આ શક્તિપીઠમાં શિયાળે રસ રોટલીના પ્રસાદની પ્રથા

અમદાવાદ: માગસર સુદ બીજના દિવસે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને રસ રોટલી ધરાવવાની પરંપરા છે. શિયાળાની શરૂઆતે જ કેરીનો રસ એ આશ્રર્ય પમાડે એવી વાત છે. પરંતુ બહુચરાજીના પરમ ભક્તો આ દિવસે કેરીના રસની વ્યવસ્થા કરી હજારો લોકોને પ્રસાદરૂપે રસ રોટલી જમાડે છે. બહુચરાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ પાસે લોકો એ શિયાળે રસ રોટલીના જમણની માંગણી કરી હતી. શક્તિપીઠ બહુચરાજીની કૃપાથી વલ્લભ ભટ્ટ સૌને રસ રોટલી જમાડી શક્યા. આવી હજારો ચમત્કારી શક્તિઓ આ યાત્રાધામમાં છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર નામે ગામ છે. એના નામ પરથી આ તીર્થસ્થળનું તથા દેવીનું નામ બહુચરાજી પડ્યું હોવાનું કહેવાય છે. આશરે 3.6 મીટર લંબાઈ અને 3.3 મીટર પહોળાઈ ધરાવતું એક મંદિર અહીં વરખડીના ઝાડ નીચે ચોતરા પર એક ગોખ રૂપે હતું. વળી આશરે 6 મીટર લાંબું અને 5 મીટર પહોળું માતાજીનું આદ્યસ્થાનક અહીંથી બે-ત્રણ કિમી. અંતરે શંખલપુરમાં શંખલરાજે ઈ. સ. 1152 બંધાવેલું. આ મંદિર બે ઘુમ્મટ અને એક શિખરવાળું છે. મંદિરનાં પગથિયાં ચડતાં જ ઉત્તર-દક્ષિણ બંને તરફ જવા-આવવાના માર્ગવાળો સભામંડપ છે. અંદર તરફ બીજો એક નાનો સભામંડપ છે. ત્યાંથી માતાજીના મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ, નિજમંદિરમાં જઈ શકાય છે. અહીં આશરે દોઢેક મીટર ઊંચા આસને માતાજી બિરાજે છે. નિજ મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા ‘શ્રી બાલાયંત્ર’ની પૂજા થાય છે. યંત્ર નિરાકાર હોઈ મૂર્તિપૂજકો અને મૂર્તિમાં નહિ માનનાર બંને પ્રકારના લોકો માટે પૂજનીય ગણાય છે. બાલાયંત્રની બંને બાજુ અખંડ દીપજ્યોત પ્રગટેલી રહે છે.દેવાલયની સામે પૂર્વ દિશામાં પવિત્ર યજ્ઞમંડપ (અગ્નિકુંડ) આવેલો છે. એક બાજુ બે માળની અષ્ટકોણીય ભવ્ય દીપમાળ છે. જ્યારે ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર, મધ્યસ્થાને ગણપતિજી, નારસિંગજી, હનુમાનજી, મહાદેવજી તથા વલ્લભ ભટ્ટના ધામમાં શ્રીજીની પાદુકા બિરાજે છે. પશ્ચિમ તરફના દરવાજા આગળ પ્રાચીન બાંધણીનો માનસરોવર કુંડ આવેલો છે. શંખલપુર ખાતેનું મા બહુચરનું આદ્યસ્થાન ‘ટોડા માતાજી’ નામથી લોકજીભે વસેલું છે. મંદિર ફરતા કોટને ત્રણ દરવાજા અને ચાર બુરજ છે. મુખ્ય દરવાજો દક્ષિણ બાજુએ આવેલો છે. મંદિર લગભગ 30 મીટર લાંબું, 15 મીટર પહોળું અને 32 મીટર ઊંચાઈવાળું, બે મજલાનું છે.મુખ્ય મંદિરની સન્મુખ પૂર્વ દિશામાં માના પરમ ભક્ત વલ્લભ ધોળાનું નિવાસસ્થાન આવેલું છે. અહીંથી નિજમંદિરની અખંડ જ્યોતનાં દર્શન થઈ શકે છે. ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલ સોલંકીની બાબરી (ચૌલક્રિયા) તે પછી અહીં ઉતરાવી હતી. આજે પણ આ ઇતિહાસને અનુસરીને હજારો ભાવિકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવવા આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે અહીં 15,000 જેટલી બાબરી ઊતરે છે. અહીં ચૈત્ર સુદ તેરશથી પૂનમ સુધી દર વર્ષે મોટો મેળો ભરાય છે.અમદાવાદથી બહુચરાજીનું અંતર 110 કિમી. છે. મહેસાણાથી 40 કિમી. અને વિરમગામથી 47 કિમી. દૂર તે આવેલું છે. રાજ્યપરિવહન નિગમની બસો નિયમિત રીતે આ યાત્રાધામના પ્રવાસીઓની અવર-જવરની સવલતોને સાચવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)