‘જો ને પેલો ભિખારી જેવો માણસ. કેવા મેલા-ઘેલા કપડાં પહેર્યા છે અને દાઢી વધારી છે?’ સુનૈનાએ એ વ્યક્તિ તરફ આંગળી ચિંધ્યા વિના મીનાને કહ્યું.
મીનાએ દાઢી ખંજવાળતા એ માણસને જોઈને તિરસ્કારથી મોઢું મચકોડ્યું અને પર્સમાંથી મોબાઈલ કાઢતા બોલી, ‘જવા દેને.’
‘ચાલીસ, પિસ્તાલીસનો હશે. શરીરે પણ તંદુરસ્ત છે. શા માટે કમાતા નહિ હોય? આમ જ હરામનું ખાવાની આદત પડી હોય છે આવા લોકોને. આવા જ લોકો ચોરી-છીનારી કરતા હોય છે. દૂર રહેવું સારું તેમનાથી.’ સુનૈના જલ્દી પોતાના મંતવ્યો બનાવી લેતી અને તેને વળગી પણ રહેતી.
‘આપણને શું ખબર? પણ આપણે ખબર પાડવાની જરૂર ય નથી. ચાલ, હવે કોલેજમાં જઈએ. પેલી ચશ્મીસ મેડમ આવતી જ હશે. કાલે મોડું થઇ ગયેલું તો કેવો ટોન મરેલો.’ ફોનમાં મેસેજ ચેક કરતી મીના કોલેજના ગેટ તરફ વળી.
‘સારું ચાલ. પણ આજે આપણે સાંજે ચોક્કસ પિઝા ખાવા જઈશું, હોં?’ પિઝા સુનૈનાના ફેવરિટ હતા. અઠવાડિયે-દસ દિવસે તેને એકવાર પિઝા ખાવાનું મન થાય.
‘જાડી થઇ જઈશ બહુ પિઝા ખાઈશ તો. ચાલ હવે.’ મીનાએ સુનૈનાને ચીડવતા કહ્યું.
‘નો ફેટ શેમિંગ પ્લીઝ. પિઝા તો ખાઈશું જ.’ સુનૈના સાથે ચાલવા લાગી.
કોલેજમાં આખો દિવસ વિતાવીને, ભણવાની સાથે સાથે કેટલીય ધીંગામસ્તી કરીને સુનૈના અને મીના સાંજે પાંચ વાગીને દસ મિનિટે ગેટની બહાર નીકળી. આજે સુનૈનાને પિઝા ખાવાનું મન હતું એટલે તેઓ રોડ ક્રોસ કરીને સામેની બાજુ માર્કેટ તરફ જવા નીકળી ત્યાં ફરીથી સુનૈનાની નજર તે ભિખારી પર પડી, જે એક સ્ટ્રીટ લાઈટ થાંભલાને અઢેલીને બેઠો બેઠો બીડી ફૂંકી રહ્યો હતો. તેને જાણે દુનિયાની કોઈ ફિકર જ નહોતી. એક ફાટેલો કોથળો પાથરેલો હતો અને તેની પાસે કપડાંની એક મેલી થેલી પડી હતી. તેમાં થોડા કપડાં કે એવું કૈંક ભર્યું હોય તેવું લાગતું હતું. ભીખ માંગવા માટે કોઈની સામે હાથ ફેલાવવાની મહેનત પણ તે કરવા ન માંગતો હોય તેમ અડધી મીંચેલી નશીલી આંખોથી રસ્તામાં આવતા જતા લોકોને જોયા કરતો હતો.
‘જો તો ખરા આ માણસને. મને લાગે છે કે તેને તો ભીખ માંગવાની પણ મહેનત નથી કરવી. કોઈ મોઢામાં રોટલીનો ટુકડો મૂકી જાય તો જ ખાય તેવો લાગે છે મને તો.’ સુનૈનાએ તે માણસ તરફ આંગળી ચીંધી ઈશારો કરતાં મીનાને કહ્યું.
