નવી દિલ્હીઃ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારત-ન્યુ ઝીલેન્ડની વચ્ચે ફાઇનલ મેચ શરૂ થવામાં હવે ત્રણ દિવસ બચ્ચા છે, ત્યારે ન્યુ ઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં છે. ન્યુ ઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન અને બીજે વાટલિંગ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે. હવે સવાલ એ છે કે ફાઇનલ મેચમાં આ બંને ક્રિકેટરો રમશે કે નહીં? એના પર ટોમ લોથમે જવાબ આપ્યો હતો. ન્યુ ઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમે કહ્યું હતું કે કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટ્સમેન વીજે વાટલિંગ ઇજાગ્રસ્ત છે, પણ તેઓ ઇજામાંથી બહાર આવી રહ્યા છે. જોકે તેમને ખાતરી છે કે આ બંને ક્રિકેટરો 18 જૂનથી ભારતની સાથે થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં રમવા માટે ફિટ થઈ જશે. આ બંને ક્રિકેટરો ઇજાને કારણે ઇંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં ટીમનો હિસ્સો નહોતા. વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લાથમે ટીમનું સુકાન સંભાળ્યું હતું.
ટોમ લાથમે કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તેઓ એક-બે દિવસમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે, તેથી તેઓ ફિટ થઈ શકે. જેથી મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. અમારી ટીમ સંપૂર્ણપણે ફિટ ટીમ હશે. ન્યુ ઝીલેન્ડે રવિવારે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં આઠ વિકેટથી હરાવીને 1999 પછી સૌપ્રથમ વાર ઇંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટ સિરીઝ જીતી છે.