ટ્રેઈન આવવાને હજી ત્રીસેક મિનિટની વાર હતી. માયા પોતાનો સામાન બાજુ પર મૂકી વેઇટિંગ રૂમની એક ખુરશી પર બેઠી. રેલવે સ્ટેશન પર વધારે અવરજવર નહોતી. રાતની ટ્રેઈન માયાને વધારે ફાવતી. આખી રાત ઊંઘતા જવાનું અને સવાર થાય ત્યાં અમદાવાદ આવી જાય. માયાએ પર્સમાંથી ટેબ્લેટ કાઢ્યું અને મેઈલ ચેક કર્યા. એક-બે નો રિપ્લાઈ કર્યા પછી તે વેબસાઈટ ખોલી ન્યુઝ વાંચવા માંડી. પહેલા જ સમાચારમાં લૂંટારાઓની ગેંગ વિષે વાંચ્યું. હમણાં જ સક્રિય બનેલી એક ટોળકી મુખ્યત્વે વૃદ્ધ મહિલાઓના ઘરેણાં લૂંટતી હતી. લોકોમાં આક્રોશ હતો કે એક મહિનામાં આઠ બનાવ બની ગયા છે પણ હજીયે પોલીસ લૂંટારાઓને પકડવામાં નાકામિયાબ રહી હતી.
માયાએ પર્સને હાથ નીચે દબાવી રાખ્યું અને બેગને પોતાની નજીક ખેંચી. અનાયાસે જ તેની નજર વેઇટિંગ રૂમમાં ચારેતરફ ફરી વળી. એક ખૂણામાં પતિ, પત્ની અને નાની બાળકી બેઠા હતા. બીજી બાજુ બે યુવાન વાતો કરી રહ્યા હતા. પાછળ એક વૃદ્ધા ઝોંકા ખાઈ રહી હતી. આ પાંચ લોકો સિવાય બીજું કોઈ દેખાયું નહિ. બહાર પ્લેટફોર્મ પણ લગભગ ખાલી જ હતું. નાનું શહેર એટલે વધારે લોકો ન હોય તે સ્વાભાવિક હતું પરંતુ માયાને કઈંક ડર જેવું લાગ્યું અને તેના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.
તેણે ન્યુઝ બંધ કરીને ટેબ્લેટ પર નેટફ્લિક્સ ખોલ્યું અને કાનમાં હેડફોન લગાવી ફિલ્મ જોવા લાગી. થોડીવાર પછી તેને કોઈ જાહેર ઘોષણાનો અવાજ આવ્યો એટલે હેડફોન હટાવી ધ્યાનથી સાંભળ્યું. તેની ટ્રેઈન એક કલાક મોડી થઇ હતી. બીજી કોઈ ટ્રેઈન પ્લેટફોર્મ પર આવવાની તૈયારીમાં હતી. ઘોષણા સાંભળીને બંને યુવાનો અને નાની બાળકી વાળો પરિવાર પોતપોતાનો સામાન લઈને ઉભા થયા અને પ્લેટફોર્મ તરફ ગયા. માયાએ નિરાંતનો શ્વાસ લીધો અને ફરી ફિલ્મ જોવા લાગી. ફિલ્મમાં બેન્ક ચોરીની વાત હતી. હીરો અને હિરોઈન એક બેંકમાં ચોરી કરવાની યોજના બનાવી તેને અમલમાં મુકવા માટેની તૈયારી કરી રહ્યા હતા.
માયાને લાગ્યું કે શા માટે લોકો આવી રીતે ચોરી કે લૂંટફાટ કરતા હશે? તેમને ડર નહિ લાગતો હોય કે પકડાઈ જઈશું તો જેલમાં ઝીંદગી વિતાવતી પડશે? પોલીસના માર ખાવા પડશે તે અલગ. થોડીવાર પછી તેણે ફરીથી એકવાર આસપાસ જોઈ લીધું. હજુ બીજું કોઈ વેઇટિંગ રૂમમાં આવ્યું નહોતું. પાછળ ફરીને જોયું તો વૃદ્ધ મહિલા હજુ પણ ઊંઘતી જ હતી. તેની ગરદન વારેવારે બાજુ પર ઢળી પડતી હતી અને તેના હોઠના એક ખૂણામાંથી લાળના ટીપા બહાર આવી ગયા હતા. ‘ખુબ ઊંઘમાં લાગે છે.’ માયાએ વિચાર્યું.