‘તારી સોઈ પાછી તેના પર પહોંચી ગઈ? જવા દેને, તારે શું છે? તું નહિ આપતી એને ભીખ.’ મીનાએ હંમેશાની જેમ વાતમાં રસ ન લીધો.
‘તને તો કોઈ વાતમાં રસ જ નથી હોતો. સમાજમાં લોકોને જોઇશ તો સમજાશે કે દુનિયા કેવી છે. લોકોને ઓળખાતા શીખ નહીંતર ક્યારેક છેતરાઇશ.’ સુનૈનાએ શાણપણની વાત કરતી હોય તેમ રુઆબ જમાવ્યો.
‘જોઈ તારી હોશિયારી. તારા અનુમાન લગાવવાનું બંધ કર અને કામથી કામ રાખને! બોલ, પિઝા પછી આઈસ્ક્રીમ પણ ખવડાવીશ?’ મીનાએ વાતને ટાળતા પૂછ્યું.
‘હા, ચોક્કસ. હું પણ ખાઇશ.’ સુનૈનાના મોમાં પાણી આવ્યું.
‘જાડી થઇ જઈશ બહુ આઈસ્ક્રીમ ખાઇશ તો.’ મીનાએ ફરીથી ટીખળ કરી.
‘શટ અપ.’ સુનૈનાએ કહ્યું અને બંને હસી પડી.
લગભગ એકાદ કલાક પછી સુનૈના અને મીના તે જ રોડ પરથી ઘરે જવા નીકળી. મીનાના ફોનથી ટેક્ષી બુક કરેલી હતી અને તેનું લોકેશન કોલેજના ગેટ પાસેનું આપેલું. ત્યાં ઉભા રહીને બંને ટેક્ષીની વેઇટ કરતા હતા.
થોડી વાર થઇ હશે કે રસ્તાની પેલે પર કોઈની ચીસ સંભળાઈ. સુનૈના અને મીનાએ અવાજની દિશામાં જોયું. જે ભિખારી જેવા લગતા માણસની સવારથી સુનૈનાએ ટીકા કરવાનું શરુ કર્યું હતું તેના હાથમાં રિવોલ્વર હતી અને તેણે એક માણસને જમીન પર પછાડીને તેના માથા પર રિવોલ્વર દબાવી રાખી હતી.
‘મેં તને કહ્યું હતું ને કે આવા લોકો જ ચોરી-ચકારી કરતા હોય છે. જો, જો, એ માણસ લૂંટ કરી રહ્યો છે. ખૂન કરી નાખશે પેલા બિચારાનું.’ સુનૈના ડરતા ડરતા બોલી અને બંને એક વૃક્ષની પાછળ છૂપાઈને ત્યાં બની રહેલી ઘટના જોવા લાગી.
નીચે પડેલો માણસ હાથપગ પછાડી રહ્યો હતો પણ તે મેલાં કપડાંવાળો માણસ તેને બરાબર દબાવીને બેઠો હતો. ત્રીસેક સેકન્ડમાં પોલીસની જીપનું સાઇરન સંભળાયું અને સુનૈનાના હૈયે ઠંડક વળી કે હવે આ ગુંડો ભાગી જશે અને પેલો નિર્દોષ માણસ બચી જશે. સુનૈના મનોમન ખુશ થતી હતી ત્યાં સુધીમાં પોલીસની બે જીપ આવીને ઉભી રહી અને તેમાંથી છ-સાત હથિયારધારી પોલીસમેન ઉતર્યા. સેલ્યુટ કરીને એક સેકન્ડ માટે થોભી ગયા. મેલાં કપડાંવાળો માણસ ઉઠ્યો અને પોલીસે નીચે પડેલા માણસને ઉઠાવીને હાથકડી પહેરાવી.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)