કેરળ: વાયનાડમાં ભૂસ્ખલનના કારણે થયેલા વિનાશથી કાળજું કંપાવી દેનારા દૃશ્યો સર્જ્યા છે. આ આફતના સમયે રિલાયન્સ ફાઉન્ડેશને, વાયનાડના લોકોને મદદ પૂરી પાડવા અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. રાહત કેમ્પમાં રહેતાં અસરગ્રસ્તોને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે તાત્કાલિક રાહત પૂરી પાડી રહી છે. આ પહેલાં પણ દેશમાં આવેલાં મહાવિનાશક પૂર અને કોવિડ-19 મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને કેરળ રાજ્ય માટે રાહત કામગીરી હાથ ધરી હતી અને તે પછીની સહાય પણ પૂરી પાડી છે.
કેરળની હોનારત અંગે શોક પ્રગટ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, “અમે વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા ભારે નુકસાન તેમજ લોકોની વેદનાથી વ્યથિત છીએ. આ અત્યંત દુઃખની પળોમાં અમારું હૃદય દરેક અસરગ્રસ્ત વ્યક્તિ અને પરિવારની સાથે છે. ઘટનાસ્થળે અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જિલ્લાના લોકો માટે તાત્કાલિક રાહત, પુનઃવસન અને લાંબાગાળાની જરૂરિયાતોને પૂરી કરવા ખડેપગે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે કેરળના લોકોની પડખે છીએ.”