માયાએ ફિલ્મને પોઝ કરી ટેબ્લેટ હાથમાં લઇ ઉભી થઇ અને વેઇટિંગ રૂમના દરવાજા પાસે જઈ બહાર પ્લેટફોર્મ પર બંને બાજુ નજર દોડાવી. દૂરના છેડે એક બેન્ચ પર કોઈ ચાદર ઓઢીને ઊંઘતું હતું. બીજા છેડે એક કૂતરું આંટા મારી રહ્યું હતું અને દૂર લટકતી મોટી ઘડિયાળ ઝાંખી દેખાઈ રહી હતી. આવી શાંતિ અને તેમાંય રાત થઇ ગઈ હતી એટલે માયાને ડર તો લાગ્યો પણ હજી ટ્રેઈન આવવાને દશેક મિનિટની જ વાર હતી એટલે તે પાછી અંદર આવી.
પોતાની સીટ પર આવતા તેણે વૃદ્ધાને નજીકથી જોઈ. લગભગ પાંસઠેક વર્ષની હોવી જોઈએ. બધા વાળ સફેદ હતા. સામાન વધારે નહોતો. એક પર્સ હતું જેને તે ખોળામાં હાથ નીચે દબાવીને ઊંઘતી હતી. એક સુઈટકેસ બાજુમાં પડી હતી. શરીર અને મુખમુદ્રાથી એવું લાગતું હતું કે ભણેલી ગણેલી અને સદ્ધર ઘરની હોવી જોઈએ. એક હાથમાં ટાઇટનની ઘડિયાળ અને બીજા હાથમાં એક સોનાની બંગળી પહેરી હતી. એક આંગળીમાં માણેક જડેલી વીંટી અને ગળામાં સોનાનું મંગળસૂત્ર હતું. તેણે કોફી કલરની કોટનની સાડી અને સફેદ રંગનું બ્લાઉઝ પહેર્યા હતા. ‘ખુબ થાક્યા લાગે છે માસી.’ માયાએ મનોમન કહ્યું અને વેઇટિંગ રૂમને ચારેતરફ નીરખીને જોયો. દીવાલો અને છત પણ ધ્યાનથી જોઈ લીધા અને પછી પોતાની જગ્યાએ આવીને બેસી ગઈ. ટેબ્લેટ ખોલીને તેણે બાકીની ફિલ્મ જોવા માંડી.
ફિલ્મ પુરી થઇ. અંતમાં હીરો-હિરોઈન બેન્ક ચોરીને ચાલાકીથી નીકળી ગયા અને બધી સંપત્તિ લઈને એક ટાપુ પર શાનદાર જીવન વિતાવવા લાગ્યા. થોડા સમય ન્યુઝપેપર અને ટીવીમાં સમાચાર ગાજ્યા અને પોલીસની ટીકા થઇ પણ આખરે લોકો બધું જ ભૂલીને પોતપોતાના જીવનમાં મસ્ત થઇ ગયા. માયાને આશ્ચર્ય થયું. લૂંટારાઓની ટોળકી, ફિલ્મના હીરો-હિરોઈન અને એવા તો કેટલાય કિસ્સાઓમાં ચોરી કે લૂંટ થાય છે પણ પકડાય છે કોણ? તે વિચારી રહી હતી ત્યાં ટ્રેઈન પ્લેટફોર્મ તરફ ધસી આવવાનો અવાજ સંભળાયો. ઘોષણા પણ થઇ કે ટ્રેઈન પ્લેટફોર્મ પર પહોંચી રહી છે. તેણે પોતાનો સામાન ઉઠાવ્યો અને ચાલતી થઇ. તેણે જોયું કે વૃદ્ધા હજુ પણ ખુબ ગાઢ નિંદ્રામાં હતી. તે હળવેથી તેની નજીક ગઈ. વૃદ્ધાનું પર્સ ખોળામાં પડ્યું હતું અને તેના પર રાખેલો હાથ હવે બાજુ પર લટકી રહ્યો હતો. તેણે જલ્દીથી ચારેતરફ નજર કરી. તેને જોનાર કોઈ કેમેરા કે માણસ ત્યાં નહોતા. માયાએ હળવે રહીને વૃદ્ધાનું પર્સ ઉઠાવ્યું અને સડસડાટ બહાર તરફ નીકળી ગઈ. પાછળ ફરીને ફરીથી ખાતરી કરી કે વૃદ્ધા હજુ ઘસઘસાટ ઊંઘી રહી હતી.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)