વિસાવદરઃ દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ ૧૯૯૫માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં વિસાવદરની બેઠક ફરી એક વાર ચર્ચામાં આવી છે.
વિસાવદરથી જીતી કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા
ભાજપે ૧૯૯૫માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રીપદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૮માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ ૨૦૦૧માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ( જીપીપી). વર્ષ ૨૦૧૨માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી.
વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું ?
૧૯૯૫ કેશુભાઈ પટેલ ( ભાજપ ) ૧૯૯૮ કેશુભાઈ પટેલ ( ભાજપ ) ૨૦૦૨ કનુભાઈ ભાલાળા ( ભાજપ ) ૨૦૦૭ કનુભાઈ ભાલાળા ( ભાજપ ) ૨૦૧૨ કેશુભાઈ પટેલ ( જીપીપી ) ૨૦૧૪ હર્ષદ રિબડીયા ( કોંગ્રેસ ) ૨૦૧૭ હર્ષદ રિબડીયા ( કોંગ્રેસ ) ૨૦૨૨ ભૂપત ભાયાણી ( આપ ) |
કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડ્યો
વર્ષ ૨૦૧૨ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની જે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાનિક આગેવાન હર્ષદ રિબડિયાને બદલે અન્યને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઇ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ ( જીપીપી ) ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદ રિબડિયા લેઉવા પટેલના એક નેતા તરીકે ઊપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયાં. પૂર્વ ધારાસભ્ય રિબડિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે “હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોઉં હોદો હોય કે નહીં, પણ હમેંશાં ખેડૂતોના મુદે લડતો આવ્યો છે મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હાલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે“
કેશુભાઈના પુત્ર ભરત પટેલ હાર્યા
એક દાયકા બાદ ફરી લોકસભા સાથે પેટાચૂંટણી આવશે
(દેવેન્દ્ર જાની – રાજકોટ)