।। प्रच्छर्दन विर्धारणाम्यां वा प्राणस्य ।।
શ્વાસ? જે આપણે ક્યારે લઈએ છીએ ને ક્યારે બહાર કાઢીએ છીએ એના તરફ ધ્યાન જ નથી હોતું. શ્વાસ એની આપોઆપ ચાલે છે અને આપણે આપણા કામમાં, ચિંતાઓ અને જવાબદારીઓમાં અટવાયેલા હોઈએ છીએ. તમે કદાચ જોયું હશે અને અનુભવ્યું હશે આપણે બહુ બધા કામ પતાવીને આરામથી બેસીએ છીએ ત્યારે કેવો સરસ ઊંડો શ્વાસ લઈએ છીએ. હાશ બધું પતી ગયું. બસ, એ હાશ છે ને તે જ ઊંડો સંતોષ સાથેનો શ્વાસ છે.
યોગમાં એવું કહ્યું છે કે તમે બહુ કામમાં વ્યગ્ર હો, બહુ બધા કામ પતાવવાના હોય, લિસ્ટ લાંબું હોય, ત્યારે આપોઆપ શ્વાસ ટૂંકા થઈ જાય. ટૂંકા શ્વાસના લયને જો તોડવો હોય તો વચ્ચે એક ઊંડો શ્વાસ લઈને અથવા જે શ્વાસ લઈએ છીએ (પૂરક) એના કરતા શ્વાસ જે બહાર નીકળે છે (રેચક) તે વધારી દેવાનો એટલે કે 5 કાઉન્ટ શ્વાસ લેતા હોઈએ તો 8/10 કાઉન્ટ શ્વાસ બહાર કાઢવાનો એટલે આપોઆપ શ્વાસનો લય તૂટશે અને એની સીધી અસર મન પર થશે. જે ચિંતા, બહુ બધા કામની મૂંઝવણ હતી તે ઓછી થવા માંડશે. સંજોગો કે પરિસ્થિતિ નથી બદલાતી, પરંતુ એ સંજોગોને જોવાનો અભિગમ બદલાઈ જાય છે. પચીસ કામ એક દિવસમાં કરવાના હતા ને ચિંતા થતી હતી તે આ રીતે શ્વાસની ક્રિયા કરવાથી મન એવું વિચારે છે કે, OK ચાલો આટલા કામ છે એમાં કયા કામ પહેલા કરું, કયા કામ પછી કરું. કામની PRIORITY નક્કી થઈ જાયતો ચિંતા ઓછી થઇ જાય છે. વિચારોને MANAGE કરતા આવડી જાય છે. એટલે શ્વાસ લય બદલાયો અને ચિંતા વિના, ANXIETY વગર, કોઇપણ જાતનો STRESS લીધા વગર જીવન જીવીએ.
હવે વાત આવે છે કુંભકની, શ્વાસ લીધા પછી રોકીએ અને શ્વાસ બહાર કાઢ્યા પછી રોકીએ એનો શું ફાયદો છે એ સમજી લઈએ.
શ્વાસને બહાર કાઢવા અને તેને રોકવાની પ્રક્રિયાથી પણ ચિત્ત સ્થિર થાય છે. અહીં ઋષિ પતંજલિ મહામુનિ ચિત્ત સ્થિર કરવાનો બીજો ઉપાય સાધકને બતાવે છે. શ્વાસોશ્વાસ દરમિયાન પ્રાણવાયુની ચેતના શક્તિને પ્રાણ કહે છે.
પ્રાણવાયુ : હવા એ પ્રાણ નથી, પરંતુ હવામાં વ્યાપ્ત ચેતના એ પ્રાણ છે. પ્રાણ લેવાનો કોઈ ખર્ચ નથી. પ્રાણ આપણને મફતમાં મળે છે અને એટલે એની કિંમત નથી. જે વસ્તુ બહુ જ સહજ રીતે પ્રાપ્ત થાય તેની કદર નથી. વિચારો, અત્યારે જો હવામાં પ્રાણ તત્વ જ હાજર ના હોય તો શું થાય? બધાને ઓક્સિજનનો બાટલો જોડે લઈને ફરવું પડે. અત્યારે જેમ માસ્ક પહેરીએ છીએ એમ માસ્ક મોઢે અને પર્સની જેમ ઓક્સિજનનો બાટલો સાથે લઈને ફરવું પડેત.
