2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત આ બેઠક પરથી લડ્યા હોવાથી વડોદરા બેઠકનું મહત્વ આગવું છે. આ બેઠક ભાજપના નિશ્ચિત જીત ધરાવતી બેઠકોમાંની એક મનાય છે. છેલ્લી 7 ટર્મથી બેઠક ભાજપના કબ્જામાં છે.
2014માં ભાજપે આ બેઠક પર નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી એ પહેલાં કૉંગ્રેસે ઉમેદવાર તરીકે શહેર કૉંગ્રેસના યુવા અગ્રણી નરેન્દ્ર રાવતનું નામ જાહેર કરી દીધું હતું, પણ નરેન્દ્ર મોદીની ઉમેદવારી ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે છેલ્લી ઘડીએ મધુસૂદન મિસ્ત્રીને નરેન્દ્રભાઈ સામે લડવા મોકલ્યા હતા. મધુસૂદન મિસ્ત્રી પ્રચાર કરતી વખતે નરેન્દ્ર મોદીના પોસ્ટર ઊતારવા શહેરના થાંભલે ચઢ્યા હતા એ ઘટના બહુ ચર્ચાઈ હતી. જોકે છેવટે નરેન્દ્ર મોદી અહીંથી દિગ્વિજયી બનીને નીકળ્યા હતા અને 5,70,000 કરતાં પણ વધારે મતોની વિક્રમી સરસાઈથી જીત્યા હતા.
એ પછી નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક જાળવીને આ બેઠક ખાલી કરતા યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનાં રંજનબહેન ભટ્ટ સામે કૉંગ્રેસે ફરી નરેન્દ્ર રાવતને ટિકિટ આપી હતી, પણ ભાજપનું પ્રભુત્વ બેઠક પર યથાવત રહ્યું હતું ને રંજનબહેન સવા ત્રણ લાખ મતોથી વિજયી બન્યાં હતાં.
ભૂતકાળમાં કૉંગ્રેસના સત્યજીત ગાયકવાડ ભાજપના જીતેન્દ્ર સુખડિયા સામે ફક્ત 17 મતથી જીત્યા હતા. આ વખતે ભાજપે સિટિંગ સાંસદ રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી છે તો સામે કૉંગ્રેસે યુવા ઉમેદવાર પ્રશાંત પટેલ પર ભરોસો મૂક્યો છે. અહીં કુલ 17,77,585 મતદારોમાંથી 3,94,903 ઓ.બી.સી. છે. આ ઉપરાંત 2.34,066 એસ.ટી., 1,12,316 દલિત અને 1,64,961 પટેલ મતદારો પણ અહીં છે.
વડોદરા લોકસભા મતવિસ્તારમાં સાવલી, વાઘોડિયા, વડોદરા સિટી, સયાજીગુંજ, અકોટા, રાવપુરા અને મંજલપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જે તમામ ભાજપ પાસે છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રમાણે કૉંગ્રેસ આ બેઠક પર 3 લાખ 66 હજાર જેટલા મતોથી પાછળ છે. શહેરી વિસ્તાર હોવાથી અને ભાજપના મજબૂત સંગઠન સામે કૉંગ્રેસ પ્રમાણમાં નબળી હોવાથી આ બેઠક પર ભાજપ અત્યારથી જ સરસાઈ ધરાવે છે.
આ બેઠક પર કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે.