મધ્ય પ્રદેશ: દતિયા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં 9 લોકો દટાયા હતા. જેમાં 7ના મૃત્યુ થયા હતા. જ્યારે 2 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. લોકોએ આ અકસ્માતને લઈને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓનું કહેવું છે કે, ‘માહિતી મળ્યા બાદ પણ વહીવટીતંત્ર 4 કલાક સુધી બચાવ કામગીરી કરી શક્યું નથી.’દતિયા જિલ્લામાં 10મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે 12મી સપ્ટેમ્બરે ખલકાપુરા વિસ્તારમાં રાજગઢ કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલનો કાટમાળ કાચા મકાનો અને તેની નીચે બનેલા ઝૂંપડાઓ પર પડ્યો હતો. નિરંજન વંશકર અને તેમની બહેનના પરિવારના નવ સભ્યો કાટમાળ નીચે દટાયા હતા. નજીકમાં હાજર લોકોએ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું.