રોજર ફેડરરનું 20મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ…
જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા રમાઈ. સ્વિટ્ઝરલેન્ડના દંતકથા સમાન ખેલાડી રોજર ફેડરરે ફાઈનલમાં ક્રોએશિયાના મેરિન સિલીચને 6-2, 6-7, 6-3, 3-6, 6-1થી હરાવીને 20મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતી. ફેડરર વિશે એવું કહેવાય છે કે એને ઉંમરની અસર વર્તાતી નથી. 36 વર્ષનો થયો છતાં ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં રમવા અને એમાં વિજેતા બનવાની એની શક્તિ ઘટી નથી.
ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી…
ફેબ્રુઆરીમાં, પૃથ્વી શૉનાં નેતૃત્ત્વ હેઠળની ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં સંયુક્તપણે આયોજિત આઈસીસી 2018 અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. ફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8-વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતે આ ટ્રોફી ચોથી વાર જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં 216 રન કર્યા હતા. ભારતે 38.5 ઓવરમાં બે વિકેટના ભોગે 220 રન કરી મેચ જીતી લીધી હતી. મનજોત કાલરા 101 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કાલરા ‘મેન ઓફ ધ મેચ’ અને શુભમન ગિલ ‘મેન ઓફ ધ સીરિઝ’ બન્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં સાઈનાએ ગોલ્ડ, સિંધુએ સિલ્વર જીત્યો…
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં એપ્રિલમાં રમાઈ ગયેલી કોમનવેલ્થ ગેમ્સની મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સની ફાઈનલમાં બંને ભારતની જ ખેલાડીઓ – સાઈના નેહવાલ અને પી.વી. સિંધુ વચ્ચે મુકાબલો થયો હતો. સાઈનાએ 21-18, 23-21થી સિંધુને પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બે સિંગલ્સના ગોલ્ડ મેડલ જીતનાર સાઈના પહેલી ખેલાડી બની.
સેન્ડપેપરકાંડઃ ઓસ્ટ્રેલિયાની ત્રિપુટી પર પ્રતિબંધ…
2018નો વર્ષનો સૌથી મોટો વિવાદ કહેવાયો છે જેમાં કેપટાઉન ખાતે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના દાવ વખતે ઓસ્ટ્રેલિયાનો ઓપનર કેમરન બેન્ક્રોફ્ટ ખિસ્સામાંથી સેન્ડપેપર કાઢીને એની પર બોલ ઘસતો ટેલિવિઝન કેમેરામાં ઝડપાઈ ગયો હતો. બોલ ટેમ્પરિંગનો આ વિવાદ ખૂબ ગાજ્યો. બેનક્રોફ્ટે ફિલ્ડિંગ કરતી વખતે સેન્ડપેપર સાથે બોલને ઘસવાની કરેલી ગેરકાયદેસર હરકતની કબૂલાત કરી હતી. ત્યારબાદ કેપ્ટન સ્મિથે પણ કહ્યું કે ટીમના સિનિયર ખેલાડીઓએ જ એવો પ્લાન કર્યો હતો. પરિણામે આઈસીસીએ સ્મિથ અને ઓસ્ટ્રેલિયાના વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરને એક-એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા અને બેનક્રોફ્ટને 9-મહિના માટે સસ્પેન્ડ કરી દીધો.
સાત વર્ષ પછી ધોની-CSK ફરી IPL ટ્રોફી જીત્યા…
મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમે મે મહિનામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા જીતી હતી. ફાઈનલમાં એની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 8-વિકેટથી પરાજય આપ્યો હતો. ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ ટીમે આ ત્રીજી વાર વિજેતાપદ હાંસલ કર્યું. આ પહેલાં તેણે 2010 અને 2011માં ફાઈનલ જીતી હતી. ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ ટીમ 2012, 2013 અને 2015માં ફાઈનલમાં હારી હતી. 2017માં ધોની રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ વતી રમ્યો હતો અને તે ટીમ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વિરુદ્ધ એની પત્ની હસીન જહાંએ જાહેરમાં મોટાં આરોપ મૂકતાં મોટો વિવાદ સર્જાયો. એપ્રિલમાં, હસીન જહાંએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મોહમ્મદ શમીને અનૈતિક સંબંધો છે, ઘરમાં પોતાને ગાળો દે છે, મારપીટ કરે છે અને એની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો છે. હસીન જહાંએ બાદમાં કોલકાતામાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ઓક્ટોબરમાં એ મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીમાં પણ જોડાઈ ગઈ.
વર્લ્ડ કપ ફૂટબોલઃ ફ્રાન્સ 20 વર્ષે ફરી ચેમ્પિયન બન્યું…
જુલાઈમાં રશિયામાં વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા રમાઈ હતી. ફ્રાન્સે ફાઈનલમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને 20 વર્ષ બાદ ફરી વિજેતાની ટ્રોફી જીતી લીધી. ફ્રાન્સે આ બીજી વાર ચેમ્પિયનપદ હાંસલ કર્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકરનું ઓગસ્ટમાં મુંબઈમાં નિધન થયું. તેઓ 77 વર્ષના હતા. 1971માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ભારતને પ્રથમ ટેસ્ટ-વિજય અપાવનાર તે પહેલા જ કેપ્ટન હતા. ડાબોડી બેટ્સમેન વાડેકરે 37 ટેસ્ટ મેચોમાં 2,113 રન કર્યા હતા. તેઓ ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન હતા. 1974માં તેઓ માત્ર બે જ વન-ડે મેચ રમ્યા હતા. એ બંનેમાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી જતાં વાડેકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. બાદમાં એ સિલેક્ટર બન્યા હતા.
એશિયન ગેમ્સ-2018માં ભારતે જીત્યા 15 ગોલ્ડ…
ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બાન્ગ શહેરોમાં ઓગસ્ટમાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતનો દેખાવ ઉત્તમ રહ્યો હતો. 15 સુવર્ણ, 24 રજત અને 30 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 69 મેડલ્સ સાથે ભારત ટોપ-10માં રહ્યું – 8મા સ્થાને. મહિલાઓની 4×400 મીટરની રેસમાં હિમા દાસ, સરિતા ગાયકવાડ, એમ.આર. પૂવામ્મા, વી.કે. બિસ્મયાની ચોકડીએ 3:28.72 સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમા દાસે 400 મીટરની રેસમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
વિરાટ કોહલી, મીરાબાઈ ચાનુને ‘ખેલરત્ન’…
ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટલિફ્ટર સૈખોમ મીરાબાઈ ચાનુને સપ્ટેંબરમાં ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. ચાર વર્ષના સમયગાળા દરમિયાન ખેલકૂદ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ, ઝળહળતો દેખાવ કરવા બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે.
છ-વખત ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન બનેલી સાનિયા મિર્ઝાએ ઓક્ટોબરમાં હૈદરાબાદમાં પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયા અને એનાં પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે એમનાં આ પ્રથમ સંતાનનું નામ ઈઝાન મિર્ઝામલિક રાખ્યું છે. ઉર્દૂમાં ઈઝાનનો અર્થ એટલે ખુદાની ભેટ છે. સાનિયા-શોએબનું કહેવું છે કે એમનો દીકરો અલ્લાહની ભેટ છે.
મેરી કોમે છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી…
મણીપુરનિવાસી મેરી કોમે નવેમ્બરમાં નવી દિલ્હીમાં આયોજિત મહિલાઓની બોક્સિંગ વિશ્વ સ્પર્ધામાં (48 કિ.ગ્રા. વર્ગ) ફાઈનલમાં યુક્રેનની હરીફને 5ઃ0થી હરાવી હતી. મેરી કોમે કારકિર્દીમાં આ છઠ્ઠી વાર વિશ્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ વિશ્વનાં પ્રથમ મહિલા બોક્સર છે. મેરી કોમે પહેલો ગોલ્ડ મેડલ 16 વર્ષ પહેલાં જીત્યો હતો.
ભારત વતી ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલમાં, સ્થાનિક ક્રિકેટ સ્પર્ધાઓમાં દિલ્હી વતી તેમજ આઈપીએલ લીગ સ્પર્ધામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વતી રમેલા ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ડિસેંબરમાં તમામ ફોર્મેટની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ બેટ્સમેને 58 ટેસ્ટમેચોમાં 4,154 રન, 147 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 5,238 રન બનાવ્યા હતા. એણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2003-04માં શરૂ કરી હતી.
દેશમાં બેડમિન્ટન રમતમાં સ્ત્રી અને પુરુષ વર્ગનાં સ્ટાર ખેલાડીઓ – સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપ ડિસેંબરમાં લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. લગ્ન પ્રસંગ હૈદરાબાદમાં સાઈનાનાં નિવાસસ્થાને યોજાયો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 સાઈના કારકિર્દીમાં 20 ટાઈટલ્સ ઉપરાંત 2012માં ઓલિમ્પિક્સનો કાંસ્યચંદ્રક અને 2018માં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે તો કશ્યપે 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેન્સ હોકી વર્લ્ડ કપઃ બેલ્જિયમ વિજેતા…
ઓડિશાના ભૂવનેશ્વરમાં કલિંગા સ્ટેડિયમમાં ડિસેંબરમાં યોજવામાં આવેલી મેન્સ હોકી વર્લ્ડ કપ સ્પર્ધામાં બેલ્જિયમે વિજેતાપદ હાંસલ કર્યું. ફાઈનલમાં એણે નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય આપ્યો. બેલ્જિયમે આ પહેલી જ વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સ સામે 1-2થી હારી જતાં વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચવાનું એનું 43 વર્ષ જૂનું સપનું ફરી અધૂરું રહ્યું.
httpss://youtu.be/p3U55AYSlU4
httpss://youtu.be/3qVTCZV1mOM