‘દુર્ભાગ્યપૂર્ણ વાત છે ઇન્ડિયા ગઠબંધનની કોઈ બેઠક થઈ રહી નથી’: ઓમર અબ્દુલ્લા

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદોના સમાચાર સામે આવી રહ્યા છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ પછી હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈન્ડિયા ગઠબંધનના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, “દુર્ભાગ્યપૂર્ણ છે કે ઈન્ડિયા બ્લોકની કોઈ બેઠક થઈ રહી નથી. તેનો નેતા કોણ હશે? શું એજન્ડા હશે? ગઠબંધન કેવી રીતે આગળ વધશે? આ અંગે કોઈ ચર્ચા નથી. અમે એક રહીશું કે નહીં તે અંગે હવે કોઈ સ્પષ્ટતા નથી.”ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, “દિલ્હી ચૂંટણી પછી ગઠબંધનની બેઠક યોજાવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ. જો ગઠબંધન ફક્ત લોકસભા સુધી જ હતું, તો ઇન્ડિયા ગઠબંધન બંધ કરી દો. પરંતુ જો આપણે તેને વિધાનસભામાં રાખવા માંગતા હોઈએ, તો ગઠબંધને સાથે મળીને કામ કરવું જોઈએ.”

અગાઉ, ઇન્ડિયા બ્લોકના વિભાજનના પ્રશ્ન પર, બિહારના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના લોકસભા માટે છે તે પહેલાંથી જ નક્કી હતું. જો આપણે બિહારની વાત કરીએ તો, અહીં અમે શરૂઆતથી જ સાથે હતા.

અખિલેશ યાદવે પણ આપ્યું હતું નિવેદન

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે અગાઉ કહ્યું હતું કે અમે દિલ્હીમાં આપના નેતાઓ સાથે ભેદભાવ જોયો છે. હું અરવિંદ કેજરીવાલજીને અભિનંદન આપું છું કે આ બધા છતાં, તેમની હિંમત ઓછી થઈ નથી. મને પૂરો વિશ્વાસ છે કે માતાઓ અને બહેનો દિલ્હીના દીકરાને ફરીથી સત્તામાં આવવાની તક આપશે.

તે જ સમયે, વિપક્ષી ગઠબંધનનો ભાગ રહેલી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસ દિલ્હીમાં પણ ચૂંટણી લડી રહી છે, પરંતુ એવું લાગે છે કે TMCને રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપ સામે આ જૂની પાર્ટી કોઈ પડકાર ઉભો કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.