે. પ્રાણાયામથી, શ્વાસની જૂદી જૂદી ક્રિયાથી નકારાત્મક ભાવ દૂર કરી શકાય છે. વિચારોના વંટોળને દૂર કરી શકાય છે. કાયમ રઘવાયા કે મૂંઝાયેલા રહેતા હોવ તો પ્રાણાયામથી એ મૂંઝવણો દૂર કરી શકાય છે.

કયા પ્રાણાયામ કરવા? 

  • ઊંડા શ્વાસ કુંભક સાથે શ્વાસ લેવો પછી હાથથી નાક બંધ કરવું અને શ્વાસને રોકવો. પછી સેકન્ડ ગણવી. જો શ્વાસ છોડવો પડે તો બીજીવાર શ્વાસ લેતી વખતે પહેલા કરતા વધારે સેકન્ડ સુધી શ્વાસને રોકવાનો પ્રયત્ન કરવો. બસ, આમ કરતાં કરતાં મનોબળ મજબૂત થશે અને જીવનમાં તમે ધાર્યા કામ કરી શકશો. 
  • ધ્યાનમાં બેસવું. રોજ ઓછામાં ઓછી 10 મિનિટ. ધ્યાનમાં શું કરવાનું એના માટે આવતા લેખમાં વિસ્તુત વાતો કરીશું.

ધ્યાન એ એક પ્રકારનો નશો છે. જો આદત પડી જાય તો તમે એ નશો રોજ કરશો. જે તમારી સાંકળ તોડવામાં મદદરૂપ થશે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]