નવી દિલ્હી: વક્ફ સુધારા બિલ 2025 ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું. બિલની તરફેણમાં 128 વોટ જ્યારે વિરોધમાં 95 સભ્યોએ વોટિંગ કર્યું હતું. વક્ફ સુધારા બિલ કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે. આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતાં જ વક્ફ કાયદો બની જશે.આ બિલ ગુરુવારે રાજ્યસભામાં પણ મોડી રાતે પસાર થઈ ગયું હતું. લોકસભામાં લગભગ 14 કલાક લાંબી ચર્ચા પછી આ બિલ પસાર થઈ ગયું હતું. એ જ રીતે રાજ્યસભામાં ગુરુવારે આ બિલ પર મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી હતી. વિપક્ષે આ બિલના સુધારાને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો.
બજેટ સત્ર શુક્રવારે પૂરું થવાનું છે ત્યારે તેના આગલા દિવસે ગુરુવારે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વક્ફ સુધારા બિલ બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલા બિલને જે.પી.સી. પાસે મોકલાયું હતું. વક્ફ અંગે જે.પી.સી.એ જેટલું કામ કર્યું, તેટલું કામ કોઈ પણ કમિટિએ કર્યું નથી. આ બિલમાં જે ફેરફારો થયા છે તે પારદર્શિતા, જવાબદારી અને એક્યુરસીને ધ્યાનમાં રાખી કરાયા છે. અમે કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોંચાડવા માગતા નથી. વક્ફ કોઈની સંપત્તિ પર સીધો કબજો નહીં કરી શકે. સંપત્તિના દાવા માટે દસ્તાવેજ જરૂરી છે. સંપત્તિનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર નહીં કરી શકાય. અમે આ બિલમાં રાઈટ ટુ અપીલની પણ જોગવાઈ રાખી છે. ટ્રિબ્યુનલનો પાંચ વર્ષનો સમય નિશ્ચિત કરાયો છે. આ બિલ કરોડો મુસ્લિમોના હિતમાં છે.જો કે, ઈન્ડિયા બ્લોક હેઠળ કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકે, આપ, શિવસેના (યુબીટી), સમાજવાદી પક્ષ, આર.જે.ડી. અને ડાબેરી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે આ બિલ મારફત મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ સૈયદ નાસીર હુસૈને ભાજપ પર પોતાની વોટ બેન્ક માટે દેશમાં કોમી તંગદિલી ઊભી કરવાનો અને ધૂ્રવીકરણનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો.
રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું કે, આ બિલ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઊભા કરે છે. આ બિલ મુસ્લિમોને મુખ્યપ્રવાહથી અલગ કરવાના રાજકારણ સમાન છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ બિલ લઘુમતીઓને પરેશાન કરવા માટે લવાયું છે. ભાજપ પસમાંદા મુસ્લિમો અને મહિલાઓની વાત કરે છે. પરંતુ મુસ્લિમોની પાંચ સ્કીમો બંધ કરી દીધી. 1995નો કાયદો સર્વસંમતિથી સ્વીકારાયો હતો. આજે એ જ લોકો કહે છે કે તે બરાબર નથી. વક્ફ બોર્ડની પ્રોપર્ટીની લેન્ડ બેન્ક બનાવીને ઉદ્યોગપતિઓને આપશો કે કોને તે ખબર નથી. ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ બૃજલાલે બેટ દ્વારકા પર વક્ફના દાવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકાર હોત તો ભગવાન કૃષ્ણની આ તીર્થનગરી વક્ફની થઈ ગઈ હોત. 2017માં એક મૌલાનાએ બદ્રીનાથ મંદિર પર પણ દાવો કરતા કહ્યું કે આ બદરુદ્દીન શાહ છે. સરકાર અમને તે નહીં આપે તો અમે તેના પર કબજો કરી લઈશું. બૃજલાલે ઈનેમી પ્રોપર્ટી પર વક્ફના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.કોંગ્રેસ સહિત વિપક્ષને જવાબ આપતા ભાજપ નેતા જે. પી. નડ્ડાએ કહ્યું કે, મને આશા છે કે બધા ‘ઉમ્મીદ’નું સમર્થન કરશે. આ બિલનો આશય સુધારા લાવીને વક્ફ સંપત્તિઓનું સંચાલન સુવ્યવસ્થિત કરવાનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર લોકતાંત્રિક મૂલ્યોને અનુરૂપ આગળ વધે છે. વક્ફ સંપત્તિમાં ગડબડની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ. તેમણે વક્ફ અંગે મુસ્લિમ દેશોમાં થયેલા સુધારા પણ ગણાવ્યા હતા. હકીકતમાં કોંગ્રેસે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખ્યા હતા. વક્ફ બોર્ડ કોઈપણ દસ્તાવેજો વિના કોઈ પણ સંપત્તિ પર ક્લેમ કરી દેતા હતા. અમે તે બધુ બંધ કરી દીધું છે.