વિચારી જુઓ તમે મિટીંગમાં ગયા હો, લગ્નમાં ગયા હો ત્યાં ઓક્સિજન કાઉન્ટર રાખવા પડે તો? પેટ્રોલ પંપની જેમ OXYGEN REFILE STATION ખોલવા પડશે. જીવન કેટલું તકલીફવાળુ બની જશે!! તમે ફ્લાઈટ કે ટ્રેનમાં જાવ તો ત્યાં પણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. ઓક્સિજન ખલાસ થાય તો શું? જે રીતે આપણી લાઈફસ્ટાઈલ થઈ રહી છે કે આપણને કોઈ જવાબદારી જ નથી, પ્રદૂષણ ફેલાવીએ છીએ, કચરો જ્યાં-ત્યાં નાખીએ છીએ તો આ પરિસ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. માટે ખાસ ધ્યાન આપો તમારા શ્વાસ પર.
જે શ્વાસ આપણે લઈએ તેના પર ધ્યાન આપીએ. અને વધારે નહીં તો રોજ 15 મિનીટ બરાબર શ્વાસની ક્રિયા કરી લઈએ. જેનાથી તમે આખો દિવસ સ્ફૂર્તિમાં અને ચિંતામુક્ત થઈને પૂરો કરી શકશો.
શ્વાસ રોકવાથી શું ફાયદો થાય છે તે સમજી લઈએ. શ્વાસ રોકવાથી મગજમાં રહેલ શ્વસન કેન્દ્ર સક્રિય થાય છે. કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો કરે છે. જેનાથી ઓક્સિજનનું વધુ ગ્રહણ થઈ શકે છે. ઓક્સિજન આરોગ્ય અને સાહતામાં વધારો કરે છે. રુધિરાભિસરણ તંત્ર પર તાણ ઘટાડે છે. એટલે RESPIRATORY SYSTEM એનું કામ કોઇ તાણ વિના કરી શકે છે. જેના કારણે આપણને શ્વાસ ભરાઈ જાય કે શ્વાસ ચડી જાય એવું થવાનું બંધ થાય છે. માટે શ્વાસ લઈને રોકો અને દિવસે દિવસે સમય વધારવાનો. અને શ્વાસ બહાર કાઢ્યા પછી અટકી જવાનું.
બાહ્ય કુંભક એ પણ ગજબની વસ્તુ છે. એક ઉદાહરણ કહું કે તમે બગીચામાં cube થી પાણી છાંટો છો. પાણી ટ્યુબ માંથી ધીમું ધીમું આવે છે તો તમે પાઈપને વાળો એટલે પાણી આવતું સાવ બંધ થઇ જશે. નળ ચાલુ છે. નળમાંથી પાણી ચાલુ છે. પરંતુ તમે પાઇપ વાળી છે એટલે પાણી નથી આવતું અને એ તમે 5-10 સેકન્ડ સુધી બંધ રાખો અને પછી પાઇપ સીધી કરો. કેવું ધોધમાર પાણી આવે છે! પાઇપમાં કચરો ભરાયો હોય લીલ બાઝી ગઈ હોય એ બધું સાફ કરતાં-કરતાં પાણી બહાર આવે. બસ, એ જ પ્રક્રિયા બાહ્ય કુંભક સાથે થાય છે.
શ્વાસ વધારે બહાર કાઢ્યા પછી રોકોને પછી શ્વાસ લેવાનું શરૂ કરો તો વધારે ઊંડો શ્વાસ લેવાય. શરીરની અંદરથી પ્રાણની માંગ ઊભી થવા દો, માંગ ઊભી થાય અને એ શ્વાસનો પુરવઠો પૂરો પાડીએ તો એનો પૂરેપૂરો ફાયદો મળે.
(હેતલ દેસાઇ)
(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)