કોને મળશે ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ? આ 4 સ્ટાર ખેલાડીઓ શોર્ટલિસ્ટમાં શામિલ!

સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે ચાર ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ 4 ખેલાડીઓમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. જસપ્રિત બુમરાહ ઉપરાંત ઈંગ્લેન્ડના હેરી બ્રુક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે આ ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. જો કે, એ જોવાનું રસપ્રદ રહેશે કે કયા ખેલાડીને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવે છે?

બુમરાહને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળશે?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. જસપ્રીત બુમરાહે ભારતીય ટીમની વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જસપ્રીત બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લીધી હતી. ટેસ્ટ ફોર્મેટ સિવાય જસપ્રીત બુમરાહે ODI અને T20 ફોર્મેટમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. જો કે, હવે આ દિગ્ગજ ઝડપી બોલરને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ પહેલા જસપ્રીત બુમરાહને ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. આ રીતે જસપ્રીત બુમરાહને ICCના બે મોટા પુરસ્કારોથી નવાજવામાં આવી શકે છે.

જસપ્રીત બુમરાહની ટેસ્ટ કરિયર 

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અત્યાર સુધી જસપ્રીત બુમરાહે 4 મેચમાં 12.83ની એવરેજથી 30 બેટ્સમેનોને આઉટ કર્યા છે. હાલમાં જસપ્રીત બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોપ પર છે. જ્યારે જસપ્રીત બુમરાહના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો અત્યાર સુધી તેણે 44 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં જસપ્રીત બુમરાહે 2.76ની ઈકોનોમી અને 19.43ની એવરેજ સાથે 203 બેટ્સમેનોને પોતાનો આઉટ કર્યા છે.