CEE ખાતે WAAH સાયન્સ લોરિએટ્સ એવોર્ડ્સ-2024નું આયોજન

અમદાવાદ: વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને We are all Humen (WAAH) ફાઉન્ડેશને વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને સામાજિક લાભો માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સહયોગ કર્યો છે. આ ભાગીદારી હેઠળ, બે મુખ્ય પહેલ હાથ ધરવામાં આવી છે – શાળા-સ્તરના WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ (STEM લેબ્સ), અને WAAH સાયન્સ લૉરિએટ્સ એવોર્ડ્સ જેનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ અને વૈજ્ઞાનિક સમુદાયોને તેમના નવીન કાર્ય માટે પ્રોત્સાહિત કરવાનો છે.

વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અને WAAH ફાઉન્ડેશનના સહયોગથી WAAH સાયન્સ લૉરિએટ્સ એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવેલ છે. આ સમારોહ 3 જાન્યુઆરી, 2025ના રોજ સાંજે 4:00 થી 5:30 કલાક દરમિયાન CEE ઑડિટોરિયમ, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં ડૉ. અનિલ ભારદ્વાજ (વિશિષ્ટ પ્રોફેસર અને સંચાલક, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી), કાર્તિકેય સારાભાઈ (પદ્મશ્રી, સ્થાપક-સંચાલક, CEE), ડૉ. પંકજ જોશી (વિશિષ્ટ પ્રોફેસર અને સ્થાપક-સંચાલક, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજી, અમદાવાદ યુનિવર્સિટી) અને પ્રફુલ અમીન (પ્રેસિડેન્ટ, WAAH ફાઉન્ડેશન) જેવા મહાનુભાવો, મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.

આ વર્ષે ત્રણ શ્રેણીઓમાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે – સિનિયર લૉરિએટ (ઉંમર 25 વર્ષ અથવા વધુ), યંગ લૉરિએટ (ઉંમર 19 થી 24 વર્ષ), જુનિયર લૉરિએટ (ઉંમર 14 થી 18 વર્ષ). વિજેતાઓ અને તેમના માર્ગદર્શકોને પ્રશિસ્ત-પત્ર, ટ્રોફી અને કુલ રૂ. 6 લાખની સ્કોલરશીપ ઇનામ તરીકે આપવામાં આવશે.